ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

લેવી 16

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1હારુનના બે દીકરા જ્યારે યહોવાહની સમક્ષ ગયા ત્યારે મૃત્યુ પામ્યા અને તેઓના મૃત્યુ પછી યહોવાહે મૂસાની સાથે વાત કરી.
2પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે, પરમપવિત્ર સ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના દયાસન સમક્ષ કોઈ પણ સમયે આવે નહિ. જો તે તેમ કરશે તો તે મૃત્યુ પામશે. કારણ કે તે દયાસન પર વાદળરૂપે હું દેખાઈશ.
3તેથી અહીં હારુન આ રીતે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે. પાપાર્થાર્પણ માટે એક બળદ તથા દહનીયાર્પણ માટે એક ઘેટો લઈને તે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે.
4તે શણનું પવિત્ર ઉપવસ્ત્ર અને શણની ઈજાર પહેરે. કમરે શણનો કમરપટો અને માથે શણની પાઘડી બાંધે. આ પવિત્ર વસ્ત્રો છે. એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું.
5તે ઇઝરાયલી પ્રજા પાસેથી પાપાર્થાર્પણ માટે બે બકરા તથા દહનીયાર્પણ માટે એક ઘેટો લે.
6પછી હારુન પોતાને માટે પાપાર્થાર્પણના બળદને રજૂ કરે અને પોતાના માટે તેમ જ પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે.
7ત્યારપછી તે બે બકરાઓ લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહ સમક્ષ લાવે.
8પછી હારુન તે બે બકરા માટે ચિઠ્ઠીઓ નાખે, એટલે એક ચિઠ્ઠી યહોવાહને માટે અને બીજી અઝાઝેલને માટે નક્કી કરે.
9જે બકરા પર યહોવાહના નામની ચિઠ્ઠી પડે, તેને હારુન પાપાર્થાર્પણને માટે અર્પણ કરે.
10પરંતુ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને માટે પ્રાયશ્ચિત કરવાને યહોવાહ સમક્ષ તેને જીવતો રજૂ કરે.
11પછી હારુન પોતાના અને પોતાના પરિવાર માટે પાપાર્થાર્પણને સારુ બળદ રજૂ કરે. પોતાને માટે તથા પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે અને પાપાર્થાર્પણનો જે બળદ પોતાના માટે હોય તેને કાપે.
12પછી હારુન એક ધૂપદાનીમાં યહોવાહ આગળની વેદીમાંથી સળગતા અંગારા અને બે મુઠ્ઠી બારીક દળેલો ધૂપ લઈને તેને પડદાની અંદરની બાજુએ લાવે.
13પછી યહોવાહ સમક્ષ અંગારા ઉપર તે ધૂપ તે નાખે જેથી કરારકોશ પરના દયાસન ઉપરનું વાદળ ધુમાડાથી ઢંકાઈ જાય. અને આમ કરવાથી તે મૃત્યુ પામશે નહિ.
14ત્યારપછી તે બળદના રક્તમાંથી થોડું રક્ત પૂર્વ તરફ પોતાની આંગળી વડે દયાસન પર છાંટે. અને તેમાંનુ થોડું રક્ત દયાસનની સામે આંગળી વડે સાત વાર છાંટે.
15ત્યારપછી તે લોકોના પાપાર્થાર્પણનો બકરો કાપે અને તેનું રક્ત પડદાની અંદરની બાજુ લાવે. બળદના રક્તની જેમ તે તેના રક્તનું પણ કરે; તે દયાસન પર તેને છાંટે ત્યારપછી દયાસનની સામે તેને છાંટે.
16તે ઇઝરાયલના લોકોની અશુદ્ધતાના લીધે, તેઓના પાપો અને વિદ્રોહના કારણે પવિત્રસ્થાનને માટે પ્રાયશ્ચિત કરે. એ જ રીતે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહેનાર મુલાકાતમંડપને સારુ કરે, જેમાં યહોવાહ વસે છે.
17હારુન પ્રાયશ્ચિત કરવા માટે પરમપવિત્ર સ્થાનમાં દાખલ થાય ત્યારથી તે પોતાને સારુ, પોતાના પરિવારને સારુ તથા સર્વ ઇઝરાયલીઓને સારું પ્રાયશ્ચિત કરીને બહાર ન આવે, ત્યાં સુધી કોઈને મુલાકાતમંડપમાં રહેવા ન દેવો.
