ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગણના 22

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1ઇઝરાયલી લોકોએ મુસાફરી કરીને મોઆબના મેદાનમાં યર્દન નદીની બીજી બાજુએ યરીખોની પાસે છાવણી કરી.
2ઇઝરાયલે અમોરીઓને જે કર્યું હતું તે મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે જોયું.
3તે લોકોને જોઈને મોઆબ ડરી ગયો કેમ કે તેઓ ઘણાં હતા, ઇઝરાયલ લોકોના કારણથી મોઆબ ત્રાસ પામ્યો.
4મોઆબ રાજાએ મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ બળદ ખેતરમાંનું ઘાસ ખાય છે, તેમ આ સમુદાય આપણને ખાઈ જશે.” તે સમયે સિપ્પોરનો દીકરો બાલાક મોઆબનો રાજા હતો.
5તેણે બેઓરના દીકરા બલામને બોલાવવા સારુ પથોર કે જે નદી પર છે, ત્યાં એટલે તેના લોકોના દેશમાં સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “જુઓ, મિસરમાંથી એક દેશજાતિ આવી છે. તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે અને તેઓએ મારી પાસે જ પડાવ નાખ્યો છે.
6કૃપા કરીને આવ અને મારા માટે આ રાષ્ટ્રને શાપ આપ, કેમ કે તેઓ મારા કરતાં વધારે બળવાન છે. કદાચ હું આ લોકોને હુમલો કરીને એવી રીતે મારું કે તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું. હું જાણું છું કે જેને તું આશીર્વાદ આપે છે તે આશીર્વાદિત થાય છે અને જેને તું શાપ આપે છે તે શાપિત થાય છે.”
7મોઆબના વડીલોએ તથા મિદ્યાનના વડીલોએ જાદુમંતરની દક્ષિણા લઈને બલામ પાસે આવીને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો.
8બલામે તેઓને કહ્યું, “આજ રાત અહીં રહો. યહોવાહ મને જે જણાવશે તે હું તમને કહીશ.” તેથી મોઆબના આગેવાનો બલામ સાથે રાત રહ્યા.
9ઈશ્વરે બલામ પાસે આવીને પૂછ્યું, “તારી સાથે આ માણસો આવ્યા તે કોણ છે?”
10બલામે ઈશ્વરને જવાબ આપ્યો, “મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે તેઓને મારી પાસે મોકલ્યા છે. તેણે કહ્યું,
11‘જુઓ, જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારા માટે તેઓને શાપ આપ. કદાચ હું તેઓ સાથે યુદ્ધ કરીને તેઓને કાઢી મૂકું.’ ”
12ઈશ્વરે બલામને કહ્યું, “તારે તે માણસો સાથે જવું નહિ. તારે ઇઝરાયલ લોકોને શાપ આપવો નહિ કેમ કે તેઓ આશીર્વાદિત છે.”
13તેથી બલામે સવારે વહેલા ઊઠીને બાલાકના વડીલોને કહ્યું, “તમારા દેશમાં પાછા જાઓ કેમ કે, ઈશ્વર મને તમારી સાથે આવવાની મના કરે છે.”
14તેથી મોઆબના વડીલો ત્યાંથી નીકળીને બાલાક પાસે પાછા ગયા. તેઓએ કહ્યું, “બલામે અમારી સાથે આવવાની ના પાડી છે.”
15બાલાકે ફરીથી વધારે અને પહેલા સમૂહ કરતાં વધારે માનવંત વડીલોને મોકલ્યા.
16તેઓએ બલામ પાસે આવીને તેને કહ્યું, “સિપ્પોરના દીકરા બાલાકે આ મુજબ કહ્યું, ‘કૃપા કરીને તને મારી પાસે આવવાથી કોઈ રોકો નહિ,
17કેમ કે હું તને મોટો બદલો આપીશ અને તારો ભારે આદર કરીશ, તું મને જે કહીશ તે હું કરીશ. માટે કૃપા કરી આવ અને મારે સારુ આ લોકોને શાપ આપ.’ ”
18બલામે બાલાકના માણસોને જવાબ આપ્યો, “જો બાલાક મહેલ ભરીને સોનું ચાંદી મને આપે તોપણ હું નાની કે મોટી કોઈ પણ બાબતમાં મારા યહોવાહ, મારા ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ કંઈ કરી શકું તેમ નથી.
19માટે હવે, કૃપા કરીને આજ રાત અહીં રોકાઈ જાઓ, કે જેથી યહોવાહે મને અગાઉ જે કહ્યું તે કરતાં બીજું શું કહે તે હું જાણી શકું.”
20રાત્રે ઈશ્વરે બલામ પાસે આવીને કહ્યું, “જો આ લોકો તને બોલાવવા આવ્યા હોય, તો તું ઊઠીને તેમની સાથે જા. પણ હું તને જે કરવાનું કહું તેટલું જ તું કર.”
21બલામ સવારે ઊઠીને પોતાની ગધેડી ઉપર જીન બાંધીને મોઆબના વડીલો સાથે ગયો.
22પણ તે ગયો, તેથી ઈશ્વરને ક્રોધ ચઢ્યો હતો. જ્યારે બલામ ગધેડી પર સવાર થઈને જતો હતો ત્યારે તેની સામે થવા માટે રસ્તામાં યહોવાહનો દૂત ઊભો રહ્યો, બલામના બે સેવકો પણ તેની સાથે હતા.
