ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

માથ્થી 18

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?”
2ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને
3તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ કરી શકો.
4માટે જે કોઈ પોતાને આ બાળકના જેવો નમ્ર કરશે, તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે.
5વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે.
6પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે વ્યક્તિ પાપ કરવા પ્રેરે, તે કરતાં તેના ગળે ભારે પથ્થર બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે.
7માનવજગતને અફસોસ છે! કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની અગત્ય છે. પણ તે વ્યક્તિને અફસોસ છે જે બીજાને પાપ કરાવવા જવાબદાર છે!
8માટે જો તારો હાથ અથવા પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
9જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
10સાવધાન રહો કે આ નાનાઓમાંના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના સ્વર્ગદૂત મારા સ્વર્ગમાંના પિતાનું મુખ સદા જુએ છે.
11(કેમ કે જે ખોવાયેલું છે તેને બચાવવાને માણસનો દીકરો ઈસુ આવ્યો છે.)
12તમે શું ધારો છો? જો કોઈ વ્યક્તિની પાસે સો ધેટાં હોય અને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને પહાડ પર મૂકીને તે ભૂલાં પડેલાં ઘેટાંને શોધવા જતો નથી?
13જો તે તેને મળે તો હું તમને નિશ્ચે કહું છું કે, જે નવ્વાણું ભૂલાં પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વધારે ખુશ થાય છે.
14એમ આ નાનાંઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા નથી.
15વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા અને તેને એકાંતમાં લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે.
16પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે માણસને તારી સાથે લે, એ માટે કે દરેક બાબત બે અથવા ત્રણ સાક્ષીઓના મુખથી સાબિત થાય.
17જો તે તેઓનું માન્ય ન રાખે, તો મંડળીને કહે અને જો તે વિશ્વાસી સમુદાયનુ પણ માન્ય ન રાખે તો તેને બિનયહૂદીઓ તથા દાણીઓનાં જેવો ગણ.
18હું તમને નિશ્ચે કહું છું કે, જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે સ્વર્ગમાં બંધાશે; અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો, તે સ્વર્ગમાં છોડાશે.
19વળી હું તમને સાચે જ કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે જણ કંઈ પણ બાબત સંબંધી એક ચિત્તના થઈને માગશે, તો મારા સ્વર્ગમાંના પિતા તેઓને માટે એવું કરશે.
20કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું.”
21ત્યારે પિતરે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર સુધી?”
22ઈસુએ તેને કહ્યું કે, “સાત વાર સુધીનું હું તને કહેતો નથી, પણ સિત્તેરગણી સાત વાર સુધી કહું છું.
23એ માટે સ્વર્ગના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ માગ્યો.
24તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ એક દેવાદારને તેમની પાસે લાવ્યા જેણે જીવનભર કમાય તો પણ ના ભરી શકે તેટલું દેવું હતું.
25પણ પાછું આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના માલિકે તેને, તેની પત્ની, તેનાં બાળકોને તથા તેની પાસે જે હતું તે સઘળું વેચીને દેવું ચૂકવવાની આજ્ઞા કરી.
26એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘માલિક, ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી આપીશ.’
27ત્યારે તે ચાકરનાં માલિકને અનુકંપા આવી તેથી તેણે તેને જવા દીધો અને તેનું દેવું માફ કર્યું.
28પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો જેને, ત્રણ મહિનાના પગાર જેટલું દેવું હતું, ત્યારે તેણે તેનું ગળું પકડીને કહ્યું કે, ‘તારું દેવું ચૂકવ.’
29ત્યારે તેના સાથી ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘ધીરજ રાખ અને હું તારું દેવું ચૂકવી આપીશ.’ ”
30તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેણે તેને જેલમાં પુરાવ્યો.
31ત્યારે જે થયું તે જોઈને તેના સાથી ચાકરો ઘણાં દિલગીર થયા, તેઓએ જઈને તે સઘળું પોતાના માલિકને કહી સંભળાવ્યું.
32ત્યારે તેના માલિકે તેને બોલાવીને કહ્યું કે, ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તારું તે બધું દેવું માફ કર્યું.
33મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી?’ ”
34તેના માલિકે ગુસ્સે થઈને તેનું બધું દેવું ચૂકવે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો.
35એ પ્રમાણે જો તમે પોતપોતાનાં ભાઈઓના અપરાધ તમારાં હૃદયપૂર્વક માફ નહિ કરો, તો મારા સ્વર્ગીય પિતા પણ તમને એમ જ કરશે.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.