ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યશાયા 10

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1જેઓ અન્યાયી કાયદા ઘડે છે અને અયોગ્ય ઠરાવ પસાર કરે છે, તેઓને અફસોસ.
2તેઓ ગરીબોને ઇનસાફથી વંચિત કરે છે અને તેઓ મારા લોકોમાંના દરિદ્રીઓના અધિકારો છીનવી લે છે. વિધવાઓને લૂંટે છે અને અનાથોને પોતાનો શિકાર બનાવે છે!
3ન્યાયને દિવસે દૂરથી તમારા પર આવનાર વિનાશનું તમે શું કરશો? તમે સહાયને માટે કોની પાસે દોડશો અને તમારી સંપત્તિ ક્યાં મૂકશો?
4બંદીવાનોની ભેગા નમી જવા સિવાય અને કતલ થયેલાની નીચે પડી રહ્યા વગર, કંઈ બાકી રહેશે નહિ. આ સર્વ છતાં યહોવાહનો રોષ સમી ગયો નથી; અને તેમનો હાથ હજી ઉગામેલો જ છે.
5આશ્શૂરને અફસોસ, તે મારા રોષનો દંડ અને લાકડી છે તેનાથી હું મારો કોપ કાબૂમાં રાખું છું!
6અધર્મી પ્રજાની સામે અને મારા કોપને પાત્ર થયેલા લોકોની વિરુદ્ધ હું તેને મોકલીશ. હું તેને આજ્ઞા આપીશ કે તે લૂંટ કરે, શિકાર કરે અને તેઓને રસ્તા પરના કીચડની જેમ ખૂંદી નાખે.
7પરંતુ તેના આવા ઇરાદા નથી કે તે આવો વિચાર કરતો નથી, વિનાશ કરવાનો અને ઘણી પ્રજાઓનો સંહાર કરવો તે જ તેના મનમાં છે.
8કેમ કે તે કહે છે, “મારા સર્વ રાજકુમારો રાજા નથી?
9કાલ્નો કાર્કમીશ જેવું નથી? હમાથ આર્પાદ ના જેવું નથી? સમરુન એ દમસ્કસ જેવું નથી?
10જેઓની કોતરેલી મૂર્તિઓ યરુશાલેમ અને સમરુન કરતાં વધારે હતી, તેવાં મૂર્તિપૂજક રાજ્યો મારે હાથે આવ્યાં છે;
11અને જેમ સમરુનને તથા તેની નકામી મૂર્તિઓને મેં કર્યું, તેમ યરુશાલેમને તથા ત્યાંની મૂર્તિઓને શું હું નહિ કરું?”
12જ્યારે પ્રભુ યહોવાહ સિયોન પર્વત પર અને યરુશાલેમમાં પોતાનું કામ પૂરું કરશે, તે કહેશે: “હું આશ્શૂરના રાજાના હૃદયની અભિમાની વાણીને તથા તેના ઘમંડી દેખાવને શિક્ષા કરીશ.”
13કેમ કે તે કહે છે, “મારા બળથી અને મારી બુદ્ધિથી મેં આ કર્યુ છે; કેમ કે મને સમજ છે, મેં લોકોની સરહદોને ખસેડી છે. મેં તેઓનો ખજાનો ચોર્યો છે, અને શૂરવીરની જેમ સિંહાસન પર બેસનારને નીચે પાડ્યા છે.
14વળી પક્ષીઓના માળાની જેમ દેશોની સંપત્તિ મારે હાથ આવી છે અને જેમ તજેલાં ઈંડાંને એકઠાં કરવામાં આવે છે તેમ મેં આખી દુનિયા એકઠી કરી છે. પાંખ ફફડાવે, મુખ ઉઘાડે કે ચીંચીં કરે, એવું કોઈ નથી.”
15શું કુહાડી તેના વાપરનાર આગળ બડાશ મારશે? શું કરવત તેના વાપરનારની પર સરસાઈ કરશે? શું લાકડી તેને પકડનારને ઉઠાવે અને લાકડું માણસને ઉઠાવે તેમ એ છે.
16તે માટે સૈન્યોના પ્રભુ યહોવાહ તેના બળવાન યોદ્ધાઓમાં નિર્બળતા મોકલશે; અને તેના મહિમામાં સળગતી અગ્નિના જેવી જ્વાળા પ્રગટાવાશે.
