ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગીતશાસ્ત્ર 119

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1જેના માર્ગો સીધા છે, જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે.
2જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે.
3તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.
4તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ.
5તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું!
6જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં.
7જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ.
8હું તમારા વિધિઓને અનુસરીશ; મારો ત્યાગ ન કરો.
9જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી.
10મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.
11મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
12હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો.
13મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ.
14તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ સંપત્તિ કરતાં વધારે આનંદ મળ્યો છે.
15હું તમારા નિયમોનું મનન કરીશ અને તમારા માર્ગોને અનુસરીશ.
16તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ.
17તમારા સેવક ઉપર કૃપા કરો કે હું જીવું અને તમારાં વચનો પાળું.
18તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉઘાડો.
19હું તો પૃથ્વી પર વિદેશી છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો.
20મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે.
21તમે ગર્વિષ્ઠ લોકોને તેમ જ જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી, તેઓને શ્રાપ આપો છો.
22મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો, કારણ કે મેં તમારા નિયમો માન્યા છે.
23સરદારો પણ આસનો પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા, પણ તમારા સેવકે તમારા વિધિઓનું મનન કર્યું છે.
24તમારાં સાક્ષ્યોથી મને આનંદ થાય છે અને તેઓ મારા સલાહકારો છે.
25મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે; તમારા વચન પ્રમાણે મને જિવાડો.
26મેં મારા માર્ગો તમને પ્રગટ કર્યા અને તમે મને ઉત્તર આપ્યો; મને તમારા વિધિઓ શીખવો.
27તમારી સૂચનાઓના માર્ગો સમજવા મારી મદદ કરો, જેથી હું તમારા અદ્દભુત શિક્ષણ વિશે ચર્ચા કરી શકું.
28દુઃખને કારણે મારું હૃદય ભારે થઈ ગયું છે; તમારાં વચન પ્રમાણે મને બળવાન કરો.
29અસત્યનો માર્ગ મારાથી દૂર કરો; કૃપા કરીને મને તમારા નિયમો શીખવો.
30મેં વિશ્વાસુપણાનો માર્ગ પસંદ કર્યો છે; મેં હંમેશા તમારાં ન્યાયવચનો મારી નજરમાં રાખ્યાં છે.
31હું તમારાં સાક્ષ્યોને વળગી રહ્યો છું; હે યહોવાહ, મારે લજ્જિત થવું ન પડે.
32તમારી આજ્ઞાઓના માર્ગમાં હું દોડીશ, કેમ કે તમે મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.
33હે યહોવાહ, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો અને હું અંત સુધી તે પ્રમાણે ચાલીશ.
34મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ; હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ.
35મને તમારી આજ્ઞાઓના માર્ગમાં દોરો, કારણ કે હું તેમાં આનંદ માનું છું.
36તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો અને લોભ તરફથી મને વારો.
37વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; તમારા માર્ગ વિષે મને આતુર કરો.
38તમારું જે વચન ભય ઉપજાવનારું છે; તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો.
39જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; કારણ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે.
40જુઓ, તમારા નિયમોને આધીન થવા માટે હું ઝંખુ છું; મારા ન્યાયીપણામાં તમે મારા જીવનને સંભાળી રાખો.
41હે યહોવાહ, તમારો અવિકારી પ્રેમ, તમારા વચન પ્રમાણે, તમારો ઉદ્ધાર મને આપો.
42તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું, કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું.
43મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું.
44હું સદા સર્વદા તમારા નિયમોનું અવલોકન કરીશ.
45તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી હું નિરાંતે જીવીશ.
46હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ અને તેમાં શરમાઈશ નહિ.
47તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ, તેઓ પર મેં પ્રેમ કર્યો છે.
48હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; હું તમારા વિધિઓનું મનન કરીશ.
49તમારા જે વચનથી મને આશા ઊપજી છે, તે વચન તમારા સેવકને માટે સંભારો.
50મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે: તમારા વચને મને જિવાડ્યો છે.
51અભિમાની લોકો મારી મજાક કરે છે, પણ હું તમારા નિયમમાંથી પાછો વળ્યો નથી.
52હે યહોવાહ, પુરાતન કાળથી તમારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં છે અને મને દિલાસો મળ્યો છે.
53જે દુષ્ટો તમારા નિયમોની અવગણના કરે છે; તેઓ પર મને ક્રોધ ઊપજે છે.
54તમારા વિધિઓ મારાં ગીતો છે તેઓ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
55હે યહોવાહ, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે અને હું તમારા નિયમો પાળું છું.
56આ મારું આચરણ છે કેમ કે મેં તમારાં સાક્ષ્યોનું અનુસરણ કર્યું છે.
57હે યહોવાહ તમે મારો વારસો છો; હું તમારાં વચનો પાળીશ એમ મેં કહ્યું છે.
58મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માગણી કરી છે; તમારા વચન પ્રમાણે, તમે મારા ઉપર દયા કરો.
59મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.
60તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; વાર લગાડી નથી.
61મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; તમારા નિયમોને હું ભૂલી ગયો નથી.
62તમારાં ન્યાયીવચનોને લીધે હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ.
63જે કોઈ તમને માન આપે છે અને જેઓ તમારી સૂચનાઓને અનુસરે છે, તેઓનો હું સાથી છું.
64હે યહોવાહ, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે; મને તમારા વિધિઓ શીખવો.
65હે યહોવાહ, વચન પ્રમાણે, તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે.
66મને સારો વિવેક તથા ડહાપણ શીખવો, કેમ કે હું તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
67દુઃખી થયા અગાઉ હું આડે રસ્તે ગયો હતો, પણ હવે હું તમારાં વચન પાળું છું.
68તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; મને તમારા વિધિઓ શીખવો.
69ઘમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, પણ હું તમારા નિયમો મારા ખરા હૃદયથી પાળીશ.
70તેઓના હૃદયો જડ છે, પણ હું તો તમારા નિયમમાં આનંદ પામું છું.
71મેં જે સહન કર્યું છે તે મને ગુણકારક થઈ પડ્યું છે કે જેથી હું તમારા વિધિઓ શીખી શકું.
72સોનાચાંદીના હજારો સિક્કા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.
73તમે તમારા હાથોથી જ મને ઘડ્યો છે તથા બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજણ આપો.
74તમારો ભય રાખનારા મને જોઈને આનંદ પામશે કારણ કે મેં તમારાં વચનોની આશા રાખી છે.
75હે યહોવાહ, હું જાણું છું કે, તમારાં વચનો ન્યાયી છે અને વિશ્વાસુપણાએ તમે મને શિસ્તબદ્ધ કર્યો છે.
76તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે તમારી કૃપાથી મને દિલાસો મળો.
77હું જીવતો રહું, માટે તમારી દયા મને બતાવો, કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે.
78અભિમાનીઓ લજ્જા પામો, કેમ કે તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે; પણ હું તો તમારાં વચનોનું મનન કરું છું.
79જેઓ તમને માન આપે છે અને જેઓને તમારાં સાક્ષ્યો વિષે ડહાપણ છે, તેઓ મારી પાસે આવો.
80તમારા નિયમોની આધીનતામાં મારું હૃદય નિર્દોષ રહો કે જેથી મારે બદનામ ન થવું પડે.
81મારો જીવ તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે મૂંઝાય છે; હું તમારાં વચનની આશા રાખું છું.
82તમે મને ક્યારે દિલાસો આપશો? એમ કહેતાં મારી આંખો તમારાં વચનને માટે નિસ્તેજ થઈ જાય છે.
83કેમ કે હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; હું તમારા વિધિઓને વીસરતો નથી.
84તમારા સેવકના દિવસ કેટલા છે? મને સતાવનારાઓનો ન્યાય તમે ક્યારે કરશો?
85જે ગર્વિષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા, તેઓએ મારા માટે ખાડા ખોદ્યા છે.
86તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો; તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
87પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો, પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી.
88તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.
89હે યહોવાહ, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
90તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે.
91તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; કેમ કે તે સર્વ તમારા સેવકો છે.
92જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુઃખમાં જ નાશ પામ્યો હોત.
93હું કદી તમારાં શાસનોને ભૂલીશ નહિ, કારણ કે તમે મને તેઓથી જ જિવાડ્યો છે.
94હું તમારો છું; મારું રક્ષણ કરો, કારણ કે મેં તમારાં શાસનોને શોધ્યાં છે.
95દુષ્ટો મારો નાશ કરવાની તૈયારીમાં છે, પણ હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.
96મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પણ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.
97તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
98મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણ કે તમારી આજ્ઞાઓ મારી પાસે સર્વદા છે.
99મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે કારણ કે હું તમારાં સાક્ષ્યોનું મનન કરું છું.
100વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું; આ એ માટે કે મેં તમારા નિયમો પાળ્યા છે.
101હું તમારું વચન પાળી શકું તે માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પાછા વાળ્યા છે.
102તમારાં ન્યાયી વચનોને મેં તજી દીધા નથી, કારણ કે તમે મને તે શીખવ્યાં છે.
103મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે, હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે!
104તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
105મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે.
106હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ, એવી પ્રતિજ્ઞા મેં કરી હતી અને તે પાળી પણ છે.
107હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો.
108હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં ઐચ્છિકાર્પણનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.
109મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે, પણ હું તમારા નિયમને વીસરતો નથી.
110દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે, પણ હું તમારાં શાસનોથી નાસી ગયો નથી.
111મેં તમારાં સાક્ષ્યોને સદાકાળનો વારસો માન્યાં છે, કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે.
112તમારા વિધિઓ અંત સુધી સદા પાળવાને મેં મારા હૃદયને વાળ્યું છે.
