ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 રાજાઓ 8

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેને તેણે કહ્યું, “ઊઠ, તું તારા કુટુંબનાં માણસોને લઈને ચાલી જા અને બીજા દેશમાં જ્યાં જઈને તારાથી રહેવાય ત્યાં રહે, કેમ કે, યહોવાહે દુકાળનો હુકમ કર્યો છે. દેશમાં સાત વર્ષ સુધી દુકાળ ચાલુ રહેશે.”
2તેથી તે સ્ત્રીએ ઊઠીને ઈશ્વરભક્તના કહેવા પ્રમાણે કર્યું. તે તેના કુટુંબનાં માણસોને લઈને ચાલી નીકળી અને જઈને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી.
3સાતમા વર્ષને અંતે તે સ્ત્રી પલિસ્તીઓના દેશમાંથી પાછી આવી. અને પોતાના ઘર અને જમીન માટે રાજા પાસે વિનંતી કરવા ગઈ.
4હવે રાજા ઈશ્વરભક્તના ચાકર ગેહઝી સાથે એવી વાત કરતો હતો, “એલિશાએ જે મોટા કામો કર્યાં છે તે કૃપા કરીને મને કહે.”
5એલિશાએ મરણ પામેલાં બાળકને કેવી રીતે સજીવન કર્યો હતો, તે વાત ગેહઝી રાજાને કરતો હતો. ત્યારે જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેણે આવીને રાજાને પોતાના ઘર અને જમીન માટે વિનંતી કરી. ગેહઝીએ કહ્યું, “મારા માલિક, રાજા, આ જ તે સ્ત્રી છે અને આ જ તેનો દીકરો છે, તેને એલિશાએ સજીવન કર્યો હતો.”
6રાજાએ તે સ્ત્રીને તેના દીકરા વિષે પૂછ્યું, તેણે તેને બધી વાત કહી. તેથી રાજાએ તેના માટે એક ખાસ અધિકારીને આજ્ઞા આપીને કહ્યું, “તેનું જે હતું તે બધું અને તેણે દેશ છોડયો તે દિવસથી આજ સુધીની તેના ખેતરની બધી જ ઊપજ તેને પાછી આપ.”
7પછી એલિશા દમસ્કસમાં ગયો તે સમયે અરામનો રાજા બેન-હદાદ બીમાર હતો. રાજાને એવી ખબર મળી કે, “ઈશ્વરભક્ત અહીં આવ્યો છે.”
8રાજાએ હઝાએલને કહ્યું, “તારા હાથમાં ભેટ લઈને ઈશ્વરભક્તને મળવા જા, તેની મારફતે યહોવાહને પુછાવ કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’ ”
9માટે હઝાએલ તેની સાથે દમસ્કસની સારી મૂલ્યવાન વસ્તુઓ ચાલીસ ઊંટો પર એ વસ્તુઓ ભેટ તરીકે લઈને તેને મળવા ગયો. હઝાએલે આવીને એલિશા આગળ આવીને કહ્યું, “તારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તારી પાસે એવું પૂછવા મોકલ્યો છે કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’ ”
10એલિશાએ તેને કહ્યું, “જઈને બેન-હદાદને કહે કે, ‘તું નિશ્ચે સાજો થશે.’ પણ યહોવાહે તો મને એવું બતાવ્યું છે કે તે નિશ્ચે મરણ પામશે.”
11પછી હઝાએલ શરમાઈ ગયો. એલિશા તેની સામે જોઈ રહ્યો, હઝાએલ એટલો બધો શરમિંદો પડ્યો કે ઈશ્વરભક્ત રડી પડયો.
12હઝાએલે પૂછ્યું, “મારા માલિક, તું કેમ રડે છે?” તેણે કહ્યું, “કેમ કે, તું ઇઝરાયલી લોકો સાથે જે દુષ્ટતા કરવાનો છે તે હું જાણું છું માટે. તેઓના કિલ્લાઓને તું બાળી મૂકીશ, તેઓના જુવાનોની તું તલવારથી કતલ કરીશ, તેઓના બાળકોને તું જોરથી પછાડીને ટુકડાં કરીશ અને તેઓની ગર્ભવતી સ્ત્રીઓને તું ચીરી નાખીશ.”