17ઇઝરાયલનો પ્રકાશ તે અગ્નિરૂપ થશે, તેના પવિત્ર તે જ્વાળારૂપ થશે; તે એક દિવસમાં તેના કાંટા અને ઝાંખરાંને બાળીને ગળી જશે.
18યહોવાહ તેના વનના વૈભવને તથા તેના ફળદ્રુપ ખેતરને, આત્મા અને શરીરને ભસ્મ કરશે; તે એક બીમાર માણસના જીવનને બગાડે તેવું થશે.
19તેના વનમાં બાકી રહેલાં ઝાડ એટલાં થોડાં હશે કે એક બાળક પણ તેને ગણી શકે.
20તે દિવસે, ઇઝરાયલનો શેષ, યાકૂબના વંશજોમાંથી બચેલા પોતાને હરાવનાર પર ફરીથી કદી ભરોસો રાખશે નહિ, પણ યહોવાહ જે ઇઝરાયલના પવિત્ર છે, તેમના પર તેઓ આધાર રાખતા થશે.
21બાકી રહેલા યાકૂબના વંશજો સામર્થ્યવાન ઈશ્વરની પાસે પાછા આવશે.
22હે ઇઝરાયલ, જો કે તારા લોક સમુદ્રની રેતી જેટલા હશે, તોપણ તેમાંથી ફક્ત થોડા જ પાછા આવશે. ન્યાયથી ભરપૂર વિનાશ નિર્માણ થયેલો છે.
23કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાહ, આખા દેશનો વિનાશ, હા નિર્માણ કરેલો વિનાશ કરનાર છે.
24તેથી પ્રભુ યહોવાહ કહે છે, “હે સિયોનમાં રહેનાર મારા લોકો, તમે આશ્શૂરથી બીતા નહિ. તે લાકડીથી તમને મારશે અને પોતાની સોટી તમારા પર મિસરની જેમ ઉગામશે.
25તેનાથી બીશો નહિ, કારણ કે થોડા જ સમયમાં તમારી વિરુદ્ધ મારો ક્રોધ સમાપ્ત થશે અને મારો ક્રોધ તેઓનો વિનાશ કરશે.”
26જેમ ઓરેબ ખડક પર મિદ્યાનને માર્યો તે રીતે સૈન્યોના યહોવાહ તેઓની વિરુદ્ધ ચાબુક ઉગામશે. તેમની સોટી જેમ સમુદ્રમાં મિસર પર ઉગામવામાં આવી હતી, તેમ તેઓ પર ઉગામવામાં આવશે.
27તે દિવસે, તેનો ભાર તમારી ખાંધ પરથી અને તેની ઝૂંસરી તારી ગરદન પરથી ઉતારવામાં આવશે, અને તારી ગરદન ની પુષ્ટિને લીધે ઝૂંસરી નાશ પામશે.
28તારો શત્રુ આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોન થઈને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.
29તેઓ ખીણની પાર આવ્યા છે; ગેબામાં તેઓએ ઉતારો કર્યો છે; રામા થરથરે છે; શાઉલનું ગિબયા નાસાનાસ કરે છે.
30હે ગાલ્લીમની દીકરી મોટેથી રુદન કર! હે લાઈશાહ, કાળજીથી સાંભળ! હે અનાથોથ, તેને જવાબ આપ.
31માદમેના નાસી જાય છે અને ગેબીમના રહેવાસીઓ જીવ બચાવવા ભાગે છે.
32આજે જ તે નોબમાં મુકામ કરશે અને સિયોનની દીકરીના પર્વતની સામે, યરુશાલેમના ડુંગરની સામે તે પોતાની મુઠ્ઠી ઉગામશે.
33પણ જુઓ, સૈન્યોના પ્રભુ યહોવાહ, ડાળીઓને ભયાનક રીતે સોરી નાખશે; તે ઊંચા ઝાડને કાપી નાખશે અને મોટા કદનાં વૃક્ષોને નીચાં કરવામાં આવશે.
34તે ગાઢ જંગલનાં વૃક્ષોને કુહાડીથી કાપી નાખશે અને લબાનોન તેની ભવ્યતામાં ધરાશાયી થશે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.