ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

રોમનોને પત્ર 16

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1વળી આપણી બહેન ફેબી જે કેંખ્રિયામાંના વિશ્વાસી સમુદાયની સેવિકા છે, તેને માટે હું તમને ભલામણ કરું છું કે,
2સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો, અને જે કોઈ બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો; કેમ કે તે પોતે મને તથા ઘણાંને પણ સહાય કરનાર થઈ છે.
3ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કા તથા આકુલાને સલામ કહેજો;
4તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે; તેઓનો ઉપકાર એકલો હું જ નહિ, પણ બિનયહૂદીઓમાંના સર્વ વિશ્વાસી સમુદાય પણ માને છે;
5વળી તેઓના ઘરમાં જે વિશ્વાસી સમુદાય છે તેને સલામ કહેજો. મારો વહાલો અપાઈનેતસ જે ખ્રિસ્તને સારુ આસિયાનું પ્રથમફળ છે, તેને સલામ કહેજો.
6મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો.
7મારા સગાં તથા મારી સાથેના બંદીવાન આન્દ્રોનિકસ તથા જુનિયાસને સલામ કહેજો. તેઓ પ્રેરિતોમાં જાણીતા છે અને મારી અગાઉ ખ્રિસ્તમાં આવ્યા હતા.
8પ્રભુમાં મારા વહાલાં આંપ્લિયાતસને સલામ કહેજો.
9ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનસને તથા મારા વહાલાં સ્તાખુસને સલામ કહેજો.
10ખ્રિસ્તમાં માનવંતા આપોલસને સલામ કહેજો. આરીસ્તોબુલસના ઘરનાંને સલામ કહેજો.
11મારા સગાં હેરોદિયાને સલામ કહેજો. નાકીસસના ઘરમાંનાં જેઓ પ્રભુમાં વિશ્વાસીઓ છે તેઓને સલામ કહેજો.
12પ્રભુને નામે પરિશ્રમ કરનારી ત્રુફેનાને તથા ત્રુફોસાને સલામ કહેજો, વહાલી પેર્સિસ જેણે પ્રભુના કામમાં ઘણી મહેનત કરી છે તેને સલામ કહેજો.
13પ્રભુમાં પસંદ કરેલા રૂફસને અને તેની તથા મારી માને સલામ કહેજો.
14આસુંક્રિતસ, ફલેગોન, હેર્મેસ, પાત્રોબાસ તથા હર્માસને અને તેઓની સાથે જે બીજા ભાઈઓ છે, તેઓને સલામ કહેજો.
15ફિલોલોગસને તથા જુલિયાને, નેરીઅસને તથા તેની બહેનને અને ઓલિમ્પાસને તથા તેઓની સાથે જે સંતો છે તેઓ સર્વને સલામ કહેજો.
16પવિત્ર ચુંબન કરીને તમે એકબીજાને સલામ કરજો. ખ્રિસ્તનાં સર્વ વિશ્વાસી સમુદાયો તમને સલામ કહે છે.
17હવે, હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, જે બોધ તમને મળ્યો છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે અને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો.
18કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠીમીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે.
19પણ તમારું આજ્ઞાપાલન સર્વ લોકોમાં જાહેર થયું છે, તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું; અને મારી ઇચ્છા એવી છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની, ખોટી બાબતો વિષે ભોળા થાઓ.
20શાંતિદાતા ઈશ્વર શેતાનને વહેલો તમારા પગ નીચે કચડી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન.
21મારો સાથી કામદાર તિમોથી અને મારા સગાં લુકિયસ, યાસોન તથા સોસીપાતર તમને સલામ કહે છે.
22હું, તેર્તિયુસ પાઉલના આ પત્રનો લખનાર, પ્રભુમાં તમને સલામ લખું છું.
23મારા તથા સમગ્ર વિશ્વાસી સમુદાયના યજમાન ગાયસ તમને સલામ કહે છે. શહેરનો ખજાનચી એરાસ્તસ તથા ભાઈ ક્વાર્તસ તમને સલામ કહે છે.
24આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો. આમીન.
25હવે જે મર્મ આરંભથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવાંમાં આવ્યો છે,
26તે મર્મના પ્રકટીકરણ પ્રમાણે મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દૃઢ કરવાને જે શક્તિમાન છે.
27તે એકલા જ્ઞાની ઈશ્વરને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.