ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યહોશુઆ 11

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1જયારે હાસોરના રાજા, યાબીને આ સાંભળ્યું, ત્યારે તેણે માદોનના રાજા યોબાબને, શિમ્રોનના રાજાને તથા આખ્શાફના રાજાને
2અને જેઓ ઉત્તરે પર્વતીય દેશમાં, કિન્નેરેથની દક્ષિણે યર્દન નદીની ખીણમાં, નીચાણવાળા દેશોમાં અને પશ્ચિમે દોરના પર્વત પર હતા તે રાજાઓને સંદેશો મોકલ્યો.
3તેણે પૂર્વ અને પશ્ચિમના કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, પર્વતીય દેશના યબૂસીઓને તથા મિસ્પાના દેશમાં હેર્મોન પર્વતથી હિવ્વીઓને પણ સંદેશ મોકલ્યો.
4તેઓની સાથે તેઓનાં સર્વ સૈન્ય, સૈનિકોની મોટી સંખ્યા, સમુદ્ર કાંઠા પરની રેતી સમાન સંખ્યામાં બહાર આવ્યા. તેઓની પાસે વિપુલ પ્રમાણમાં ઘોડા અને રથો હતા.
5આ બધા રાજાઓ ઠરાવેલા સમયે મળ્યા અને ઇઝરાયલ સાથે યુદ્ધ કરવાને તેઓએ મેરોમ સરોવર પાસે છાવણી કરી.
6યહોવાહે યહોશુઆને કહ્યું, “તેઓથી બીશ નહિ. કેમ કે આવતી કાલે, હું ઇઝરાયલને તેઓ સર્વને મૃત અવસ્થામાં સોંપીશ. તમે તેઓના ઘોડાઓનાં જાંઘની નસો કાપશો અને તેઓના રથ અગ્નિથી બાળશો.”
7યહોશુઆ અને યુદ્ધ કરનારા મેરોમ સરોવર પાસે તેઓ પર ઓચિંતા આવીને તૂટી પડ્યા.
8યહોવાહે શત્રુઓને ઇઝરાયલના હાથમાં સોંપ્યા, તેઓએ તલવારથી તેઓને માર્યા. તેઓ સિદોન, મિસ્રેફોથ-માઇમ, પૂર્વ તરફ મિસ્પાની ખીણ સુધી તેઓની પાછળ પડયા. તેઓએ તેમને તલવારથી એવા માર્યા કે તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહિ.
9યહોવાહે યહોશુઆને કહ્યું હતું તે પ્રમાણે તેણે તેઓની સાથે કર્યું. તેણે તેઓના ઘોડાઓનાં જાંઘની નસો કાપી અને તેઓના રથો અગ્નિથી બાળી નાખ્યા.
10તે સમયે યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું. તેણે તલવારથી તેના રાજાને મારી નાખ્યો. હાસોર આ બધા રાજ્યોમાં મુખ્ય હતું.
11ત્યાંના તમામ સજીવ પ્રાણીઓને તેઓએ મારી નાખ્યાં. કોઈ પણ પ્રાણીને જીવિત રહેવા દેવામાં આવ્યું નહિ. પછી તેણે હાસોરને બાળી મૂક્યું.
12યહોશુઆએ આ બધા રાજાઓના નગરોને કબજે કર્યા. તેણે તે બધા રાજાઓને પણ તાબે કર્યા. યહોવાહનાં સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓનો તલવારથી સંપૂર્ણપણે નાશ કર્યો.
13તે સિવાયના પર્વત પર બાંધેલા કોઈ નગરોને ઇઝરાયલ બાળ્યાં નહિ. યહોશુઆએ એકલા હાસોરને જ બાળ્યું.
14ઇઝરાયલના સૈન્યએ પોતાના માટે આ નગરોમાંથી જાનવરો સહિત બધું લૂંટી લીધું. તેઓએ તલવારથી દરેક માણસને મારી નાખ્યાં. તેઓએ કોઈને જીવિત રહેવા દીધાં નહિ.
15યહોવાહે પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી હતી. અને યહોવાહ મૂસાને જે કરવાની આજ્ઞા આપી હતી તે સઘળામાંથી યહોશુઆએ કોઈ પણ કામ કરવામાં કચાશ રાખી નહિ.
16યહોશુઆએ તે સર્વ દેશ, પર્વતીય દેશ, આખો નેગેબ, આખો ગોશેન દેશ, નીચાણની ટેકરીઓ, યર્દન નદીની ખીણ, ઇઝરાયલનો પર્વતીય દેશ અને નીચાણવાળો દેશ કબજે કર્યો.
17સેઈર પાસેના હાલાક પર્વતથી, તે હેર્મોન પર્વતની તળેટીના લબાનોનની નજીકની ખીણમાં બાલ-ગાદ જેટલા દૂર સુધી ઉત્તરે જતા, તેણે તેના સર્વ રાજાઓને પકડીને તેઓને મારી નાખ્યા.
18યહોશુઆએ તે સર્વ રાજાઓ સાથે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું.
19હિવ્વીઓ કે જે ગિબ્યોનમાં રહેતા હતા તેમના સિવાય ઇઝરાયલ સાથે એકેય નગરે સંધિ કરી નહિ. ઇઝરાયલે બાકીનાં બધાં નગરોને યુદ્ધમાં કબજે કર્યાં.
20કેમ કે યહોવાહ તેઓનાં હૃદયોને કઠણ કર્યાં હતાં કે જેથી તેઓ આવે અને ઇઝરાયલ વિરુદ્ધ યુદ્ધ કરે જેથી તે તેઓનો સંપૂર્ણ નાશ કરે. તેમની દયાની અરજ સાંભળવામાં આવે નહિ. અને મૂસાને યહોવાહ જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓનો સંપૂર્ણ નાશ કરવામાં આવે.
21અને તે વખતે યહોશુઆએ જઈને પહાડી પ્રદેશમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના, યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાંના અને ઇઝરાયલના આખા પહાડી પ્રદેશમાંના અનાકીઓનો સંહાર કર્યો. યહોશુઆએ તેઓનો તથા તેઓના નગરોનો સંપૂર્ણ સંહાર કર્યો.
22કેવળ ગાઝા, ગાથ અને આશ્દોદમાં કેટલાક જીવતા રહ્યા. ઇઝરાયલ દેશમાં એક પણ અનાકીને રહેવા દીધો નહિ.
23જેમ યહોવાહે મૂસાને જે કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ આખો દેશ કબજે કર્યો. યહોશુઆએ ઇઝરાયલને તેઓનાં કુળો પ્રમાણે તે વારસામાં આપ્યો. પછી દેશમાં યુદ્ધને બદલે શાંતિ પ્રસરેલી રહી.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.