ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યહોશુઆ 18

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1પછી શીલોહમાં સમગ્ર ઇઝરાયલ લોકો ભેગા મળ્યા ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો. અને તેઓએ આખો દેશ જીત્યો.
2ઇઝરાયલ લોકોમાં હજી વારસો પામ્યા વગરનાં સાત કુળો હતાં.
3યહોશુઆએ ઇઝરાયલના લોકોને કહ્યું, “જે દેશ તમારા પિતૃઓના પ્રભુ, યહોવાહે તમને આપ્યો છે તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો?”
4તમારા પોતાના માટે દરેક કુળમાંથી ત્રણ પુરુષોને નિમણુંક કરો અને હું તેઓને બહાર મોકલીશ. તેઓ જઈને દેશના રહેવાસીઓની માહિતી મેળવશે. તેમના વારસાનો વિગતવાર અહેવાલ તૈયાર કરે પછી તેઓ મારી પાસે આવે.
5તેઓ તેના સાત વિભાગ કરે. યહૂદા દક્ષિણમાં પોતાના પ્રદેશની અંદર રહે, યૂસફના પુત્રો ઉત્તરમાં પોતાના પ્રદેશની અંદર રહેવાનું ચાલુ રાખે.
6તમે સાત ભાગોનું વર્ણન કરો અને તે કરેલું વર્ણન અહીં મારી પાસે લાવો. પછી આપણા પ્રભુ યહોવાહની આગળ હું અહીં તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડી આપીશ.
7લેવીઓને તમારી મધ્યે ભાગ મળવાનો નથી, કેમ કે યહોવાહનું યાજકપદ એ જ તેઓનો વારસો છે. યર્દનની પાર ગાદ, રુબેન તથા મનાશ્શાના અર્ધકુળને મૂસાએ વારસો આપેલો છે; તે તેઓએ પ્રાપ્ત કર્યો છે.”
8પછી તે માણસો ઊઠીને ગયા. જેઓ દેશનું વર્ણન કરવાને જતા હતા તેઓને યહોશુઆએ એવી આજ્ઞા આપી હતી કે, “જઈને દેશમાં સર્વત્ર ફરીને તેનું વર્ણન કરો અને મારી પાસે પાછા આવો. પછી શીલોહમાં હું યહોવાહની આગળ તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડીશ.”
9તે માણસો જઈને દેશમાં બધી જગ્યાએ ફરીને નગરો પ્રમાણે સાત ભાગે યાદીમાં તેઓનું વર્ણન કર્યું, દરેક ભાગ પાડીને નગરોની યાદી બનાવી. પછી તેઓ શીલોહની છાવણીમાં યહોશુઆ પાસે પાછા આવ્યા.
10પછી યહોશુઆએ તેઓને સારુ શીલોહમાં યહોવાહની આગળ ચિઠ્ઠીઓ નાખી. ત્યાં યહોશુઆએ ઇઝરાયલના લોકોને-તેઓના ભાગ પ્રમાણે વહેંચી આપ્યો.
11બિન્યામીનના કુળને તેઓના કુટુંબો પ્રમાણે તેમને તે દેશ ભાગ કરવામાં આવ્યો હતો. એટલે જે પ્રદેશ તેમને આપવામાં આવ્યો હતો તે યહૂદાના વંશજો અને યૂસફના વંશજોની વચ્ચે આવેલો હતો.
12ઉત્તર ભાગે તેઓની સીમા યર્દન હતી. તે સીમા યર્દનથી યરીખોની ઉત્તર બાજુએ ગઈ, પછી પશ્ચિમ તરફ પહાડી પ્રદેશમાં તે ગઈ. ત્યાં તે બેથ-આવેનના રણ સુધી પહોંચી.
13ત્યાંથી આગળ લૂઝ એટલે બેથેલ ની દક્ષિણ બાજુએ તે સરહદ પસાર થઈ. નીચેના બેથ-હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ-આદ્દાર સુધી ઊતરી.
14એ પર્વત બેથ-હોરોનની સામે દક્ષિણ બાજુ પર આવેલો છે. ત્યાંથી તે સીમાનો છેડો યહૂદાના કુળના નગર કિર્યાથ-બાલ એટલે, કિર્યાથ-યારીમ આગળ આવેલો છે. આ તેની પશ્ચિમ બાજુ હતી.
15દક્ષિણ ભાગ કિર્યાથ-યારીમની બહારની બાજુએથી શરૂ થયો. તેની સરહદ ત્યાંથી એફ્રોન, નેફતોઆના પાણીના ઝરા સુધી ગઈ.
16તે સરહદ પછી નીચે હિન્નોમના દીકરાની ખીણની સામેના પર્વતની સરહદ સુધી, જે રફાઈઓની ખીણની અંતે ઉત્તર તરફ છે. પછી તે નીચે હિન્નોમની ખીણથી, યબૂસીઓના દક્ષિણ તરફના ઢાળથી, નીચે એન-રોગેલ સુધી ગઈ.
17તે ઉત્તરથી વળીને, એન-શેમેશની દિશામાં અને ત્યાંથી ગલીલોથ તરફ ગઈ, તે અદુમ્મીમના ઘાટની સામે છે. પછી તે નીચે બોહાનની શિલા તે રુબેનનો પુત્ર હતો સુધી ગઈ.
18તે સરહદ બેથ અરાબાના ઉત્તરના ઢાળથી પસાર થઈને નીચે અરાબા સુધી ગઈ.
19તે સરહદ બેથ-હોગ્લાના ઉત્તરી ઢાળ પરથી પસાર થઈ. તે સરહદનો છેડો ખારા સમુદ્રની ઉત્તરી ખાડી તરફ, યર્દનની દક્ષિણે આવેલો છે. આ દક્ષિણની સરહદ હતી.
20પૂર્વ બાજુએ યર્દન તેની સરહદ હતી. તે બિન્યામીનના કુળનો વારસો હતો, તેઓના દરેકના કુટુંબો પ્રમાણે, ચોતરફની, સરહદ એ હતી.
21હવે બિન્યામીનના કુળનાં નગરો તેઓના કુટુંબો પ્રમાણે આ હતા: એટલે યરીખો, બેથ-હોગ્લા, એમેક-કસીસ,
22બેથ-અરાબા, સમારાઈમ, બેથેલ,
23આવ્વીમ, પારા, ઓફ્રા,
24કફાર-આમ્મોની, ઓફની તથા ગેબા. તેઓના ગામો સહિત કુલ બાર નગરો હતાં.
25ત્યાં આ નગરો પણ હતાં, એટલે, ગિબ્યોન, રામા, બેરોથ,
26મિસ્પા, કફીરા, મોસા,
27રેકેમ, યિર્પેલ, તારલા,
28સેલા, હાલેફ, યબૂસી એટલે યરુશાલેમ, ગિબયા, કિર્યાથ. તેઓના ગામો સહિત કુલ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના કુટુંબો માટે એ વારસો હતો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.