ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

પ્રકટીકરણ 20

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1મેં એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો, તેની પાસે અનંતઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી.
2તેણે પેલા અજગરને જે ઘરડો સર્પ, દુષ્ટ તથા શેતાન છે, તેને પકડ્યો. અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો.
3અને તેણે તેને અનંતઊંડાણમાં ફેંકીને તે બંધ કર્યું, અને તેને મહોર કર્યું, એ માટે કે તે હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ; ત્યાર પછી થોડીવાર સુધી તે છૂટો કરવામાં આવશે.
4પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને જેઓનો ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે શિરચ્છેદ કરવામાં આવ્યા હતા તથા જેઓએ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરી ન હતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લગાવી ન હતી તેઓના આત્માઓને મેં જોયાં; અને તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યુ.
5મરણ પામેલાંઓમાંના જે બાકી રહ્યા, તેઓ તે હજાર વર્ષ પૂરાં થયાં ત્યાં સુધી સજીવન થયાં નહિ. એ જ પહેલું પુનરુત્થાન છે.
6પહેલા મરણોત્થાનમાં જેને ભાગ છે તે આશીર્વાદિત તથા પવિત્ર છે; તેવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તનાં યાજક થશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.
7જયારે તે હજાર વર્ષ પૂરાં થશે ત્યારે શેતાનને તેના બંધનમાંથી મુક્ત કરવામાં આવશે.
8અને તે પૃથ્વી પર ચારે ખૂણામાં રહેતા લોકોને, ગોગ તથા માગોગને ગેરમાર્ગે દોરીને લડાઈને સારુ તેઓને એકઠા કરવાને બહાર આવશે; તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે.
9તેઓ પૃથ્વીની આખી સપાટી પર ગયા અને તેઓએ સંતોની છાવણીને જે પ્રિય શહેર છે તેને ઘેરી લીધું; પણ સ્વર્ગમાંથી અગ્નિ ઊતર્યો અને તેઓનો સંહાર કર્યો.
10શેતાન જે તેઓને ભમાવનાર હતો, તેને સળગતા ગંધકના સરોવરમાં, જ્યાં હિંસક પશુ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાં રાતદિવસ સદાસર્વકાળ સુધી તેઓ પીડા ભોગવશે.
11પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા, તેમની સન્મુંખથી પૃથ્વી તથા આકાશ અદ્રશ્ય થઈ ગયા. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ.
12પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને સિંહાસનની સમક્ષ ઊભા રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાંનો તેઓની કરણીઓ પ્રમાણે, ન્યાય કરવામાં આવ્યો.
13સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછા આપ્યાં, અને મરણે તથા પાતાળ પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછા આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો.
14મૃત્યુ તથા પાતાળ અગ્નિની સરોવરમાં ફેંકાયાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે.
15જે કોઈનું નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલું જણાયું નહિ તેને અગ્નિના સરોવરમાં ફેંકી દેવામાં આવ્યો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.