ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

લેવી 21

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યહોવાહે મૂસાને કહ્યું, “યાજકોને, હારુનના પુત્રોને કહે કે, ‘પોતાના લોકોમાંથી કોઈપણ મૃત્યુ પામે તો તેને લીધે કોઈપણ યાજકે પોતે અભડાવું નહિ.
2પોતાના નજીકના સગાંઓને લીધે એટલે પોતાની માતાને લીધે, પોતાના પિતાને લીધે પોતાના પુત્ર, પુત્રી કે પોતાના ભાઈને લીધે તે અભડાય,
3અથવા પોતાની સગી બહેન જે કુંવારી એટલે જેના લગ્ન ન થયા હોય તેને લીધે તે અભડાય.
4પણ તેણે જે લોકો તેના નજીકના સગા નથી, તેઓના મૃતદેહને અડીને પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ.
5યાજકોએ શોક કરવા માટે પોતાના માથાના વાળ મૂંડાવવા નહિ, તેમ જ દાઢીની કિનાર પણ મૂંડાવવી નહિ અને પોતાના શરીર પર કોઈ ઘા પણ કરવો નહિ.
6તેઓ પોતાના ઈશ્વરના પવિત્ર લોક થાય અને તેઓના ઈશ્વરના નામને અપમાનિત ન કરે, કેમ કે યાજકો યહોવાહના હોમયજ્ઞો એટલે પોતાના ઈશ્વરની રોટલી અર્પણ કરે છે. એ માટે તેઓ પવિત્ર થાય.
7તેઓ ગણિકા કે કોઈ અશુદ્ધ સ્ત્રીની સાથે અને જે સ્ત્રીના તેના પતિથી છૂટાછેડા થયા હોય તેની સાથે લગ્ન ન કરે. કેમ કે તેઓ ઈશ્વર માટે અલગ કરાયેલા છે.
8તમારે યાજકને પવિત્ર ગણવો જોઈએ, કારણ કે તે મને અર્પણ ચઢાવે છે. તમારે તેને પવિત્ર ગણવો જોઈએ, કારણ તમને પવિત્ર કરનાર યહોવાહ હું પવિત્ર છું.
9જો કોઈ યાજકની પુત્રી ગણિકા થઈને પોતાને અશુદ્ધ કરે તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને આગથી બાળી નાખવી.
10જે પોતાના ભાઈઓ વચ્ચે પ્રમુખ યાજક હોય, જેને તેલથી અભિષેક કરાયો હોય અને વસ્ત્રો પહેરવા માટે શુદ્ધિકરણ કરાયું હોય તેણે પોતાના વાળ છૂટા મૂકવા નહિ તથા પોતાના વસ્ત્રો ફાડવા નહિ.
11જે જગ્યાએ માણસનો મૃતદેહ પડ્યો હોય ત્યાં તેણે જવું નહિ અને અશુદ્ધ થવું નહિ, પછી ભલે તે મૃતદેહ પોતાના પિતા કે માતાનો હોય.
12તે પવિત્રસ્થાનની બહાર જાય નહિ અને પોતાના ઈશ્વરના પવિત્રસ્થાનને અશુદ્ધ કરે નહિ. કેમ કે પોતાના ઈશ્વરના અભિષેકના તેલ વડે તેને પ્રમુખ યાજક તરીકે પવિત્ર કરાયો છે. હું યહોવાહ છું.
13પ્રમુખ યાજકે કુંવારી સ્ત્રી સાથે લગ્ન કરવું.
14તેણે કોઈ વિધવા, ગણિકા કે છૂટાછેડા લીધેલી સ્ત્રીની સાથે લગ્ન કરવું નહિ. તેણે આ બધામાંથી કોઈ સાથે લગ્ન ન કરવું. પણ પોતાના લોકમાંની જ કોઈ કુમારિકા સાથે લગ્ન કરવું.
15તેણે બધા નિયમોનું પાલન કરવું, કે જેથી પોતાના લોકો મધ્યે પોતાના સંતાનને અશુદ્ધ ન કરે. કેમ કે તેને શુદ્ધ કરનાર યહોવાહ હું છું.’ ”
16યહોવાહે મૂસાને કહ્યું,
17“તું હારુનને કહે કે, શારીરિક ખામી ધરાવનાર તારા કોઈપણ વંશજે ઈશ્વરને અર્પણ ચઢાવવું નહિ.
18શારીરિક ખામી ધરાવનાર કોઈ પણ માણસ પછી તે અંધ હોય, અપંગ હોય કે જેના અંગ વિકૃતિ વાળા હોય,
19અથવા સુકાઈ ગયેલા હાથ વાળો હોય કે પગ વાળો હોય,
20ખૂંધો હોય કે ઠીંગણો હોય, નેત્રનો રોગ કે ચામડીનો રોગ થયેલો હોય કે વ્યંઢળ હોય તેઓએ અર્પણ ચઢાવવું નહિ.
21હારુન યાજકના શારીરિક ખામી વાળા કોઈ પણ વંશજ મને હોમયજ્ઞો ચઢાવવા મારી પાસે આવે નહિ, જો તેનામાં કોઈ ખોડ હોય તો તેણે ઈશ્વરની ‘રોટલી’ ચઢાવવા પાસે જવું નહિ.
22તેમ છતાં ઈશ્વર સમક્ષ ચઢાવેલ પવિત્ર તેમ જ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે.
23પરંતુ તેણે પડદાની નજીક કે પડદાની પાછળ અગ્નિની વેદીની નજીક જવું નહિ કારણ તેનામાં શારીરિક ખોડ છે અને તેણે મારી પવિત્ર જગ્યાઓને અશુદ્ધ કરવી નહિ. કેમ કે મેં યહોવાહે તેને પવિત્ર કરેલી છે.’
24અને મૂસાએ હારુનને અને તેના પુત્રોને અને સર્વ ઇઝરાયલીઓને આ પ્રમાણે કહી સંભળાવ્યું.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.