ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગીતશાસ્ત્ર 107

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
2જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.
3તેમણે તેઓને દેશવિદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.
4અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા અને તેઓને રહેવા માટે કોઈ નગર મળ્યું નહિ.
5તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા; તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા.
6પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યાં અને તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા.
7તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા કે જેથી તેઓ વસવાલાયક નગરમાં જાય અને ત્યાં વસવાટ કરે.
8તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું!
9કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.
10કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા, આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા.
11કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા, પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો.
12તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં; તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું.
13પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા.
14તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી બહાર લાવ્યા અને તેમણે તેઓનાં બંધન તોડી નાખ્યાં.
15તેમની કૃપા તથા માનવજાત માટેના તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
16કેમ કે તેમણે પિત્તળના દરવાજા ભાંગી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો તોડી નાખી.
17તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા.
18તેઓના જીવો સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે અને તેઓ મરણ દ્વાર સુધી આવી પહોંચે છે.
19પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી ઉગારે છે.
20તેઓ પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે અને તેમણે તેઓને દુર્દશામાંથી છોડાવ્યા છે.
21આ તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
22તેઓને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવવા દો અને તેઓનાં કામ ગીતોથી પ્રગટ કરે.
23જેઓ વહાણમાં બેસીને સમુદ્રમાં ઊતરે છે અને સમુદ્રપાર વ્યાપાર કરે છે.
24તેઓ યહોવાહનાં કાર્યો તથા સમુદ્ર પરનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો જુએ છે.
25કેમ કે તે આજ્ઞા આપે છે અને તોફાની પવનો ચડી આવે છે; તેથી સમુદ્રના મોજાંઓ ઊંચાં ઊછળે છે.
26મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે. તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.
27તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
28પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.
29તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.
30પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
31આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
32લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.
33તે નદીઓને સ્થાને અરણ્ય, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,
34અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.
35તે અરણ્યને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.
36તેમાં તે ભૂખ્યાજનોને વસાવે છે અને તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે.
37તેઓ ખેતરમાં વાવેતર કરે છે; અને દ્રાક્ષવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે.
38તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે. તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી.
39તેઓના જુલમ, વિપત્તિ તથા શોક પાછા ઘટાડવામાં આવે છે અને તેઓને નીચા પાડવામાં આવે છે.
40તે શત્રુઓના સરદારો પર અપમાન લાવે છે અને માર્ગ વિનાના અરણ્યમાં તેઓને રખડાવે છે.
41પણ તે જરૂરિયાતમંદોને સંકટમાંથી છોડાવીને તેઓનું રક્ષણ કરે છે અને ટોળાંની જેમ તેઓના કુટુંબની સંભાળ લે છે.
42તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે અને સઘળા અન્યાયીઓનાં મુખ બંધ થશે.
43જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.