ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

પ્રકટીકરણ 5

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1રાજ્યાસન પર જે બિરાજેલા હતા તેમના જમણાં હાથમાં મેં એક ઓળિયું જોયું, તેની અંદરની તથા બહારની બન્ને બાજુએ લખેલું હતું, તથા સાત મુદ્રાથી તે મહોરબંધ કરેલું હતું.
2તેવામાં મેં એક બળવાન સ્વર્ગદૂતને જોયો, તેણે મોટા અવાજે પોકારીને કહ્યું કે, ‘આ ઓળિયું ખોલવાને અને તેનું મહોર તોડવાને કોણ યોગ્ય છે?’ ”
3પણ સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા પાતાળમાં, તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ સમર્થ નહોતો.
4ત્યારે હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ યોગ્ય વ્યક્તિ મળી નહિ.
5ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત મહોર તોડવાને વિજયી થયો છે.
6રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.
7તેમણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણાં હાથમાંથી તે ઓળિયું લીધું.
8જયારે તેમણે તે ઓળિયું લીધું, ત્યારે ચારેય પ્રાણી તથા ચોવીસ વડીલોએ હલવાન આગળ દંડવત પ્રણામ કર્યું; અને દરેકની પાસે વીણા તથા ધૂપથી ભરેલાં સુવર્ણ પાત્ર હતાં, જે સંતોની પ્રાર્થનાઓ છે.
9તેઓ નવું ગીત ગાતાં કહે છે કે, તમે ઓળિયું લેવાને તથા તેનું મહોર તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, તમે તમારા રક્તથી ઈશ્વરને સારુ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે.
10તમે તેઓને અમારા ઈશ્વરને સારુ રાજ્ય તથા યાજકો બનાવ્યા છે; અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.
11મેં જોયું, તો રાજ્યાસન, પ્રાણીઓ તથા વડીલોની આસપાસ ઘણાં સ્વર્ગદૂતોની વાણી સાંભળી; તેઓની સંખ્યા લાખોલાખ અને હજારોહજાર હતી.
12તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, ‘જે હલવાન મારી નંખાયેલું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે.’ ”
13વળી બધા પ્રાણીઓ જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો.
14ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, આમીન! પછી વડીલોએ દંડવત પ્રણામ કરીને તેમની આરાધના કરી.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.