ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

અયૂબ 32

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1પછી આ ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું બંધ કર્યું, કારણ કે અયૂબ તેની પોતાની નજરમાં ન્યાયી હતો.
2પછી રામના કુટુંબના બારાકેલ બુઝીના દીકરા અલીહૂને અયૂબ પર ગુસ્સે આવ્યો; કારણ કે અયૂબે ઈશ્વર કરતાં પોતાને ન્યાયી જાહેર કર્યો હતો.
3અલીહૂને તેના ત્રણ મિત્રો પ્રત્યે પણ ક્રોધ આવ્યો, કારણ કે તેઓ અયૂબની વાતોનો જવાબ આપી શક્યા નહોતા, તેમ છતાં તેઓએ અયૂબને દોષિત જાહેર કર્યો.
4હવે અલીહૂ અયૂબ સાથે વાર્તાલાપ કરવાની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે અન્ય લોકો તેના કરતા વડીલ હતા.
5તેમ છતાં જ્યારે અલીહૂએ જોયું કે તે ત્રણેની પાસે કોઈ જવાબ નથી, ત્યારે તેને વધારે ગુસ્સો આવ્યો.
6બારાકેલ બુઝીના દીકરા અલીહૂએ જવાબ આપતાં કહ્યું કે, “હું તરુણ છું, અને તમે ઘણા વૃદ્ધ છો. તે માટે હું ચૂપ રહ્યો અને મારો અભિપ્રાય તમને જણાવવાની મેં હિંમત કરી નહિ.”
7મેં કહ્યું, “દીર્ઘ આયુષ્યવાળાઓએ બોલવું જોઈએ; અને દીર્ઘ આયુષ્યવાળાઓએ ડહાપણ શીખવવું જોઈએ.
8પણ માણસમાં આત્મા રહેલો છે; અને સર્વશક્તિમાન ઈશ્વરનો શ્વાસ લોકોને સમજણ આપે છે.
9મહાન લોકો જ બુદ્ધિમાન હોય છે તેવું નથી, અથવા વૃદ્ધ લોકો જ ન્યાય સમજે છે તે પ્રમાણે હંમેશા હોતું નથી.
10તે માટે હું કહું છું કે, ‘મને સાંભળો; હું પણ તમને મારું ડહાપણ જાહેર કરીશ’.
11જુઓ, જ્યારે તમે વિચારતા હતા કે શું બોલવું; મેં તમારા શબ્દોની રાહ જોઈ અને મેં તમારી દલીલો સાંભળી.
12ખરેખર, મેં તમને ધ્યાનથી સાંભળ્યા, પણ, જુઓ, તમારામાંનો કોઈ પણ અયૂબને ખાતરી કરાવી શક્યો નહિ અને તેને જવાબમાં પ્રત્યુત્તર પણ આપી શક્યો નહિ.
13સાવચેત રહેજો અને એવું ન કહેતા કે, ‘અમને ડહાપણ પ્રાપ્ત થયું છે!” ઈશ્વર અયૂબને હરાવશે; સામાન્ય માણસ કંઈ કરી શકે નહિ.
14અયૂબે મારી સાથે દલીલ કરી નથી, તેથી હું તમારા શબ્દોથી તેને સામો જવાબ આપીશ નહિ.
15આ ત્રણ માણસો સ્તબ્ધ થઈ ગયા; તેઓ અયૂબને જવાબ આપી શક્યા નહીં. તેઓની પાસે બોલવાને કોઈ શબ્દો રહ્યા નથી.
16કારણ કે તેઓ શાંત ઊભા છે અને જવાબ આપતા નથી, તેઓ વાત કરતા નથી તેથી શું હું રાહ જોઈ બેસી રહું?
17ના, હું પણ જવાબમાં મારો અભિપ્રાય આપીશ; હું તેઓને મારા વિચારો જાહેર કરીશ.
18મારી પાસે કહેવાને ઘણી બાબતો છે; મારો આત્મા મને ફરજ પાડે છે.
19જુઓ, હું નવી દ્રાક્ષારસના મશક જેવો છું કે જે હજી ખોલી ન હોય; તેવું મારું મન છે, નવા મશકની જેમ તે ફાટવાની તૈયારીમાં છે.
20હું બોલીશ જેથી મારું મન સ્વસ્થ થાય; હું મારા મુખે જવાબ આપીશ.
21હું પક્ષપાત કરીશ નહિ; અથવા હું કોઈ પણ માણસને ખુશામતનો ખિતાબ આપીશ નહિ.
22કેમ કે મને ખુશામત કરતાં આવડતું નથી; જો હું એમ કરું તો, સર્જનહાર ઈશ્વર મારો જલદી નાશ કરે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.