ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 શમુએલ 4

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1શમુએલનું વચન સર્વ ઇઝરાયલીઓ પાસે આવતું હતું. હવે ઇઝરાયલીઓ પલિસ્તીઓ સામે યુદ્ધ કરવા ગયા. તેઓએ એબેન-એઝેરમાં છાવણી નાખી અને પલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી.
2પલિસ્તીઓએ ઇઝરાયલીઓ વિરુદ્ધ યુદ્ધ માટે વ્યૂહરચના કરી. જયારે યુદ્ધ થયું, ત્યારે પલિસ્તીઓની સામે ઇઝરાયલીઓ હારી ગયા, પલિસ્તીઓએ યુદ્ધના મેદાનમાં આશરે ચાર હજાર ઇઝરાયલીઓનો સંહાર કર્યો.
3જયારે લોકો છાવણીમાં આવ્યા, ત્યારે ઇઝરાયલના વડીલોએ કહ્યું, “શા માટે આજે ઈશ્વરે પલિસ્તીઓની સામે આપણને હરાવ્યા? ચાલો આપણે શીલોમાંથી ઈશ્વરનો કરારકોશ પોતાની પાસે લાવીએ, કે તે આપણી સાથે અહીં રહે, જેથી આપણને આપણા શત્રુઓના હાથમાંથી બચાવે.”
4જેથી લોકોએ શીલોમાં માણસો મોકલ્યા; તેઓએ ત્યાંથી સૈન્યના ઈશ્વર જે કરુબીમની વચ્ચે બિરાજમાન છે, તેમના કરારકોશને લાવ્યા. એલીના બે દીકરાઓ, હોફની તથા ફીનહાસ, ઈશ્વરના કરારકોશ સાથે ત્યાં આવ્યા હતા.
5જયારે ઈશ્વરના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ મોટેથી પોકાર કર્યો અને પૃથ્વીમાં તેના પડઘા પડ્યા.
6પલિસ્તીઓએ એ અવાજ સાંભળ્યો, ત્યારે તેઓએ કહ્યું, “હિબ્રૂઓની છાવણીમાંથી આવા મોટેથી પોકારો કેમ થાય છે?” તેઓ સમજ્યા કે ઈશ્વરનો કોશ તેઓની છાવણીમાં આવ્યો છે.
7પલિસ્તીઓ ભયભીત થયા; તેઓએ કહ્યું, “ઈશ્વર છાવણીમાં આવ્યા છે.” તેઓએ કહ્યું, “આપણને અફસોસ! પહેલાં ક્યારેય આવું બન્યું નથી!
8આપણને અફસોસ! આ પરાક્રમી ઈશ્વરના હાથમાંથી આપણને કોણ છોડાવશે? આ એ જ ઈશ્વર છે કે જેમણે અરણ્યમાં મિસરીઓને સર્વ પ્રકારની મરકીથી માર્યા હતા.
9ઓ પલિસ્તીઓ, તમે બળવાન થાઓ, હિંમત રાખો, જેમ હિબ્રૂઓ તમારા ગુલામ થયા હતા, તેમ તમે તેઓના ગુલામ ન થાઓ. હિંમત રાખીને લડો.”
10પલિસ્તીઓ લડયા, ઇઝરાયલીઓની હાર થઈ. પ્રત્યેક માણસ પોતપોતાના તંબુમાં નાસી ગયો અને ઘણો મોટો સંહાર થયો; કેમ કે ઇઝરાયલીઓમાંથી ત્રીસ હજાર સૈનિકો માર્યા ગયા.
11પલિસ્તીઓ ઈશ્વરનો કોશ લઈ ગયા તથા એલીના બે દીકરા, હોફની તથા ફીનહાસ, માર્યા ગયા.
12બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી ભાગ્યો, તેના વસ્ત્ર ફાટી ગયેલાં હતા, તેના માથામાં ધૂળ સાથે તે જ દિવસે તે શીલોમાં આવી પહોંચ્યો.
13તે આવ્યો ત્યારે, એલી રસ્તાની કોરે આસન ઉપર બેસીને રાહ જોતો હતો કેમ કે તેનું હૃદય ઈશ્વરના કોશ વિષે ખૂબ જ ગભરાતું હતું. જયારે તે માણસે નગરમાં આવીને તે ખબર આપી, ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું.
14જયારે એલીએ તે રુદનનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું,” આ શોરબકોર શાનો છે?” તે માણસે ઉતાવળથી આવીને એલીને જાણ કરી.
15એલી તો અઠ્ઠાણું વર્ષની ઉંમરનો હતો; તેની આંખો એટલી બધી ઝાંખી પડી ગઈ હતી, કે તે જોઈ શકતો નહોતો.
16તે માણસે એલીને કહ્યું, “યુદ્ધમાંથી જે આવ્યો તે હું છું. આજે હું સૈન્યમાંથી નાસી આવ્યો છું. “તેણે કહ્યું, “મારા દીકરા, ત્યાં શું થયું.?”
17જે માણસ સંદેશો લાવ્યો હતો તેણે ઉત્તર આપીને કહ્યું, “ઇઝરાયલીઓ પલિસ્તીઓ આગળથી ભાગ્યા છે. વળી ઘણાં લોકો મૃત્યુ પામ્યા છે. તારા બન્ને દીકરા, હોફની તથા ફીનહાસ, મરણ પામ્યા છે અને ઈશ્વરનો કોશ શત્રુઓ લઈ ગયા છે.
18જયારે તેણે ઈશ્વરના કોશ વિષે કહ્યું, ત્યારે એલી દરવાજાની પાસેના આસન ઉપરથી ચત્તોપાટ પડી ગયો. તેની ગરદન ભાંગી ગઈ, તે મરણ પામ્યો, કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે ચાળીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો હતો.
19તેની પુત્રવધૂ, જે ફીનહાસની પત્ની હતી તે ગર્ભવતી હતી અને તેની પ્રસૂતિનો સમય નજીક હતો. તેણે જયારે એવી ખબર સાંભળી કે ઈશ્વરના કોશનું હરણ થયું છે, તેના સસરા તથા તેનો પતિ મરણ પામ્યા છે, ત્યારે તેણે વાંકી વળીને બાળકને જન્મ આપ્યો, તેને ભારે પ્રસૂતિવેદના થતી હતી.
20અને તે વખતે જે સ્ત્રીઓ તેની પાસે ઊભેલી હતી તેઓએ કહ્યું કે,” બી મા, કેમ કે તને દીકરો જન્મ્યો છે.” પણ તેણે કશો ઉત્તર આપ્યો નહિ. અને કંઈ પણ પરવા કરી નહિ.
21તેણે છોકરાનું નામ ઇખાબોદ પાડીને, કહ્યું, “ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે!” કારણ કે ઈશ્વરનો કોશ લઈ જવાયો હતો, તેના સસરાનું તથા પતિનું મૃત્યુ થયું હતું.
22અને તેણે કહ્યું, “હવે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે, કેમ કે ઈશ્વરના કોશનું હરણ થયું છે.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.