18બહાર આવીને યહોવાહની સમક્ષ વેદી પાસે જઈને તેને સારુ તે પ્રાયશ્ચિત કરે. તેણે બળદના અને બકરાના રક્તમાંથી થોડું થોડું લઈને વેદીનાં શિંગો પર ચોપડવું.
19એ રક્તમાંથી આંગળી વડે તે વેદી ઉપર સાત વખત છાંટીને તેને શુદ્ધ કરે અને ઇઝરાયલીઓની અશુદ્ધતામાંથી તેને પવિત્ર કરે.
20પરમ પવિત્રસ્થાન, મુલાકાતમંડપ અને વેદીને માટે પ્રાયશ્ચિત કરી રહે ત્યારે જીવિત બકરાંને તે હાજર કરે.
21અને પછી હારુન તે જીવતા બકરાના માથા પર બન્ને હાથ મૂકીને ઇઝરાયલીઓની સર્વ દુષ્ટતા, સર્વ પાપો અને તેઓનો વિદ્રોહ કબૂલ કરીને તે સર્વ એ બકરાના શિર પર મૂકે. તે પછી તેણે આ કામ માટે નક્કી કરેલા માણસ સાથે તે બકરાંને રણમાં મોકલી આપવો.
22પછી તે બકરો લોકોની સર્વ દુષ્ટતા જે જગ્યાએ કોઈ રહેતું ના હોય તેવી નિર્જન જગ્યાએ લઈ જશે. અને આ માણસ તેને નિર્જન અરણ્યમાં છોડી દેશે.
23ત્યારપછી હારુન મુલાકાતમંડપમાં પાછો આવે. પવિત્રસ્થાનમાં દાખલ થતી વખતે પહેરેલા શણનાં વસ્ત્રો ઉતારીને ત્યાં રાખી મૂકે.
24પવિત્રસ્થાનમાં સ્નાન કરીને તે પોતાના વસ્ત્રો પહેરે અને બહાર જઈને પોતાનું અને લોકોનું દહનીયાર્પણ અર્પણ કરે અને આ રીતે પોતાને સારુ અને લોકોને સારુ પ્રાયશ્ચિત કરે.
25પાપાર્થાર્પણની ચરબીનું દહન તે વેદી પર કરે.
26અઝાઝેલ માટેના બકરાંને લઈ જનાર માણસે પોતાના વસ્ત્ર ધોઈ નાખવા અને સ્નાન કરવું; ત્યારપછી જ તે છાવણીમાં પાછો આવે.
27પછી પાપાર્થાર્પણને સારુ ચઢાવેલા બળદ અને બકરાંને એટલે જેઓનું રક્ત પ્રાયશ્ચિતને માટે પવિત્રસ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું તેઓને છાવણી બહાર લઈ જવા અને ચામડાં, માંસ અને આંતરડાં સહિત બાળી નાખવા.
28આ બધું બાળનાર માણસે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, સ્નાન કરવું અને પછી છાવણીમાં પાછા ફરવું.
29એ સદાને માટે તમારો વિધિ થાય; દેશનાં વતનીઓ તથા તમારી મધ્યે વસતા વિદેશીઓએ સાતમા મહિનાના દશમા દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.
30કેમ કે તે દિવસે તમને શુદ્ધ કરવા માટે તમારા માટે પ્રાયશ્ચિત કરવામાં આવશે; તમે તમારા પાપોથી યહોવાહની આગળ શુદ્ધ થશો.
31તમારા માટે તે પવિત્ર વિશ્રામવારનો દિવસ છે. તમારે ઉપવાસ કરવો અને કંઈ કામ કરવું નહિ. આ સદાને માટેનો નિયમ છે.
32આ પ્રાયશ્ચિત મુખ્ય યાજકે એટલે જે તેના પિતાના સ્થાને યાજકપદને સારુ અભિષિક્ત અને પવિત્ર કરવામાં આવ્યો હોય તેણે કરવું. તે પ્રાયશ્ચિત કરે, તે યાજકે શણના પવિત્ર વસ્ત્ર પહેરવા.
33અને પરમ પવિત્રસ્થાનને માટે, મુલાકાતમંડપને માટે, વેદીને માટે, યાજકોને માટે તથા સભાના સમગ્ર લોકોને માટે તેણે પ્રાયશ્ચિત કરવું.
34આ તમારે સારુ સદાનો વિધિ થાય; આ રીતે પ્રતિવર્ષ એક વાર ઇઝરાયલીઓના પાપો માટે પ્રાયશ્ચિત કરવું. યહોવાહે મૂસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે તેણે કર્યું.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.