ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

માથ્થી 14

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1તે સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદે ઈસુની કીર્તિ સાંભળી.
2તેમણે પોતાના ચાકરોને કહ્યું કે, “આ તો યોહાન બાપ્તિસ્મા કરનાર છે; તે મૃત્યુમાંથી સજીવન થયો છે, એ માટે એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.”
3કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો અને તેને બાંધીને જેલમાં નાખ્યો હતો.
4કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, “તેને તારે પત્ની તરીકે રાખવી યોગ્ય નથી.”
5હેરોદ તેને મારી નાખવા ઇચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક ગણતા હતા.
6પણ હેરોદની વર્ષગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો.
7ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તે માગશે તે તેને અપાશે.
8ત્યારે તેની માની સૂચના પ્રમાણે તે બોલી કે, “યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.”
9હવે રાજા દિલગીર થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે જમવા બેઠેલાઓને લીધે, તેણે તે આપવાનો હુકમ કર્યો.
10તેણે માણસોને મોકલીને યોહાનનું માથું જેલમાં કપાવ્યું.
11અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.
12ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનો મૃતદેહ ઉઠાવી લઈ જઈને તેને દફનાવ્યો અને જઈને ઈસુને ખબર આપી.
13ત્યારે ઈસુ એ સાંભળીને ત્યાંથી હોડીમાં એકાંત જગ્યાએ ગયા. લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.
14ઈસુએ નીકળીને ઘણાં લોકોને જોયા, ત્યારે તેઓ પર તેમને અનુકંપા આવી; અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યા.
15સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “આ જગ્યા ઉજ્જડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.”
16પણ ઈસુએ તેઓને કહ્યું કે, “તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો.”
17તેઓએ તેમને કહ્યું કે, “અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.”
18ત્યારે ઈસુએ કહ્યું કે, “તે અહીં મારી પાસે લાવો.”
19પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. અને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો અને રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી.
20તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ.
21જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.
22પછી તરત તેમણે શિષ્યોને આગ્રહથી હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા અને તેણે પોતે લોકોને વિદાય કર્યા.
23લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા.
24પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો.
25રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા.
26શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, “એ તો કોઈ ભૂત છે” અને બીકથી તેઓએ બૂમ પાડી.
27પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, “હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ.”
28ત્યારે પિતરે તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.”
29ઈસુએ કહ્યું કે “આવ.” ત્યારે પિતર હોડીમાંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો.
30પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, મને બચાવો.”
31ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, “અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?”
32પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો.
33હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.”
34તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા.
35જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા.
36તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.