ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

રોમનોને પત્ર 13

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર હોતો નથી; જે અધિકારીઓ છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે;
2એથી અધિકારીની સામે જે થાય છે તે ઈશ્વરના ઠરાવ વિરુદ્ધ થાય છે અને જેઓ વિરુદ્ધ થાય છે તેઓ પોતાના પર શિક્ષા વહોરી લેશે.
3કેમ કે સારાં કામ કરનારને અધિકારી ભયરૂપ નથી, પણ ખરાબ કામ કરનારને છે. અધિકારીની તને બીક ન લાગે, તેવી તારી ઇચ્છા છે? તો તું સારું કર; તેથી તે તારી પ્રશંસા કરશે.
4કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે; પણ જો તું ખરાબ કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તલવાર રાખતો નથી; તે ઈશ્વરનો કારભારી છે, એટલે ખરાબ કરનારને તે કોપરૂપી બદલો આપનાર છે.
5તે માટે કેવળ કોપની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ.
6વળી એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે અધિકારીઓ ઈશ્વરના સેવક છે અને તે જ કામમાં લાગુ રહે છે.
7પ્રત્યેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર; જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.
8એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈ અન્ય ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમશાસ્ત્રને પૂરેપૂરું પાળ્યું છે.
9કારણ કે ‘તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો એવી જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, ‘પોતાના પડોશી પર પ્રેમ રાખવો.’ ”
10પ્રેમ પોતાના પડોશીનું કંઈ ખોટું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમશાસ્ત્રનું સંપૂર્ણ પાલન છે.
11સમય પારખીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાની વેળા આવી ચૂકી છે; કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો, તે કરતાં હાલ આપણો ઉદ્ધાર નજીક આવેલો છે.
12રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે; માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ.
13દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ; મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા વાસનામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ.
14પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે, એટલે તેની દુષ્ટ ઇચ્છાઓને અર્થે, વિચારણા કરો નહિ.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.