13હઝાએલે કહ્યું, “તારો સેવક એક કૂતરા તુલ્ય છે, તે કોણ છે કે આવાં કામ કરે?” એલિશાએ કહ્યું, “યહોવાહે મને બતાવ્યું છે કે તું અરામનો રાજા થશે.”
14પછી હઝાએલ એલિશા પાસેથી રવાના થઈને પોતાના માલિક પાસે આવ્યો. તેણે તેને પૂછ્યું, “એલિશાએ તને શું કહ્યું?” તેણે જવાબ આપ્યો, “તેણે મને કહ્યું તું નિશ્ચે સાજો થશે.”
15પછી બીજે દિવસે હઝાએલે ધાબળો લઈને તેને પાણીમાં પલાળીને રાજાના મોં પર ઓઢાડ્યો તેથી તે મરણ પામ્યો. અને તેની જગ્યાએ હઝાએલ રાજા થયો.
16ઇઝરાયલના રાજા આહાબના દીકરા યોરામના શાસનકાળના પાચમાં વર્ષે યહોરામ રાજ કરવા લાગ્યો. તે યહૂદિયાના રાજા યહોશાફાટનો દીકરો હતો. જ્યારે યહોશાફાટ યહૂદિયાનો રાજા હતો ત્યારે યહોરામ રાજ કરવા લાગ્યો.
17યહોરામ રાજા બન્યો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું.
18આહાબના કુટુંબે જેમ કર્યું હતું તેમ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, કેમ કે તેણે આહાબની દીકરી સાથે લગ્ન કર્યું હતું. અને તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
19તો પણ પોતાના સેવક દાઉદને લીધે યહોવાહ યહૂદિયાનો નાશ કરવા ચાહતા નહોતા, કારણ કે તેઓએ તેને કહ્યું હતું, તે હંમેશા તેઓને વારસો આપશે.
20યહોરામના દિવસોમાં અદોમે યહૂદિયાના હાથ નીચે બળવો કરીને પોતાના માટે એક રાજા ઠરાવ્યો.
21ત્યારે યોરામ પોતાના બધા રથો અને સેનાપતિઓને લઈને સાઈર ગયો. અને તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસના અદોમીઓ તથા રથાધિપતિઓ પર હુમલો કર્યો. પછી યહોરામના સૈનિકો અને લોકો પોતાના ઘરે નાસી ગયા.
22આ રીતે અદોમે આજ સુધી યહૂદિયાની સત્તા સામે બળવો કરેલો છે. લિબ્નાહએ પણ તે જ સમયે બળવો કર્યો હતો.
23યોરામનાં બાકીનાં કાર્યો અને તેણે જે કંઈ કર્યું તે બધું યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
24ત્યાર પછી યોરામ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. પછી તેનો દીકરો અહાઝયાહ તેની જગ્યાએ રાજા બન્યો.
25ઇઝરાયલના રાજા આહાબના દીકરા યોરામના શાસનકાળના બારમા વર્ષે યહૂદિયાના રાજા યોરામનો દીકરો અહાઝયાહ રાજ કરવા લાગ્યો.
26અહાઝયાહ રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અથાલ્યા હતું, તે ઇઝરાયલના રાજા ઓમ્રીની દીકરી હતી.
27અહાઝયાહ આહાબના કુટુંબને માર્ગે ચાલ્યો, જેમ આહાબના કુટુંબે કર્યું તેમ તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. કેમ કે, તે આહાબના કુટુંબનો જમાઈ હતો.
28અહાઝયાહ આહાબના દીકરા યોરામ સાથે અરામના રાજા હઝાએલ સામે રામોથ ગિલ્યાદ આગળ યુદ્ધ કરવા ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો.
29અરામનો રાજા હઝાએલ સામે યુદ્ધ કરતો હતો, ત્યારે અરામીઓએ તેને રામા આગળ જે ઘા કર્યા હતા તે રુઝવવા માટે યોરામ રાજા પાછો યિઝ્રએલ આવ્યો. યહૂદિયાના રાજા યહોરામનો દીકરો અહાઝયાહ યિઝ્રએલમાં આહાબના દીકરા યોરામને જોવા આવ્યો, કેમ કે યોરામ ઘાયલ થયેલો હતો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.