ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ફિલિપ્પીઓને પત્ર 3

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1છેવટે મારા ભાઈઓ, પ્રભુમાં આનંદ કરો. તમને એકની એક જ વાતો લખતાં મને કંટાળો આવતો નથી; કારણ કે તે તમારા રક્ષણને માટે છે.
2કૂતરાઓ જેવા લોકોથી, દુષ્કૃત્યો કરનારાઓથી અને વ્યર્થ સુન્નતથી સાવધ રહો.
3કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા, ખ્રિસ્ત ઈસુમાં ગર્વ કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, સાચા સુન્નતી છીએ.
4તોપણ દેહ પર ભરોસો રાખવાનું મારી પાસે કારણ છે; જો બીજો કોઈ ધારે કે તેને દેહ પર ભરોસો રાખવાનું કારણ છે, તો મને તેના કરતા વિશેષ છે;
5આઠમે દિવસે સુન્નત પામેલો, ઇઝરાયલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી.
6ધર્મના આવેશ સંબંધી વિશ્વાસી સમુદાયને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાયીપણા સંબંધી નિર્દોષ.
7છતાં પણ જે બાબતો મને ઉપયોગી હતી, તે મેં ખ્રિસ્તને સારું હાનિકારક જેવી માની.
8વાસ્તવમાં, ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની ઉત્તમતાને લીધે, હું એ બધાને હાનિ જ ગણું છું; એને લીધે મેં બધાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો ગણું છું, કે જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું,
9અને તેમની સાથે મળી એકરૂપ થાઉં અને નિયમશાસ્ત્રથી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્તનાં વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે, તે મારું થાય;
10એ માટે કે હું તેમને તથા મૃત્યુમાંથી તેમના મરણોત્થાનના પરાક્રમને સમજું તથા તેમના દુઃખોમાં સહભાગી થાઉં; એટલે કે તેમના મૃત્યુને અનુરૂપ થાઉં,
11કે હું કોઈ પણ રીતે મૃત્યુ પામેલાંઓના મરણોત્થાનને પહોંચું.
12હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહિ, પણ હું સતત આગળ ધસું છું, કે જે હેતુથી ખ્રિસ્તે મને તેડી લીધો છે તેને સિદ્ધ કરું.
13ભાઈઓ, મેં સિદ્ધ કરી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું કે, જે પાછળ છે તેને વીસરીને તથા જે આગળ છે તેની તરફ ઘસીને,
14ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે, ધ્યેય તરફ આગળ વધું છું.
15માટે આપણામાંના જેટલાં પૂર્ણ છે, તેટલાંએ એવી જ મનોવૃત્તિ રાખવી; જો કોઈ બાબત વિષે તમે બીજી મનોવૃત્તિ રાખો, તો ઈશ્વર એ બાબત પણ તમને પ્રગટ કરશે.
16તોપણ જે કક્ષા સુધી આપણે પહોંચ્યા છીએ, તે જ ધોરણે આપણે ચાલવું જોઈએ.
17ભાઈઓ, મને અનુસરો, અમે જે નમૂનો તમને આપીએ છીએ તે પ્રમાણે જેઓ ચાલે છે તેઓ પર લક્ષ રાખો.
18કેમ કે ઘણાં એવી રીતે વર્તનારા છે, કે જેઓ વિષે મેં તમને વારંવાર કહ્યું, અને હમણાં પણ રડતાં રડતાં કહું છું કે, ‘તેઓ ખ્રિસ્તનાં વધસ્તંભના શત્રુઓ છે.
19વિનાશ તેઓનો અંત, પેટ તેઓનો દેવ અને નિર્લજ્જતા તેઓનું ગૌરવ છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.
20પણ આપણા માટે તો, ‘આપણી નાગરિકતા સ્વર્ગમાં છે, ત્યાંથી પણ આપણે ઉદ્ધારકર્તા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ.
21તે, જે સામર્થ્યથી બધાને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી દીનાવસ્થામાંનાં શરીરને એવું રૂપાંતર કરશે, કે તે તેમના મહિમાવાન શરીરનાં જેવું થાય.’ ”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.