ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગણના 8

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યહોવાહે મૂસાને કહ્યું કે,
2“તું હારુનને કહે કે જ્યારે તું દીવા સળગાવે ત્યારે દીવા દીપવૃક્ષની આગળ તેનો પ્રકાશ પાડે.’ ”
3હારુને તે પ્રમાણે કર્યુ. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે દીપવૃક્ષની આગળ દીવા સળગાવ્યા.
4દીપવૃક્ષ આ મુજબ બનાવવામાં આવ્યુ હતું; એટલે દીપવૃક્ષનું કામ ઘડેલા સોનાનું હતું. તેના પાયાથી તેનાં ફૂલો સુધી તે ઘડતર કામનું હતું. જે નમૂનો યહોવાહે મૂસાને બતાવ્યો હતો. તે પ્રમાણે તેણે દીપવૃક્ષ બનાવ્યું.
5પછી, યહોવાહે મૂસાને કહ્યું કે,
6“ઇઝરાયલ લોકોમાંથી લેવીઓને અલગ કરીને તેઓને શુદ્ધ કર.
7તેઓને શુદ્ધ કરવા તું આ મુજબ કર; તેઓના પર શુધ્ધિકરણના પાણીનો છંટકાવ કરવો. ત્યારબાદ તેઓ આખું શરીર મૂંડાવે અને પોતાના વસ્ત્ર ધોઈ નાખે તથા પોતાને સ્વચ્છ કરે.
8ત્યારબાદ તેઓ એક વાછરડો તથા તેનું ખાદ્યાર્પણ એટલે તેલમિશ્રિત મેંદો લે. અને એક બીજો વાછરડો પાપાર્થાર્પણ માટે લે.
9પછી બધા લેવીઓને મુલાકાતમંડપ આગળ રજૂ કર; અને ઇઝરાયલ લોકોની આખી જમાતને તું ભેગી કર.
10અને તું લેવીઓને યહોવાહની સમક્ષ લાવે ત્યારે ઇઝરાયલી લોકો પોતાના હાથ લેવીઓ પર મૂકે.
11પછી લેવીઓને તું યહોવાહ સમક્ષ રજૂ કર. અને લેવીઓ પર ઇઝરાયલપુત્રો પોતાના હાથ મૂકે.
12અને લેવીઓ પોતાના હાથ વાછરડાઓનાં માથાં પર મૂકે અને લેવીઓના પ્રાયશ્ચિત અર્થે એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને બીજો દહનીયાર્પણ તરીકે યહોવાહને તું ચઢાવ.
13પછી હારુનની સામે તથા તેના દીકરાઓ સમક્ષ તું લેવીઓને ઊભા કર અને યહોવાહને સ્તુતિના અર્પણ તરીકે ચઢાવ.
14આ રીતે તું ઇઝરાયલપ્રજામાંથી લેવીઓને અલગ કર, જેથી લેવીઓ મારા પોતાના થાય.
15અને ત્યારપછી, લેવીઓ મુલાકાતમંડપની સેવાને લગતું કામ કરવા અંદર જાય. અને તારે લેવીઓને શુદ્ધ કરીને સ્તુત્યાર્પણ તરીકે મને અર્પણ કરવા.
16આ મુજબ કર, કેમ કે ઇઝરાયલપ્રજામાંથી તેઓ મને સંપૂર્ણ અપાયેલા છે. ઇઝરાયલમાંથી સર્વ પ્રથમજનિતો એટલે ગર્ભ ઊઘાડનારનાં બદલે મેં લેવીઓને મારા પોતાને માટે લીધા છે.
17કેમ કે ઇઝરાયલમાંથી પ્રથમજનિત માણસ તથા પશુ મારાં છે. જે દિવસે મેં મિસરના સર્વ પ્રથમજનિતનો નાશ કર્યો ત્યારે તે સર્વને મેં મારા માટે અલગ કર્યાં હતાં.
18અને ઇઝરાયલના સર્વ પ્રથમજનિતને બદલે મેં લેવીઓને લીધાં છે.
19ઇઝરાયલ લોકોમાંથી લેવીઓને મુલાકાતમંડપની સેવા કરવાં માટે તથા ઇઝરાયલ લોકોને પ્રાયશ્ચિત કરવા માટે મેં હારુનના તથા તેના દીકરાઓના હાથમાં સોંપ્યા છે. જેથી ઇઝરાયલ લોકો પવિત્રસ્થાનની પાસે આવે ત્યારે તેઓ મધ્યે કોઈ મરકી ન થાય.”
20પછી મૂસા તથા હારુને તથા ઇઝરાયલ લોકોના સમગ્ર સભાએ આ મુજબ લેવીઓને કહ્યું; લેવીઓ વિષે જે સર્વ આજ્ઞા યહોવાહે મૂસાને આપી હતી તે મુજબ ઇઝરાયલના સમગ્ર સમાજે કર્યું.
21લેવીઓએ પોતાને પાપથી શુદ્ધ કર્યા અને તેઓએ પોતાનાં વસ્ત્રો ધોયાં. અને હારુને તે સૌને અર્પણ તરીકે યહોવાહની આગળ રજૂ કર્યા. અને હારુને તેઓને શુદ્ધ કરવા માટે તેઓને સારુ પ્રાયશ્ચિત કર્યું.
22ત્યારબાદ લેવીઓ મુલાકાતમંડપમાં હારુન અને તેના દીકરાઓના હાથ નીચે સેવા કરવા ગયા. જેમ યહોવાહે લેવીઓ અંગે જે આજ્ઞાઓ મૂસાને જણાવી હતી તેમ તેઓએ તેઓને કર્યું.
23ફરીથી, યહોવાહે મૂસાને કહ્યું કે,
24“લેવીઓની ફરજ આ છે. પચ્ચીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના લેવીઓ મુલાકાતમંડપની અંદર જઈ સેવા શરૂ કરી શકે.
25પચાસ વર્ષની ઉંમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે.
26તેઓ મુલાકાતમંડપમાં કામ કરતા પોતાના ભાઈઓની સાથે સેવા કરે, પણ મુલાકાતમંડપની અંદર સેવા ન કરે, લેવીઓને સોંપેલી સેવા માટે આ વ્યવસ્થા વિષે તું તેઓને માહિતી આપ.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.