ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગણના 27

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબોમાંથી મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદની દીકરીઓ મૂસા પાસે આવી. તેની દીકરીઓના નામ આ પ્રમાણે હતા: માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા.
2તેઓએ મૂસાની, એલાઝાર યાજકની, વડીલોની તથા આખી જમાતની આગળ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભી રહીને કહ્યું,
3“અમારો પિતા અરણ્યમાં મૃત્યુ પામ્યો. યહોવાહ વિરુદ્ધ ઊઠનાર કોરાહની ટોળીમાં તે ન હતા. તે તેના પોતાના પાપમાં મૃત્યુ પામ્યા; તેને કોઈ દીકરા ન હતા.
4અમારા પિતાને દીકરો ન હોવાથી અમારા પિતાનું નામ કુટુંબમાંથી શા માટે દૂર કરાય? અમારા પિતાના ભાઈઓ મધ્યે અમને વારસો આપવામાં આવે.”
5માટે મૂસા આ બાબત યહોવાહ સમક્ષ લાવ્યો.
6અને યહોવાહે મૂસાને કહ્યું,
7“સલોફહાદની દીકરીઓ સાચું બોલે છે. તું નિશ્ચે તે લોકોને તેમના પિતાના ભાઈઓની સાથે વારસાનો દેશ આપ; તેઓના પિતાનો વારસો તેઓને આપ.
8ઇઝરાયલ લોકોને સાથે વાત કરીને કહે, ‘જો કોઈ માણસ મૃત્યુ પામે અને તેને દીકરો ન હોય, તો તેની દીકરીને તેનો વારસો આપ.
9જો તેને દીકરી ના હોય, તો તું તેનો વારસો તેના ભાઈઓને આપ.
10જો તેને ભાઈઓ ના હોય, તો તેનો તેના પિતાના ભાઈઓને આપ.
11અને જો તેને કાકાઓ ન હોય, તો તેનો વારસો તેના નજીકના સગાને આપ, તે તેનો માલિક બને. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આ કાયદો ઇઝરાયલી લોકો માટે કાનૂન થાય.’ ”
12યહોવાહે મૂસાને કહ્યું, “તું અબારીમના પર્વત પર જા અને જે દેશ મેં ઇઝરાયલી લોકોને આપેલો છે તે જો.
13તે જોયા પછી તું પણ તારા ભાઈ હારુનની જેમ તારા લોકો સાથે ભળી જશે.
14કેમ કે સીનના અરણ્યમાં આખી જમાતની દ્રષ્ટિમાં ખડકમાંથી વહેતા પાણી પાસે કાદેશમાં મરીબાહનાં પાણી મને પવિત્ર માનવા વિષે તેં મારી આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો.
15પછી મૂસાએ યહોવાહની સાથે વાત કરીને કહ્યું,
16“યહોવાહ, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, તે લોકો પર એક માણસને નિયુક્ત કરે.
17કોઈ માણસ તેઓની આગળ બહાર જાય અને અંદર આવે, જે તેઓને બહાર ચલાવે અને અંદર લાવે, જેથી તમારા લોકો પાળક વગરનાં ઘેટાં જેવા ન રહે.”
18યહોવાહે મૂસાને કહ્યું, “નૂનનો દીકરો યહોશુઆ, જેનામાં મારો આત્મા રહે છે, તેના પર તારો હાથ મૂક.
19તું તેને એલાઝાર યાજક તથા આખી જમાત સમક્ષ ઊભો કર, તેઓના દેખતાં તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર.
20તારો કેટલોક અધિકાર તેના પર મૂક, જેથી ઇઝરાયલી લોકોની આખી જમાત તેની આજ્ઞા પાળે.
21એલાઝાર યાજક પાસે તે ઊભો રહે, ઉરીમના નિર્ણય વડે યહોવાહની સમક્ષ તેને માટે પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા ઇઝરાયલી લોકોની આખી જમાત બહાર જાય અને અંદર આવે.
22યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું. તેણે યહોશુઆને લઈને એલાઝાર યાજક તથા સમગ્ર જમાતની સમક્ષ રજૂ કર્યો.
23યહોવાહે જેમ કરવાનું કહ્યું હતું તેમ મૂસાએ તેનો હાથ તેના પર મૂકીને સોંપણી કરી.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.