ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગણના 19

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યહોવાહે મૂસા તથા હારુન સાથે વાત કરી તેમણે મૂસાને કહ્યું,
2“જે કાનૂન તથા નિયમ હું લોકોને ફરમાવું છે તે આ છે: ઇઝરાયલના લોકોને આ કાનૂનો જણાવો: ઇઝરાયલના લોકોને કહો કે, તેઓ ખોડખાંપણ વગરની અને જેના પર કદી ઝૂંસરી લાદવામાં આવી ન હોય તેવી લાલ વાછરડી તારી પાસે લાવે.
3લાલ વાછરડી એલાઝાર યાજકને આપ. તે તેને છાવણી બહાર લાવે અને કોઈ તેની સામે તે વાછરડીને મારી નાખે.
4એલાઝાર યાજક તેમાંથી થોડું રક્ત પોતાની આંગળી પર લે અને મુલાકાતમંડપની આગળની તરફ સાત વખત તેનો છંટકાવ કરે.
5બીજો યાજક તેની નજર સમક્ષ તે વાછરડીનું દહન કરે. તે વ્યક્તિ વાછરડીના ચામડાનું, માંસનું, લોહીનું તેના છાણ સહિત દહન કરે.
6ત્યારબાદ યાજક દેવદાર વૃક્ષનું લાકડું, ઝુફો અને કિરમજી રંગની દોરી આ બધું લઈને વાછરડીના દહન મધ્યે નાખે.
7ત્યારબાદ તે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે. પછી છાવણીમાં આવે, સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
8જેણે વાછરડીનું દહન કર્યું હોય તે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે. તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
9જે શુદ્ધ હોય તેવી વ્યક્તિ વાછરડીની રાખ ભેગી કરે, છાવણીની બહાર સ્વચ્છ જગ્યાએ તેની ઢગલી કરે. ઇઝરાયલ લોકોના સમુદાય માટે આ રાખને રાખી મૂકવી. પાપથી શુદ્ધ થવા માટે આ રાખનું તેઓ પાણીમાં મિશ્રણ કરે, તે પાપાર્થાપર્ણ છે.
10જે કોઈએ વાછરડીની રાખ ભેગી કરી હોય તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. ઇઝરાયલના લોકો માટે અને તેઓની સાથે રહેતા પરદેશીઓ માટે તે હંમેશનો નિયમ થાય.
11જે કોઈ મૃતદેહનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.
12પછી તે વ્યક્તિ ત્રીજે દિવસે અને સાતમે દિવસે પોતાને શુદ્ધ કરે. પછી તે શુદ્ધ ગણાય. પણ જો તે ત્રીજે દિવસે અને સાતમે દિવસે પોતાને શુદ્ધ ન કરે, તો તે સાતમા દિવસે પણ શુદ્ધ ન ગણાય.
13જે કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિનો એટલે કે, મૃત્યુ પામેલા માણસનાં શરીરનો સ્પર્શ કરે અને પોતાને શુદ્ધ ન કરે, તો તે યહોવાહના મુલાકાતમંડપને અશુદ્ધ કરે છે. તેને ઇઝરાયલમાંથી વંચિત કરાય કેમ કે તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નહોતું. તે અશુદ્ધ ગણાય; તેના પર હજી પોતાનું અશુદ્ધપણું છે.
14જ્યારે કોઈ માણસ તંબુમાં મૃત્યુ પામે ત્યારે તેના માટે આ નિયમ છે. પ્રત્યેક વ્યક્તિ જે તંબુમાં જાય અને પ્રત્યેક વ્યક્તિ જે તંબુમાં હોય તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.
15દરેક ખુલ્લું પાત્ર, જેના પર ઢાંકણ ન હોય તે અશુદ્ધ છે.
16જો કોઈ વ્યક્તિ તંબુની બહાર તલવારથી મારી નંખાયેલાનો, મૃતદેહનો, માણસનાં હાડકાંનો, કે કબરનો સ્પર્શ કરે તો તે વ્યક્તિ સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.
17અશુદ્ધ વ્યક્તિ માટે આ પ્રમાણે કર. પાપાર્થાર્પણના દહનની રાખ લઈને તેનું વાસણમાં ઝરાના પાણી સાથે મિશ્રણ કર.
18જે કોઈ શુદ્ધ હોય તેણે ઝુફો લઈને પાણીમાં બોળીને મંડપ ઉપર તથા તેમાંના બધાં પાત્રો ઉપર તથા ત્યાં જે બધા માણસો હતા તેઓ પર છાંટવું, જે વ્યક્તિએ હાડકાને, મૃત્યુ પામેલા વ્યક્તિને, મારી નાખવામાં આવેલા વ્યક્તિને કે કબરને સ્પર્શ કર્યો હોય તેની ઉપર પણ છાટવું.
19શુદ્ધ માણસે અશુદ્ધ માણસ પર ત્રીજે દિવસે તથા સાતમે દિવસે પાણી છાંટવું. સાતમે દિવસે અશુદ્ધ માણસે પોતાને શુદ્ધ કરવો. તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થશે.
20પણ જે કોઈ અશુદ્ધ હોવા છતાં પોતાને શુદ્ધ થવાનો ઇનકાર કર્યો હોય તો તે વ્યક્તિને સમુદાયમાંથી બહિષ્કૃત કરવો, કેમ કે, તેણે યહોવાહના પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે. તેના પર શુદ્ધિનું પાણી છાંટવામાં આવ્યું નથી, તેથી તે અશુદ્ધ છે.
21આ તમારે માટે સદાનો નિયમ છે. પાણીનો છંટકાવ કરનાર વ્યક્તિ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે. વળી જે કોઈ શુદ્ધિના પાણીનો સ્પર્શ કરે તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
22અશુદ્ધ વ્યક્તિ કશાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. તે વસ્તુને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.