ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યહોશુઆ 9

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1પછી જે રાજાઓ યર્દન નદીની પેલી પાર પશ્ચિમમાં હતા તેઓ પર્વતોમાં અને નીચાણવાળા પ્રદેશોમાં અને લબાનોન તરફ સમુદ્રતટે રહેનાર હિત્તીઓ, અમોરીઓ, કનાની, પરિઝી, હિવ્વીઓ તથા યબૂસીઓના બધા જ રાજાઓ
2એક મતે યહોશુઆ અને ઇઝરાયલ વિરુદ્ધ લડાઈ કરવા એકત્ર થયા.
3યહોશુઆએ યરીખો અને આયના જે હાલહવાલ કર્યા હતા તે જયારે ગિબ્યોનના રહેવાસીઓએ સાંભળ્યું,
4ત્યારે તેઓએ ષડ્યંત્ર રચ્યું અને એલચીઓ જેવા તૈયાર થઈને પોતાનાં ગધેડાં પર જૂની ગૂણપાટો, દ્રાક્ષારસની જૂની, ફાટેલી અને થીંગડાં મારેલી મશકો લાદી.
5તેઓએ જૂનાં અને થીંગડાં મારેલા પગરખાં પોતાનાં પગમાં પહેર્યા અને જીર્ણ થયેલાં વસ્ત્રો પહેર્યા. તેઓને ભોજનમાં પૂરું પાડવામાં આવેલી રોટલી સૂકી અને ફુગાઈ ગયેલી હતી.
6પછી તેઓ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆ પાસે ગયા અને તેને અને ઇઝરાયલના માણસોને કહ્યું, “અમે બહુ દૂર દેશથી આવ્યા છીએ, તેથી હવે અમારી સાથે સુલેહથી વર્તો.”
7ઇઝરાયલના માણસોએ હિવ્વીઓને કહ્યું, “કદાચ તમે અમારા દેશમાં રહેતા હો. તો અમે કેવી રીતે તમારી સાથે સુલેહ કરીએ?”
8તેઓએ યહોશુઆને કહ્યું, “અમે તમારા દાસો છીએ.” યહોશુઆએ તેઓને કહ્યું, “તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો?”
9તેઓએ તેને કહ્યું, “તારા પ્રભુ યહોવાહનાં નામે, તારા દાસો ઘણે દૂર દેશથી અહીં આવ્યા છીએ. જે સર્વ તેમણે મિસરમાં કર્યું તેના વિષેનો અહેવાલ અમે સાંભળ્યો છે.
10અને યર્દનની પેલે પારના અમોરીઓના બે રાજા, એટલે હેશ્બોનના રાજા સીહોનને, અને આશ્તારોથમાં રહેનાર બાશાનના રાજા ઓગને તેમણે જે સર્વ કર્યું તે પણ અમે સાંભળ્યું છે.
11અમારા વડીલો તથા અમારા દેશના રહેવાસીઓએ અમને કહ્યું, ‘મુસાફરીમાં ખાવાને સારુ તમારા હાથમાં ભાથું લઈને જાઓ. તેઓને મળવાને જાઓ અને તેઓને કહો, “અમે તમારા સેવકો છીએ. અમારી સાથે સુલેહ કરો.”
12જે દિવસે અમે અહીં આવવાને નીકળ્યા ત્યારે અમે જે રોટલી અમારા ઘરેથી લીધી તે ગરમ હતી પણ અત્યારે, જુઓ, તે સુકાઈ ગઈ છે અને તેને ફૂગ ચઢી ગઈ છે.
13દ્રાક્ષારસની મશકો જયારે અમે ભરી ત્યારે નવી હતી, જુઓ, હવે તે ફાટી ગઈ છે. ઘણી દૂરની મુસાફરીથી અમારા વસ્ત્રો અને અમારા પગરખાં ઘસાઈને જૂના થઈ ગયાં છે.
14ઇઝરાયલીઓએ તેઓના ખોરાકમાંથી કંઈક લીધું, પણ તેઓએ યહોવાહની સલાહ લીધી નહિ.
