ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 શમુએલ 5

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1હવે ઈશ્વરનો કોશ પલિસ્તીઓના હાથમાં આવ્યો હતો, તેને તેઓ એબેન-એઝેરમાંથી આશ્દોદમાં લાવ્યા.
2પલિસ્તીઓએ ઈશ્વરનો કોશ, દાગોનના મંદિરમાં લાવીને દાગોનની પાસે મૂક્યો.
3જયારે બીજે દિવસે આશ્દોદીઓ વહેલી સવારે ઊઠ્યા, ત્યારે, જુઓ, દાગોને ઈશ્વરના કોશ આગળ ભૂમિ પર ઊંધો પડેલો હતો. તેથી તેઓએ દાગોનને લઈને તેના અસલ સ્થાને પાછો બેસાડ્યો.
4બીજે દિવસે તેઓ વહેલી સવારે ઊઠ્યા, ત્યારે પણ, ઈશ્વરના કોશ આગળ દાગોન ભૂમિ પર ઊંધો પડેલો હતો. દાગોનનું શિર તથા તેના બન્ને હાથો દરવાજાના ઉંબરા ભાંગી પડેલાં હતાં. કેવળ દાગોનનું ધડ રહ્યું હતું.
5માટે, દાગોનના યાજક તથા જે કોઈ દાગોનના મંદિરમાં આવે છે તેઓ આજે પણ આશ્દોદમાં દાગોનના દરવાજાના ઉંબરા પર પગ મૂકતા નથી.
6ઈશ્વરનો હાથ આશ્દોદીઓ ઉપર ભારે હતો. તેમણે તેઓનો નાશ કર્યો, તેઓને એટલે આશ્દોદ તથા તેની સરહદમાં રહેનારાઓને ગાંઠના રોગથી માર્યા.
7જયારે આશ્દોદના માણસોએ જોયું કે આમ થયું છે ત્યારે તેઓએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરનો કોશ આપણી વચ્ચે રખાય નહિ; કેમ કે તેમનો હાથ આપણા ઉપર આપણા દેવ દાગોન ઉપર સખત છે.”
8માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ અધિકારીઓને એકઠા કર્યા; તેઓએ તેમને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરના કોશનું અમારે શું કરવું?” તેઓએ ઉત્તર આપ્યો કે, ઇઝરાયલના ઈશ્વરનો કોશ અહીંથી ગાથમાં લઈ જાઓ, અને તેઓ ઇઝરાયલના ઈશ્વરનો કોશ ત્યાં લઈ ગયા.
9પણ તેઓ તેને ત્યાં લઈ ગયા પછી, ઈશ્વર તેઓના પર કોપાયમાન થયા. તેમણે તે નગરનાં નાનાં મોટાં માણસો પર કેર વર્તાવ્યો; તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી.
10તેથી તેઓએ ઈશ્વરના કોશને એક્રોનમાં મોકલ્યો. પણ જયારે ઈશ્વરનો કોશ એક્રોનમાં આવ્યો ત્યારે એમ થયું કે, એક્રોનીઓએ રડીને, કહ્યું, “તેઓ અમારો તથા અમારા લોકોનો સંહાર કરવાને ઇઝરાયલના ઈશ્વરનો કોશ અમારી પાસે લાવ્યા છે.”
11માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ અધિકારીઓને એકઠા કર્યા; તેઓએ તેમને કહ્યું, ઇઝરાયલના ઈશ્વરનો કોશ મોકલી દો, તેને પોતાની જગ્યાએ પાછો જવા દો, કે તે અમારો તથા અમારા લોકોનો સંહાર ન કરે.” કેમ કે આખા નગરમાં ભયંકર સંહાર થયો હતો; ઈશ્વરનો હાથ ત્યાં ઘણો ભારે થયો હતો.
12અને જે માણસો મર્યા નહિ તેઓને ગાંઠો ફૂટી નીકળી, તે નગરનો પોકાર આકાશ સુધી પહોંચ્યો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.