ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 શમુએલ 3

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1બાળ શમુએલ એલીની પાસે રહીને ઈશ્વરની સેવા કરતો હતો. તે દિવસોમાં ઈશ્વરની વાણી દુર્લભ હતી; ત્યાં વારંવાર પ્રબોધકીય સંદર્શન થતાં નહોતા.
2તે સમયે, જયારે એલીની, આંખોની દ્રષ્ટિ ઝાંખી થવાથી તે સારી રીતે જોઈ શકતો નહોતો, ત્યારે તે પોતાની પથારીમાં સૂતો હતો,
3ઈશ્વરનો દીવો હજી હોલવાયો ન હતો. ત્યારે શમુએલ ઈશ્વરના ઘરમાં જે ઠેકાણે ઈશ્વરનો કોશ હતો ત્યાં ઊંઘતો હતો.
4ઈશ્વરે શમુએલને હાંક મારી, તેણે જવાબ આપ્યો, “હું આ રહ્યો.”
5શમુએલે એલીની પાસે દોડી જઈને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી; પાછો જઈને ઊંઘી જા.” જેથી શમુએલ જઈને ઊંઘી ગયો.
6ઈશ્વરે ફરીથી હાંક મારી, “શમુએલ.” ફરીથી શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” એલીએ જવાબ આપ્યો, “મેં તને નથી બોલાવ્યો, મારા દીકરા; પાછો જઈને ઊંઘી જા.”
7હવે શમુએલને હજી સુધી ઈશ્વરનો કોઈપણ પ્રકારનો પરિચય થયો નહોતો, ક્યારેય ઈશ્વરનો કોઈ સંદેશ તેને પ્રગટ થયો ન હતો.
8ફરીથી ઈશ્વરે શમુએલને ત્રીજી વાર હાંક મારી. શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” પછી એલીને સમજાયું કે ઈશ્વર છોકરાંને બોલાવી રહ્યા છે.
9માટે એલીએ શમુએલને કહ્યું, “જઈને પાછો સૂઈ જા; જો તે તને ફરીથી બોલાવે, તો તારે કહેવું, ‘બોલો, ઈશ્વર, કેમ કે તમારો સેવક સાંભળે છે.’ જેથી શમુએલ ફરીથી પોતાની પથારીમાં જઈને ઊંઘી ગયો.
10ઈશ્વર આવીને ઊભા રહ્યા; પહેલાંની જેમ જ તેમણે અવાજ કર્યો, “શમુએલ, શમુએલ.” ત્યારે શમુએલે કહ્યું, “બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે.”
11ઈશ્વરે શમુએલને કહ્યું, “જો, હું ઇઝરાયલમાં એક એવું કાર્ય કરનાર છું કે તે વિષે જે સાંભળશે તેના બન્ને કાન કાંપશે.
12મેં એલીની વિરુદ્ધ તેના ઘર સંબંધી જે સઘળું કહ્યું છે તે બધું આરંભથી તે અંત સુધી, હું તે દિવસે પૂરું કરીશ.
13મેં તેને કહ્યું હતું કે જે દુષ્ટતાની તેને ખબર છે તેને લીધે હું તેના ઘરનો ન્યાય સદાને માટે કરીશ, કારણ કે તેના દીકરાઓ પોતા પર શાપ લાવ્યા અને તેણે તેઓને અટકાવ્યા નહિ.
14આ કારણ માટે એલીના ઘર વિષે મેં એવા સમ ખાધા છે કે એલીના ઘરની દુષ્ટતાનું પ્રાયશ્ચિત બલિદાનથી અથવા અર્પણથી કદાપિ થશે નહિ.”
15શમુએલ સવાર સુધી ઊંઘી રહ્યો; પછી તેણે ઈશ્વરના ઘરનાં બારણાં ઉઘાડ્યાં. પણ શમુએલ એ સંદર્શન એલીને કહેતાં ગભરાયો.
16ત્યારે એલીએ શમુએલને હાંક મારી અને કહ્યું, “શમુએલ, મારા દીકરા.” શમુએલે કહ્યું, “હું આ રહ્યો.”
17તેણે કહ્યું, “તેમણે તારી સાથે શી વાત કરી? કૃપા કરી તે મારાથી છુપાવી રાખીશ નહિ. તેમણે જે બધી વાતો તને કહી તેમાંથી કોઈપણ જો તું મારાથી છુપાવે તો ઈશ્વર એવું અને એ કરતાં પણ વધારે તને કરો.”
18ત્યારે શમુએલે તેને સર્વ વાત કહી; તેનાથી તેણે કશું છુપાવ્યું નહિ. એલીએ કહ્યું, “તે ઈશ્વર છે. તેમની નજરમાં જે સારું લાગે તે તેઓ કરે.”
19શમુએલ મોટો થયો, ઈશ્વર તેની સાથે હતા અને ઈશ્વરે શમુએલના પ્રબોધકીય શબ્દોને નિષ્ફળ થવા દીધા નહિ.
20દાનથી તે બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓએ જાણ્યું કે શમુએલ ઈશ્વરના પ્રબોધક તરીકે નિમાયો છે.
21ઈશ્વરે ફરીથી શીલોમાં તેને દર્શન આપ્યું, કેમ કે ઈશ્વર પોતાના વચન દ્વારા શીલોમાં શમુએલને પોતાનું દર્શન આપતા રહેતા હતા.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.