ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 રાજાઓ 7

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1એલિશાએ કહ્યું, “તમે યહોવાહનું વચન સાંભળો. યહોવાહ એવું કહે છે: “આવતી કાલે આ સમયે સમરુનની ભાગળમાં એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે.’ ”
2ત્યારે જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો તેણે ઈશ્વરભક્તને કહ્યું, “જો, યહોવાહ આકાશમાં બારીઓ કરે તો પણ શું આ વાત શક્ય છે ખરી?” એલિશાએ કહ્યું, “જો, તું તે તારી આંખોથી જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”
3હવે નગરના દરવાજા આગળ ચાર કુષ્ઠ રોગી બેઠેલા હતા. તેઓ એકબીજાને કહેતા હતા, “શા માટે આપણે અહીં બેસી રહીને મરી જઈએ?
4જો આપણે નગરમાં જવાનું કરીએ તો નગરમાં દુકાળ છે, આપણે ત્યાં મરી જઈશું. જો આપણે અહીં રહીએ તોપણ આપણે મરી જઈશું. તો હવે ચાલો, આપણે અરામીઓની છાવણીમાં ચાલ્યા જઈએ. જો તેઓ આપણને જીવતા રહેવા દેશે, તો આપણે જીવતા રહીશું, જો તેઓ આપણને મારી નાખશે, તો આપણે મરી જઈશું.”
5માટે તેઓ સાંજના સમયે અરામીઓની છાવણીમાં જવા ઊઠ્યા; જ્યારે તેઓ અરામીઓની છાવણીની હદમાં પહોચ્યા, ત્યારે ત્યાં કોઈ નહોતું.
6કેમ કે, પ્રભુ યહોવાહે અરામીઓના સૈન્યને રથોનો અવાજ, ઘોડાઓનો અવાજ અને મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો, તેથી તેઓએ એકબીજાને કહ્યું, “ઇઝરાયલના રાજાએ હિત્તીઓના રાજાઓને અને મિસરના રાજાઓને નાણાં આપીને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”
7તેથી સાંજના સમયે સૈનિકો ઊઠીને તેમના ઘોડાઓ, તંબુઓ, ગધેડાંઓ અને છાવણી જેમ હતી એમની એમ મૂકીને પોતાના જીવ લઈને નાસી ગયા હતા.
8જ્યારે કુષ્ઠ રોગીઓ છાવણીની હદમા આવ્યા ત્યારે તેઓએ એક તંબુમાં જઈને ત્યાં ખાધું-પીધું, વળી ત્યાંથી સોનું, ચાંદી અને વસ્ત્રો લઈ જઈને તે સંતાડી દીધું. પછી તેઓ પાછા આવીને બીજા તંબુમાં ગયા, ત્યાંથી પણ લૂંટી લઈને બધું સંતાડી દીધું.
9પછી તેઓએ એકબીજાને કહ્યું, “આપણે આ બરાબર નથી કરતા. આ તો વધામણીનો દિવસ છે, પણ આપણે તો તે વિષે ચૂપ રહ્યા છીએ. જો આપણે સવાર સુધી રાહ જોઈશું, તો આપણા પર શિક્ષા આવી પડશે. તો હવે ચાલો, આપણે જઈને રાજાના કુટુંબીઓને કહીએ.”
10માટે તેઓએ આવીને નગરના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, “અમે અરામીઓની છાવણીએ ગયા હતા, પણ ત્યાં કોઈ ન હતું, કોઈનો અવાજ ન હતો, ફક્ત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતા, તંબૂઓ પણ જેમના તેમ ખાલી હતા.”
11પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના કુટુંબીઓને ખબર પહોંચાડી.
12ત્યારે રાજાએ રાત્રે ઊઠીને પોતાના ચાકરોને કહ્યું, “અરામીઓએ આપણને શું કર્યું છે તે હું તમને કહીશ. તે લોકો જાણે છે કે આપણે ભૂખ્યા છીએ, તેથી તેઓ છાવણી છોડીને ખેતરમાં સંતાઈ ગયા હશે. તેઓ વિચારતા હતા કે, ‘જયારે તેઓ નગરમાંથી બહાર આવશે ત્યારે આપણે તેઓને જીવતા પકડી લઈને નગરમાં જતા રહીશું.’ ”
13રાજાના ચાકરોમાંના એકે કહ્યું, “હું તમને વિનંતી કરું છું કે, નગરમાં બાકી બચેલા ઘોડાઓમાંથી પાંચ ઘોડેસવારોને તપાસ માટે મોકલી આપવાની રજા આપો. જો તેઓ જીવતા પાછા આવશે તો તેઓની હાલત બચી ગયેલા ઇઝરાયલીઓના જેવી થશે, જો મરી જશે તો ઇઝરાયલના અત્યાર સુધીમાં નાશ પામેલાંઓની હાલત કરતાં તેઓની હાલત ખરાબ નહિ હોય.”
14માટે તેઓએ ઘોડા જોડેલા બે રથ લીધા. અને રાજાએ તેઓને અરામીઓના સૈન્યની પાછળ મોકલીને કહ્યું, “જઈને જુઓ.”
15તેઓ યર્દન સુધી તેઓની પાછળ ગયા, તો જુઓ આખો માર્ગ અરામીઓએ ઉતાવળમાં ફેંકી દીધેલાં તેઓનાં વસ્ત્રો અને પાત્રોથી ભરાઈ ગયેલો હતો. તેથી સંદેશાવાહકોએ પાછા આવીને રાજાને તે વિષે ખબર આપી.
16પછી લોકોએ બહાર જઈને અરામીઓની છાવણી લૂંટી લીધી. માટે યહોવાહના વચન પ્રમાણે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાયાં.
17જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો, તેને નગરના દરવાજાની ચોકી કરવાનું કામ સોંપ્યું. જ્યારે રાજા ઊતરીને તેની પાસે નીચે આવ્યો ત્યારે ઈશ્વરભક્તના કહ્યા પ્રમાણે તે માણસ લોકોના પગ નીચે કચડાઈને મરણ પામ્યો.
18ઈશ્વરભક્તે રાજાને કહ્યું હતું “કાલે, આ સમયે સમરુનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે” તેવું જ થયું.
19ત્યારે એ સરદારે ઈશ્વરભક્તને કહ્યું, “જો, યહોવાહ આકાશમાં બારીઓ કરે, તોપણ શું આ બાબત બની શકે ખરી?” એલિશાએ કહ્યું હતું, “જો, તું તે તારી પોતાની આંખે જોશે, પણ એમાંનું કશું ખાવા પામશે નહિ.”
20અને એમ જ બન્યું, કેમ કે લોકોએ તેને દરવાજા આગળ જ પગ નીચે કચડી નાખ્યો અને તે મરણ પામ્યો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.