ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યહોશુઆ 23

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1અને ઘણાં દિવસો પછી, યહોવાહે જયારે ઇઝરાયલને તેઓના ચારેબાજુના સર્વ શત્રુઓથી સલામતી બક્ષી, ત્યારે યહોશુઆ ઘણો વૃદ્ધ થયો હતો.
2યહોશુઆએ સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, તેઓના આગેવાનો, તેઓના ન્યાયાધીશો અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓને કહ્યું, “હું ઘણો વૃદ્ધ થયો છું.
3આ સર્વ દેશજાતિઓ સાથે યહોવાહ, તમારા પ્રભુએ તમારે માટે જે કર્યું, તે સર્વ તમે જોયું છે, કેમ કે યહોવાહ, તમારા પ્રભુએ, પોતે જ તમારે માટે યુદ્ધ કર્યું છે.
4જુઓ જે દેશો તમારાં કુળો માટે જીતવામાં આવ્યા છે અને યર્દનથી પશ્ચિમમાં મોટા સમુદ્ર સુધી જે દેશોનો અને દેશજાતિઓનો મેં અગાઉથી જ નાશ કર્યો હતો, તે મેં તમને વારસા તરીકે આપ્યાં છે.
5યહોવાહ તમારા પ્રભુ એ દેશજાતિઓને તમારી આગળથી કાઢી મૂકશે. તે તેઓનું પતન કરશે. તેમની જમીનને જપ્ત કરશે અને જેમ યહોવાહ તમારા પ્રભુએ તમને વચન આપ્યુ હતું તેમ, તમે તેમનો દેશ કબજે કરશો.
6તેથી મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે લખ્યું છે, તે સઘળું પાળવાને તથા અમલ કરવાને માટે તમે ઘણાં બળવાન તથા હિંમતવાન થાઓ કે તેમાંથી જમણે કે ડાબે હાથે ફરો નહિ.
7તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહેલી છે, તેઓ સાથે ભળી જશો નહિ, કે તેઓના દેવોના નામોનો ઉચ્ચાર કરશો નહિ કે તેઓના સોગન ખાશો નહિ, તેઓની પૂજા પણ કરશો નહિ, તેઓને પગે લાગશો નહિ.
8પરંતુ તેને બદલે, જેમ આજ દિન સુધી તમે કરતા આવ્યા છો તેમ, પોતાના યહોવાહ, પ્રભુ સાથે દ્રઢ સંબંધમાં રહો.
9કેમ કે યહોવાહે તમારી આગળથી મોટી અને પરાક્રમી દેશજાતિઓને નસાડી મૂકી છે. તમારા માટે, તમારી સામે આજ દિન સુધી કોઈ ટકવાને સમર્થ રહ્યું નથી.
10તમારામાંનો એક માણસ હજારને ભારે પડતો હતો. કેમ કે તમારા યહોવાહ, પ્રભુએ, જેમ તમને વચન આપ્યુ હતું તેમ, તે પોતે તમારે સારુ યુદ્ધ કરે છે.
11માટે તમારા યહોવાહ, પ્રભુ પર પ્રેમ રાખવા માટે વિશેષ ધ્યાન રાખો.
12કેમ કે જો તમે કોઈ રીતે પાછા હઠશો, તમારી પાસે જે દેશજાતિઓ બાકી રહેલી છે તેઓની સાથે વ્યવહાર રાખશો અને તેઓની સાથે લગ્નસંબંધ બાંધીને ભળી જશો,
13તો પછી નિશ્ચે જાણજો કે, તમારા યહોવાહ પ્રભુ હવે પછી આ દેશજાતિઓને તમારી આગળથી દૂર કરશે નહિ. આ સારી જમીન કે જે તમારા યહોવાહ, પ્રભુએ તમને આપી છે તેમાંથી તમારો નાશ થઈ જાય ત્યાં સુધી એ લોકો તમારા માટે જાળ અને ફાંદારૂપ તથા, તમારી પીઠ પર ફટકારૂપ અને આંખોમાં કાંટારૂપ થઈ પડશે.
14અને હવે, હું પૃથ્વીના સર્વ લોકો માટે ઠરાવેલા માર્ગે જાઉં છું, તમારા અંતઃકરણમાં તથા આત્મામાં તમે નિશ્ચે જાણો છો કે, જે સારાં વચનો તમારા યહોવાહ પ્રભુએ તમારા વિષે કહ્યાં તેમાંનું એકેય વચન નિષ્ફળ ગયું નથી. પણ એ વચનો પૂર્ણ થયાં છે.
15પણ જેમ તમારા યહોવાહ પ્રભુએ તમને આપેલા સર્વ સારાં વચન તમારા પ્રત્યે ફળીભૂત થયાં, તેમ, આ જે સારી જમીન તમારા યહોવાહ પ્રભુએ તમને આપી છે, તેના પરથી તમારો નાશ થતાં સુધી યહોવાહ તમારા પર સર્વ વિપત્તિઓ લાવે એવું પણ બનશે.
16તમારા યહોવાહ પ્રભુએ જે કરાર, જે આજ્ઞા તમને આપી છે, તેનું જો તમે પાલન નહિ કરો અને બીજા દેવોની પૂજા કરશો, તેઓને પગે લાગશો, તો પછી તમારા ઉપર યહોવાહનો કોપ ભભૂકી ઊઠશે. અને જે સારો દેશ તેમણે તમને આપ્યો છે, તેમાંથી તમે નષ્ટ થઈ જશો.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.