ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

પ્રકટીકરણ 6

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1જયારે હલવાને તે સાત મહોરમાંથી એકને તોડ્યું ત્યારે મેં જોયું, તો ચાર પ્રાણીઓમાંના એકને મેં બોલતાં સાંભળ્યું જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી તેણે કહ્યું કે, ‘આવ.’ ”
2મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું; તેને મુગટ આપવામાં આવ્યો, તે પોતે વિજેતા હજી વધુ જીતવા સારુ નીકળ્યો.
3જ્યારે હલવાને બીજુ મહોર તોડ્યું, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’ ”
4ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો; તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ નષ્ટ કરવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે; વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી.
5જયારે તેણે ત્રીજું મહોર તોડ્યુ, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’ ” ત્યારે મેં જોયું, તો જુઓ, એક કાળો ઘોડો હતો; અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવાં હતાં.
6અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે, ‘અડધે રૂપિયે પાંચસો ગ્રામ ઘઉં, અડધે રૂપિયે દોઢ કિલો જવ; પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.’ ”
7જયારે તેણે ચોથું મહોર તોડ્યું, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે, ‘આવ.’ ”
8મેં જોયું, તો જુઓ, આછા રંગનો એક ઘોડો; તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું; પાતાળ તેની પાછળ પાછળ ચાલતું હતું, તલવારથી, દુકાળથી, મરકીથી તથા પૃથ્વી પરનાં હિંસક પશુઓથી જગતમાંનાં ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેને આપવામાં આવ્યો.
9જયારે તેણે પાંચમુ મહોર તોડ્યું, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતાની મક્કમ સાક્ષીને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં યજ્ઞવેદી નીચે જોયા.
10તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, ‘હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇનસાફ કરવાનું તથા પૃથ્વી પર રહેનારાંઓની પાસેથી અમારા લોહીનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો?’
11પછી તેઓમાંના દરેકને સફેદ વસ્ત્ર આપવામાં આવ્યું; અને તેઓને એમ કહેવામાં આવ્યું કે ‘તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી માફક માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડીવાર તમે વિસામો લો.’ ”
12જયારે તેણે છઠ્ઠું મહોર તોડ્યું, ત્યારે મેં જોયું, તો મોટો ધરતીકંપ થયો; સૂર્ય નિમાળાના કામળા જેવો કાળો થયો, અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો,
13જેમ ભારે પવનથી અંજીરી હાલી ઊઠે છે, અને તેનાં કાચાં ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર ખરી પડ્યા.
14વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ અદ્રશ્ય થઈ ગયું; દરેક પહાડ તથા બેટને તેમની જગ્યાએથી ખસેડવામાં આવ્યા.
15દુનિયાના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ લોકો ગુફાઓમાં તથા પહાડોના ખડકોને પાછળ સંતાઈ ગયા;
16તેઓએ પહાડોને તથા ખડકોને કહ્યું કે, ‘અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો.’ ”
17કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; એટલે કોણ તેનાથી બચી શકે?
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.