ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

માથ્થી 4

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા.
2ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી.
3પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.”
4પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, “એમ લખેલું છે કે, ‘માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.’ ”
5ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને ભક્તિસ્થાનના બુરજ પર તેમને ઊભા રાખ્યા,
6અને તેમને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, ‘ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે ન અફળાય.”
7ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.’
8ફરીથી શેતાન તેમને ઘણાં ઊંચા પહાડ ઉપર લઈ ગયો અને દુનિયાના સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યા.
9અને તેમને કહ્યું કે, “જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.”
10ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “અરે શેતાન, દૂર જા! કેમ કે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.’ ”
11ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને સ્વર્ગદૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.
12યોહાન બંદીવાન કરાયો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા આવ્યા.
13પછી નાસરેથ મૂકીને ઝબુલોનના તથા નફતાલીના પ્રદેશમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા.
14એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,
15“ઝબુલોનના પ્રાંત, નફતાલીના પ્રાંત, યર્દન નદીની પેલે પાર, એટલે બિનયહૂદીઓના ગાલીલ!
16જે લોકો અંધકારમાં જીવતા હતા, તેઓએ મોટું અજવાળું જોયું અને તે વિસ્તારમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”
17ત્યાર પછી ઈસુ ઉપદેશ આપતા કહેવા લાગ્યા કે, “પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”
18ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા.
19ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’
20તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.
21ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોયા. તેમણે તેઓને બોલાવ્યા,
22અને તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા.
23ઈસુ સભાસ્થાનોમાં શિક્ષણ આપતા, રાજ્યની સુવાર્તાનો ઉપદેશ આપતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.
24ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, અને લોકો તેમની પાસે સઘળાં માંદાઓને, અનેક જાતનાં રોગીઓ અને દર્દીઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈ તથા લકવાગ્રસ્તથી પીડાતાઓને લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા.
25ગાલીલથી, દસનગરથી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.