ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

પ્રકટીકરણ 12

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1પછી આકાશમાં મોટું ચિહ્ન દેખાયું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ નીચે ચંદ્ર અને માથા પર બાર તારાનો મુગટ હતો.
2તે ગર્ભવતી હતી. તેણે પ્રસવપીડા સાથે બૂમ પાડી હતી. તે જન્મ આપવાની તૈયારીમાં હતી.
3આકાશમાં બીજું ચિહ્ન પણ દેખાયું; જુઓ, મોટો લાલ અજગર હતો, જેને સાત માથાં ને દસ શિંગડાં હતાં; અને તેના દરેક માથા પર સાત મુગટ હતા;
4તેના પૂછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર ફેંકી દીધા. જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો, તેની આગળ તે અજગર ઊભો રહ્યો હતો, એ માટે કે જયારે તે જન્મ આપે ત્યારે તેના બાળકને તે ખાઈ જાય.
5‘તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો’ જે નરબાળક હતો, તે સઘળા દેશના લોકો પર લોખંડના દંડથી રાજ કરશે. એ બાળકને ઈશ્વર પાસે તથા તેના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યો.
6સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે તેને માટે બારસો સાંઠ દિવસ સુધી તેનું પોષણ થાય એવું સ્થળ તૈયાર કરી રાખ્યું હતું.
7પછી આકાશમાં યુદ્ધ મચ્યું. મીખાયેલ તથા તેના સ્વર્ગદૂતો અજગરની સાથે લડ્યા; અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા;
8તોપણ તે અજગર તેટલો બળવાન ન હતો. તે જીતી શક્યો નહિ અને તેને ફરી સ્વર્ગમાં સ્થાન મળ્યું નહિ.
9તે મોટો અજગર બહાર ફેંકી દેવાયો. એટલે તે જૂનો સાપ જે દુશ્મન તથા શેતાન કહેવાય છે, જે આખા માનવજગતને ભમાવે છે, તેને પૃથ્વી પર ફેંકી દેવાયો. અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવાયા.
10ત્યારે સ્વર્ગમાંથી મોટી વાણી મેં એમ કહેતી સાંભળી કે, ‘હમણાં ઉદ્ધાર, પરાક્રમ તથા અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે; કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેમની વિરુદ્ધ આક્ષેપો મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે.
11તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતાં સુધી તેઓએ પોતાનો જીવ વહાલો ગણ્યો નહિ.
12એ માટે, ઓ સ્વર્ગો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! ઓ પૃથ્વી તથા સમુદ્ર તમને અફસોસ છે; કેમ કે શેતાન તમારી પાસે ઊતર્યો છે અને તે બહુ ક્રોધિત થયો છે, તે જાણે છે કે હવે તેની પાસે થોડો જ સમય બાકી છે.
13જયારે અજગરે જોયું કે પોતે પૃથ્વી પર ફેંકાયો છે ત્યારે જે સ્ત્રીએ નરબાળકને જન્મ આપ્યો હતો, તેને તેણે સતાવી.
14સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી, કે જેથી તે અજગરની આગળથી અરણ્યમાં પોતાના નિયત સ્થળે ઊડી જાય, ત્યાં સમય તથા સમયો તથા અડધા સમય સુધી તેનું પોષણ કરવામાં આવે.
15અજગરે પોતાના મોમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ તે સ્ત્રીની પાછળ વહેતો મૂક્યો કે તેના પૂરથી તે તણાઈ જાય.
16પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી. એટલે પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને જે પાણીનો પ્રવાહ અજગરે પોતાના મોમાંથી વહેતો મૂક્યો હતો તેને પી ગઈ.
17ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો. અને તેનાં બાકીનાં સંતાન એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને જેઓ ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે નીકળ્યો;
18અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.