ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યહોશુઆ 13

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1હવે યહોશુઆ ઘણો વયોવૃદ્ધ થયો, ત્યારે યહોવાહ તેને કહ્યું, “તું વયોવૃદ્ધ થયો છે, પણ વતન કરી લેવાની ઘણી ભૂમિ હજી બાકી છે.
2જે પ્રદેશો હજી બાકી રહ્યા છે તે આ છે: પલિસ્તીઓનો અને ગશૂરીઓનો આખો વિસ્તાર.
3જે મિસરની પૂર્વમાં શિહોરથી, ઉત્તરે એક્રોનની સરહદ સુધી. તે કનાનીઓની સંપત્તિ ગણાય છે; પલિસ્તીઓના પાંચ શાસકો ગાઝીઓ, આશ્દોદીઓ, આશ્કેલોનીઓ, ગિત્તીઓ અને એક્રોનીઓનો જે આવ્વીઓના પ્રદેશ છે.
4દક્ષિણમાં, આવ્વીઓનો પ્રદેશ, કનાનીઓનો આખો પ્રદેશ અને સિદોનીઓના મારા અને અફેક સુધી એટલે અમોરીઓની સરહદ સુધી;
5ગબાલીઓનો દેશ, પૂર્વ તરફ લબાનોન એટલે હેર્મોન પર્વતની તળેટીમાંના બાલ-ગાદથી હમાથ સુધી.
6લબાનોનથી તે દૂર સુધી મિસ્રેફોથ-માઇમ સુધી પર્વતીય દેશના સઘળાં રહેવાસીઓ એટલે સિદોનના સઘળાં લોકો સહિત તેઓને હું ઇઝરાયલના સૈન્યની આગળથી કાઢી મૂકીશ. પણ યાદ રાખ કે મેં જેમ તને આજ્ઞા આપી છે તેમ તે દેશ ઇઝરાયલીઓને વારસા તરીકે તેમનાં કુળ પ્રમાણે વહેંચી આપ.
7નવ કુળોને તથા મનાશ્શાના અર્ધ કુળને આ દેશ વારસામાં ફાળવી આપ.”
8મનાશ્શાના બીજા અર્ધ કુળ સાથે રુબેનીઓને તથા ગાદીઓને તેમનો વારસો મળ્યો. મૂસાએ તેઓને યર્દનની પૂર્વ બાજુએ તે હિસ્સો આપ્યો.
9તે આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી અને જે નગર ખીણની મધ્યે છે ત્યાંથી, મેદબાનો આખો સપાટ પ્રદેશ, દીબોન સુધી.
10સીહોનનાં બધાં નગરો, અમોરીઓનો રાજા, જે હેશ્બોનમાં રાજ કરતો હતો તેના સઘળાં નગરો, આમ્મોનીઓની સરહદ સુધી;
11ગિલ્યાદ, ગશૂરીઓનો તથા માખાથીઓનો વિસ્તાર, આખો હેર્મોન પર્વત અને આખા બાશાનથી સાલખા સુધી;
12બાશાનના ઓગનું આખું રાજ્ય, જે આશ્તારોથ અને એડ્રેઇમાં રાજ કરતો હતો આ જે રફાઈઓમાંના બાકી રહેલા હતા તેઓને મૂસાએ તલવારથી મારીને હાંકી કાઢ્યાં હતા.
13પણ ઇઝરાયલના લોકોએ ગશૂરીઓને કે માખાથીઓને કાઢી મૂક્યા નહિ. તેના બદલે, ગશૂરીઓ અને માખાથીઓ આજ દિન સુધી ઇઝરાયલ મધ્યે રહ્યા.
14કેવળ લેવીના કુળને મૂસાએ વારસો આપ્યો નહિ. જેમ યહોવાહ મૂસાને કહ્યું હતું તેમ “ઇઝરાયલના પ્રભુ, યહોવાહને અપાયેલા અર્પણો જે અગ્નિથી કરવામાં આવે છે,” તે જ તેઓનો વારસો છે.
15મૂસાએ રુબેનીઓના આખા કુળનાં કુટુંબો પ્રમાણે તેઓને વારસો આપ્યો.