15અને તેઓને જીવતા રહેવા દેવા માટે યહોશુઆએ તેઓની સાથે સલાહ કરી, તેઓની સાથે કરાર કર્યો. લોકોના સમુદાયના આગેવાનોએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી.
16અને તેઓની સાથે કરાર કર્યા પછી ત્રીજે દિવસે એમ થયું કે, તેઓએ સાંભળ્યું કે તેઓ અમારા પડોશી અને અમારી મધ્યે જ રહેનારા છે.
17ત્યારે ઇઝરાયલના લોકો બહાર આવ્યા અને ત્રીજા દિવસે તેઓના નગરોમાં પહોંચી ગયા. તેઓનાં નગરો ગિબ્યોન, કફીરા, બેરોથ અને કિર્યાથ-યારીમ હતાં.
18ઇઝરાયલના લોકોએ તેઓની ઉપર હુમલો કર્યો કે મારી નાખ્યા નહિ કેમ કે તેઓના આગેવાનોએ ઇઝરાયલના પ્રભુ, યહોવાહ આગળ તેઓ વિષે સમ લીધાં હતા. તેથી બધા ઇઝરાયલીઓએ પોતાના આગેવાનો વિરુદ્ધ કચકચ કરી.
19પણ સર્વ આગેવાનોએ લોકોના સમુદાયને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ, યહોવાહનાં સમ તેઓને લક્ષમાં રાખીને લીધાં છે અને હવે અમે તેઓને આંગળી પણ અડકાડી શકીએ નહિ.
20અમે તેઓની સાથે જે કરીશું તે આ છે આપણે તેઓના સમ લીધાં છે તેના કારણે આપણી પર આવનાર કોપથી દૂર રહેવા, આપણે તેઓને જીવતા રહેવા દઈશું.”
21આગેવાનોએ તેમના લોકોને કહ્યું, “એક શરતે તેઓને જીવતા રહેવા દો.” જેથી જેમ આગેવાનોએ તેઓના વિષે કહ્યું હતું તેમ, ગિબ્યોનીઓ ઇઝરાયલીઓ માટે લાકડાં કાપનારા અને પાણી ભરનારા થાય.”
22યહોશુઆએ તેઓને બોલાવીને કહ્યું કે, જયારે તમે અહીંયાં અમારી વચ્ચે રહો છો તેમ છતાં ‘અમે તમારાથી ઘણાં દૂર છીએ’ કહીને તમે અમને કેમ છેતર્યા?
23હવે, આ કારણથી, તમે શાપિત થયા છો અને તમારામાંના કેટલાક, જેઓ મારા યહોવાહનાં ઘર માટે લાકડાં કાપે છે અને પાણી ભરે છે તેઓ સદાને માટે ગુલામ થશે.”
24તેઓએ યહોશુઆને ઉત્તર આપ્યો અને કહ્યું, “યહોવાહ, તમારા પ્રભુએ મૂસાને આજ્ઞા આપી કે તને આખો દેશ આપીશ અને તારી આગળથી સર્વ રહેવાસીઓનો નાશ કરીશ. તેથી તમારા કારણે અમારા જીવન વિષે અમે ઘણાં ભયભીત થયા હતા. તે કારણથી અમે આ કૃત્ય કર્યું.
25હવે, જો, તેં અમને તારા બળથી પકડયા છે. અમારી સાથે તને જે કરવાનું સારું તથા ખરું લાગે, તે કર.”
26તેથી યહોશુઆએ તેમના માટે આ પ્રમાણે કર્યું: તેણે ઇઝરાયલના હાથમાંથી તેઓને છોડાવ્યાં અને ઇઝરાયલીઓએ તેઓને મારી નાખ્યા નહિ.
27તે દિવસથી આજ દિવસ સુધી, યહોશુઆએ સમુદાયને સારુ તથા જે જગ્યા યહોવાહ પસંદ કરે ત્યાં, યહોવાહની વેદીને સારુ ગિબ્યોનીઓને લાકડાં કાપનારા તથા પાણી ભરનારા તરીકે નીમ્યા.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.