23ગધેડીએ યહોવાહના દૂતને રસ્તામાં પોતાની તલવાર ખેંચીને ઊભેલો જોયો. તેથી ગધેડી પોતાનો રસ્તો બદલીને ખેતરમાં વળી ગઈ. બલામ ગધેડીને મારીને ફરી પછી રસ્તા પર લઈ આવ્યો.
24પછી યહોવાહનો દૂત દ્રાક્ષવાડીઓની વચ્ચે રસ્તામાં ઊભો રહ્યો, તેની જમણી બાજુ અને બીજી બાજુ દીવાલ હતી.
25ગધેડીએ યહોવાહના દૂતને ફરીથી જોયો. તે દીવાલ સામે ચાલી ગઈ અને બલામનો પગ દીવાલની સાથે પછડાયો. બલામે તેને ફરી મારી.
26યહોવાહનો દૂત આગળ ગયો, બીજી સાંકડી જગ્યા જ્યાં ગધેડીને ડાબે કે જમણે ફરવાનો કોઈ રસ્તો ન હતો ત્યાં ઊભો રહ્યો.
27ગધેડી યહોવાહના દૂતને જોઈને બલામ સાથે નીચે બેસી પડી. બલામને ગુસ્સો આવ્યો અને તેણે ગધેડીને લાકડીથી મારી.
28પછી યહોવાહે ગધેડીનું મુખ ખોલ્યું કે તે વાત કરી શકે. તેણે બલામને કહ્યું, “મેં તને શું કર્યું છે કે તેં મને ત્રણ વખત મારી?”
29બલામે ગધેડીને જવાબ આપ્યો, “તે એટલા માટે, કેમ કે તેં મારી સાથે મૂર્ખતાભર્યું કામ કર્યું છે. જો મારા હાથમાં તલવાર હોત તો સારું. જો હોત તો, હમણાં જ હું તને મારી નાખત.”
30ગધેડીએ બલામને પૂછ્યું, “શું હું તારી ગધેડી નથી? જેના પર તેં તારા પૂરા જીવનથી આજ સુધી સવારી કરી છે. તારી આગળ આવું કરવાની મને ક્યારેય આદત હતી?” બલામે કહ્યું, “ના.”
31પછી યહોવાહે બલામની આંખો ખોલી, તેણે યહોવાહના દૂતને પોતાની તલવાર હાથમાં લઈને રસ્તાની વચ્ચે ઊભેલો જોયો. બલામે માથું નમાવીને તેને સાષ્ટાંગ દંડ્વત પ્રણામ કર્યા.
32યહોવાહના દૂતે તેને કહ્યું, “તેં આ ગધેડીને ત્રણ વખત શા માટે મારી છે? જો, હું તારી આગળ શત્રુ તરીકે ઊભો રહ્યો કેમ કે મારી આગળ તારા કામો દુષ્ટ હતાં.
33ગધેડીએ મને જોયો એટલે તે ત્રણ વાર મારાથી દૂર ખસી ગઈ. જો તે ખસી ગઈ ના હોત તો મેં તને મારી નાખ્યો હોત અને ગધેડીનો જીવ બચાવ્યો હોત.”
34બલામે યહોવાહના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે. હું જાણતો ન હતો કે તું માર્ગમાં મારી સામે ઊભો છે. તો હવે, જો આ સફરથી તું નારાજ થયો છે, તો જ્યાંથી હું આવ્યો છું ત્યાં હું પાછો જઈશ.”
35પણ યહોવાહના દૂતે બલામને કહ્યું, “આ માણસોની સાથે જા. પણ જે વાત હું તને કહું તે જ તારે કહેવી.” તેથી બલામ બાલાકના વડીલો સાથે ગયો.
36બાલાક રાજાએ જયારે સાંભળ્યું કે બલામ આવ્યો છે, ત્યારે તે તેને મળવા માટે મોઆબનું નગર જે આર્નોનની સરહદ પર આવેલું છે ત્યાં ગયો.
37બાલાકે બલામને કહ્યું, “મેં તને બોલાવવા માણસો નહોતા મોકલ્યા? શા માટે તું મારી પાસે આવ્યો નહિ? શું હું તારો આદર કરવા સમર્થ ન હતો.”
38ત્યારે બલામે બાલાકને જવાબ આપ્યો, “જો, હું તારી પાસે આવ્યો છું. શું મને કંઈ બોલવાનો અધિકાર છે? જે વચનો ઈશ્વરે મારા મુખમાં મૂક્યાં છે ફક્ત તે જ હું બોલીશ.”
39બલામ બાલાક સાથે ગયો અને તેઓ કિર્યાથ-હુસોથ આવ્યા.
40પછી બાલાકે બળદો તથા ઘેટાંનો યજ્ઞ કર્યો અને તેણે બલામ તથા તેની સાથેના વડીલોને તેમાંથી થોડું માંસ આપ્યું.
41અને સવારે, બાલાક બલામને બઆલના ઉચ્ચસ્થાનોમાં લઈ ગયો. ત્યાંથી બલામ ઇઝરાયલીઓની છાવણીનો એક ભાગ જોઈ શકતો હતો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.