ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

મીખાહ 4

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1પણ પાછલા દિવસોમાં, યહોવાહના સભાસ્થાનના પર્વતની સ્થાપના પર્વતોમાં સૌથી ઉન્નત કરાશે, તેને બીજા ડુંગરો કરતાં ઊચો કરવામાં આવશે, અને લોકોના ટોળેટોળાં ત્યાં ચાલ્યા આવશે.
2ઘણાં પ્રજાઓ આવશે અને કહેશે કે, “ચાલો, આપણે યહોવાહના પર્વત ઉપર, યાકૂબના ઈશ્વરના ઘરમાં જઈએ; તે આપણને તેમના માર્ગો શીખવશે, અને આપણે તેમના માર્ગોમાં ચાલીશું.” કેમ કે સિયોનમાંથી નિયમશાસ્ત્ર અને યહોવાહના વચન યરુશાલેમમાંથી બહાર નીકળશે.
3તે ઘણા લોકોની વચ્ચે ન્યાય કરશે, તે દૂરના બળવાન રાષ્ટ્રોનો ઇનસાફ કરશે. તેઓ પોતાની તલવારો ટીપીને હળની કોશો બનાવશે; પોતાના ભાલાઓનાં દાતરડાં બનાવશે. પ્રજાઓ એકબીજા વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ, તેઓ ફરીથી કદી યુદ્ધનું શિક્ષણ લેશે નહિ.
4પણ, તેઓ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે. કોઈ તેમને બીવડાવશે નહિ, કેમ કે સૈન્યોના યહોવાહના મુખમાંથી આ વચન બોલાયું છે.
5કેમ કે બધા લોકો, એટલે પ્રત્યેક, પોતપોતાના દેવના નામ પર શ્રધ્ધા રાખીને ચાલશે. પણ અમે સદાસર્વકાળ, યહોવાહ અમારા ઈશ્વરના નામ પર ભરોસો રાખીને ચાલીશું.
6યહોવાહ કહે છે કે, “તે દિવસે” “જે અપંગ છે તેવી પ્રજાને હું ભેગી કરીશ અને જેને મેં દુ:ખી કરીને કાઢી મૂકી છે, તે પ્રજાને હું એકત્ર કરીશ.
7અપંગમાંથી હું શેષ ઉત્પન્ન કરીશ, દૂર કાઢી મૂકાયેલી પ્રજામાંથી એક શક્તિશાળી પ્રજા બનાવીશ, અને યહોવાહ, સિયોનના પર્વત ઉપરથી તેઓના પર, અત્યારથી તે સર્વકાળ સુધી રાજ કરશે.
8હે, ટોળાંના બુરજ, સિયોનની દીકરીના શિખર, તે તારે ત્યાં આવશે, એટલે અગાઉનું રાજ્ય, યરુશાલેમની દીકરીનું રાજ્ય આવશે.
9હવે તું શા માટે મોટેથી પોકારે છે? તારામાં રાજા નથી? શું તારો સલાહકાર નાશ પામ્યા છે કે, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ તારા પર વેદના આવી પડી છે?
10હે સિયોનની દીકરી, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ તું પીડા પામ તથા જન્મ આપવાને કષ્ટ સહન કર. કેમ કે હવે તું નગરમાંથી બહાર જશે, ખેતરમાં રહેશે, અને બાબિલમાં પણ જશે; ત્યાંથી તને મુક્ત કરવામાં આવશે; ત્યાં યહોવાહ તને તારા શત્રુઓના હાથમાંથી મુક્ત કરશે.
11હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ ભેગી થઈ છે; તેઓ કહે છે કે, ‘તેને અશુદ્ધ કરીએ; સિયોન ઉપર આપણી આંખો લગાવીએ.’ ”
12પ્રબોધક કહે છે, તેઓ યહોવાહના વિચારોને જાણતા નથી, અને તેઓ તેમની યોજનાઓને સમજતા નથી, કેમ કે તેમણે તેઓને ખળીઓમાં પૂળીઓની જેમ ભેગા કર્યા છે.
13યહોવાહ કહે છે, “હે સિયોનની દીકરી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાંને લોખંડનાં, અને તારી ખરીઓ કાંસાની બનાવીશ; તું તેના વડે ઘણાં લોકોને કચડી નાખશે. તું તેઓના અનુચિત ધન યહોવાહને, અને તેઓની સંપત્તિને આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.