113હું બે મન વાળાઓને ધિક્કારું છું, પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.
114તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો; હું તમારાં વચનની આશા રાખું છે.
115દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.
116તમારા વચન મુજબ મને આધાર આપો કે જેથી હું જીવી શકું અને મારી આશાઓને નિરર્થક કરશો નહિ.
117તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ; હું સદા તમારા નીતિ નિયમોનું મનન કરીશ.
118જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે.
119તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
120હું તમારા ભયથી કાંપુ છું અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું.
121મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો.
122તમારા સેવક માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો.
123તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે.
124તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો અને તમારા વિધિઓ મને શીખવજો.
125હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું.
126હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે.
127હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.
128તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
129તમારા નિયમો અદ્દભુત છે; તેથી હું તેમને પાળું છું.
130તમારાં વચનો ખુલ્લો પ્રકાશ આપે છે; તે ભોળા માણસ પણ સમજી શકે છે.
131હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું, કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો.
132જેમ તમે તમારા નામ પર પ્રેમ રાખનારાઓની સાથે વર્તો છો, તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો.
133તમારા વચન પ્રમાણે મને ચલાવો; કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો.
134જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું.
135તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારા બધા નિયમો મને શીખવો.
136તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે.
137હે યહોવાહ, તમે ન્યાયી છો અને તમારાં ન્યાયવચનો યથાર્થ છે.
138ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે.
139મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે તેથી મારા રોષે મને ક્ષીણ કર્યો છે.
140તમારું વચન તદ્દન નિર્મળ છે અને તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે.
141હું નાનો તથા ધિક્કારાયેલો છું, તોપણ હું તમારાં શાસનોને ભૂલી જતો નથી.
142તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; અને તમારો નિયમ સત્ય છે.
143મને ઉપાધિઓએ તથા આપત્તિઓએ જકડી લીધો છે, તમારી આજ્ઞાઓ મારો આનંદ છે.
144તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; માટે મને સમજણ આપો, જેથી હું જીવતો રહીશ.
145મેં ખરા હૃદયથી વિનંતિ કરી છે, “હે યહોવાહ, મને ઉત્તર આપો, હું તમારા નિયમોનું પાલન કરીશ.
146મેં તમને પ્રાર્થના કરી છે; મારો બચાવ કરો, એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.”
147પ્રભાત થતાં પહેલા મેં સહાયને માટે પ્રાર્થના કરી. મને તમારાં વચનોની આશા છે.
148તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લાં પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.
149તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવાહ, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
150જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી નજીક આવે છે, પણ તેઓ તમારા નિયમથી દૂર છે.
151હે યહોવાહ, તમે મારી નજદીક છો અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152લાંબા સમય પૂર્વે તમારા સાક્ષ્યોથી મેં જાણ્યું કે, તમે તેઓને સદાને માટે સ્થાપ્યા છે.
153મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી.
154મારી લડતને લડો અને મને બચાવો; મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
155દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે, કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી.
156હે યહોવાહ, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
157મને સતાવનારા અને મારા શત્રુઓ ઘણા છે, પણ હું તમારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
158મેં વિશ્વાસઘાતીઓને જોયા અને મેં તેમનો અસ્વીકાર કર્યો કારણ કે તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
159હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું; હે યહોવાહ, તે ધ્યાનમાં લેજો, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
160તમારાં બધાં વચનો સત્ય છે; તમારાં સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકનારાં છે.
161સરદારોએ મને વિનાકારણ સતાવ્યો છે; મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
162જેમ કોઈ એકને મોટો ખજાનો મળે તેમ તમારા વચનથી મને આનંદ થાય છે.
163હું અસત્યને ધિક્કારું છું અને તેનાથી કંટાળું છું, પણ હું તમારા નિયમને ચાહું છું.
164તમારાં યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, હું દિવસમાં સાતવાર તમારી સ્તુતિ કરું છું.
165તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે; તેઓને કોઈ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
166હે યહોવાહ, તમારા ઉદ્ધારની મેં આશા રાખી છે અને મેં તમારી આજ્ઞાઓ પાળી છે.
167હું તમારાં સાક્ષ્યોને અનુસર્યો અને હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
168હું તમારાં બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું, કેમ કે હું જે કરું તે બધું તમે જાણો છો.
169હે યહોવાહ, મને સહાય કરવાને મારી પ્રાર્થનાઓ સાંભળો; તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
170મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; તમારા વચન પ્રમાણે મને સહાય કરો.
171મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો.
172મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો, કારણ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે.
173મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ, કારણ કે મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યું છે.
174હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું અને તમારો નિયમ એ જ મારો આનંદ છે.
175મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
176હું ભૂલા પડેલા ઘેટાંની જેમ ભટકી ગયો છું; તમારા સેવકને શોધી કાઢો, કારણ કે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.