16તેઓની હદ આર્નોનની ખીણની સરહદ પરનું અરોએર તથા જે શહેર તે ખીણની મધ્યે છે, ત્યાંથી મેદબા પાસેના આખા સપાટ પ્રદેશ સુધી હતી.
17રુબેનીઓને આ પણ પ્રાપ્ત થયું એટલે, હેશ્બોન તથા પર્વતીય પ્રદેશમાંનાં તેના સર્વ નગરો, દીબોન, બામોથ-બાલ તથા બેથ-બાલમેઓન,
18યાહસા, કદેમોથ તથા મેફાથ,
19કિર્યાથાઈમ, સિબ્માહ, ખીણના પર્વત પરનું સેરેથ-શાહાર.
20બેથ-પેઓર, પિસ્ગાહના ઢોળાવ, બેથ-યશીમોથ,
21સપાટ પ્રદેશનાં સર્વ નગરો, અમોરીઓના રાજા સીહોનનું આખું રાજ્ય; તે હેશ્બોનમાં રાજ કરતો હતો જેને મૂસાએ માર્યો હતો. અને તે દેશમાં રહેનારા મિદ્યાનના આગેવાનો સાથે, અવી, રેકેમ, સૂર, હૂર, તથા રેબાના શાસકોને અને સીહોનના રાજકુમારોને માર્યા હતા.
22જેઓને ઇઝરાયલી લોકોએ માર્યા, તેઓમાં બેઓરના દીકરા બલામ શકુન જોનારને પણ તેઓએ તલવારથી મારી નાખ્યો.
23યર્દન નદી તથા તેનો કાંઠો એ રુબેનીઓના કુળની સરહદ હતી; આ રુબેનીઓના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબ પ્રમાણે એ છે.
24અને આ મૂસાએ ગાદનાં કુળને એટલે ગાદપુત્રોને તેના કુટુંબ પ્રમાણે આપ્યો હતો.
25આ તેમનો વિસ્તાર હતો એટલે યાઝેર તથા ગિલ્યાદના સઘળાં નગરો તથા આમ્મોનીઓનો અડધો દેશ, જે અરોએર સુધી રાબ્બાની પૂર્વમાં છે.
26અને હેશ્બોનથી તે રામાથ મિસ્પા અને બટોનીમ સુધી, માહનાઇમથી તે દબીરના પ્રદેશ સુધી.
27અને ખીણમાં, બેથ-હારામ તથા બેથ-નિમ્રાહ, સુક્કોથ, અને સાફોન, એટલે હેશ્બોનના રાજા સીહોનનું બાકી રહેલું રાજ્ય, યર્દનનો કિનારો, યર્દન પાર પૂર્વમાં કિન્નેરેથ સમુદ્રના છેડા સુધી મૂસાએ તેઓને આપ્યાં.
28ગાદપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓના કુટુંબો પ્રમાણે એ છે.
29મૂસાએ મનાશ્શાના અડધા કુળને વારસો આપ્યો. તે મનાશ્શાના લોકોના અડધા કુળને, એક એકને તેમના કુળ પ્રમાણે વારસો આપ્યો.
30તેઓનો પ્રદેશ માહનાઇમથી હતો, એટલે આખો બાશાન, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય અને બાશાનમાં યાઈરનાં સર્વ નગરો, એટલે સાઠ નગરો,
31અડધો ગિલ્યાદ તથા આશ્તારોથ તથા એડ્રેઇ, બાશાનમાં ઓગનાં ભવ્ય નગરો. એ મનાશ્શાના પુત્ર માખીરના પુત્રોને માટે એટલે તેઓનાં કુટુંબો પ્રમાણે માખીરના પુત્રોના અડધા ભાગને માટે હતાં.
32યરીખોની પૂર્વ દિશાએ યર્દન પાર, મોઆબના પ્રદેશમાં મૂસાએ વારસા તરીકે સોંપ્યાં તે એ છે.
33પણ લેવીના કુળને મૂસાએ કંઈ વારસો આપ્યો નહિ. તેણે તેઓને કહ્યું કે, તેઓનો વારસો ઇઝરાયલના પ્રભુ, યહોવાહ, છે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.