ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યશાયા 11

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યિશાઈના મૂળમાંથી ફણગો ફૂટશે અને તેની એક ડાળીને ફળ લાગશે.
2યહોવાહનો આત્મા, જ્ઞાન તથા સમજનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, ડહાપણ તથા યહોવાહના ભયનો આત્મા તેના પર રહેશે.
3તે યહોવાહના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇનસાફ કરશે નહિ અને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ;
4પણ ન્યાયીપણાથી તે ગરીબોનો અને નિષ્પક્ષપણે તે દેશના દીનોનો ઇનસાફ કરશે. પોતાના મુખની સોટીથી તે પૃથ્વીને મારશે અને પોતાના હોઠોના શ્વાસથી તે દુર્જનોનો સંહાર કરશે.
5ન્યાયીપણું તેનો કમરપટો અને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે.
6ત્યારે વરુ તથા હલવાન સાથે રહેશે અને ચિત્તો લવારા પાસે સૂઈ જશે, વાછરડું, સિંહ તથા મેદસ્વી જાનવર એકઠાં રહેશે. નાનું બાળક તેઓને દોરશે.
7ગાય તથા રીંછ સાથે ચરશે અને તેમનાં બચ્ચાં ભેગા સૂઈ જશે. સિંહ બળદની જેમ સૂકું ઘાસ ખાશે.
8ધાવણું બાળક સાપના દર પર રમશે અને ધાવણ છોડાવેલું બાળક નાગના રાફડા પર પોતાનો હાથ મૂકશે.
9મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ હાનિ કે વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર જળથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.
10તે દિવસે, યિશાઈનું મૂળ લોકોને માટે ધ્વજારૂપ ઊભું રહેશે. તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું નિવાસસ્થાન મહિમાવંત થશે.
11તે દિવસે, પ્રભુ પોતાના લોકોના શેષને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશ્શૂરમાંથી, મિસરમાંથી, પાથ્રોસમાંથી, કૂશમાંથી, એલામમાંથી, શિનઆરમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી પાછા લાવવા માટે બીજીવાર પોતાનો હાથ લાંબો કરશે.
12વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે અને ઇઝરાયલના કાઢી મૂકેલાઓને એકત્ર કરશે, અને યહૂદિયાના વિખેરાઈ ગયેલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે.
13વળી એફ્રાઇમની ઈર્ષ્યા મટી જશે, યહૂદાના વિરોધીઓને નાબૂદ કરવામાં આવશે. એફ્રાઇમ યહૂદાની અદેખાઈ કરશે નહિ અને યહૂદા એફ્રાઇમનો વિરોધ કરશે નહિ.
14તેઓ બન્ને ભેગા મળીને પશ્ચિમમાં પલિસ્તીઓ પર ઊતરી પડશે અને તેઓ એકઠા થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે. તેઓ અદોમ તથા મોઆબ પર હુમલો કરશે અને આમ્મોન તેઓના હુકમ માનશે.
15યહોવાહ મિસરના સમુદ્ર કિનારાની ભૂમિ વહેંચશે, અને પોતાના ઉગ્ર પવનથી તે ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવશે, અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે, જેથી લોકો તેને પગરખાં પહેરેલાં રાખીને પાર કરશે.
16જેમ ઇઝરાયલને માટે મિસરમાંથી ઉપર આવવાના સમયમાં હતી તેવી સડક આશ્શૂરમાંથી તેના લોકોના શેષને માટે થશે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.