ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

અયૂબ 19

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું,
2“તમે ક્યાં સુધી મારા જીવને ત્રાસ આપશો? અને શબ્દોથી મને કચડ્યા કરશો?
3આ દસ વખત તમે મને મહેણાં માર્યાં છે; મારી સાથે નિર્દય રીતે વર્તતાં તમને શરમ આવતી નથી.
4જો મેં પાપ કર્યુ પણ હોય, તો તે મારી ભૂલ મારી પાસે રહી.
5જો તમારે મારી વિરુદ્ધ અભિમાન કરવું જ હોય, અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય;
6તો હવે સમજી લો કે ઈશ્વરે મને ઊથલાવી પાડ્યો છે તેમણે મને ફાંસલામાં પકડી લીધો છે.
7જુઓ, અન્યાયને લીધે હું બૂમો પાડું છું પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી; હું મદદને માટે પોકાર કરું છું પણ મને ન્યાય મળતો નથી.
8ઈશ્વરે મારો માર્ગ એવો બંધ કરી દીધો છે કે હું આગળ ચાલી શકતો નથી, તેમણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે.
9તેમણે મારો વૈભવ છીનવી લીધો છે, મારા માથા પરનો મુગટ ઉતારી નાંખ્યો છે.
10તેમણે ચારે બાજુથી મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે; મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડી નાખી છે.
11વળી તેમણે પોતાનો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે; તેઓ મને પોતાના શત્રુ જેવો ગણે છે.
12તેનું આખું સૈન્ય મારી સામે આવે છે; તેઓ મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે. અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે.
13તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે; મારા સ્વજનોમાં હું અજાણ્યા જેવો થઈ ગયો છું.
14સગાં વહાલાંઓએ મને તજી દીધો છે. મારા દિલોજાન મિત્રો પણ મને ભૂલી ગયા છે.
15મારા ઘરમાં રહેનારાઓ તથા મારી દાસીઓ પણ મને પારકા જેવો ગણે છે. તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું.
16હું મારા નોકરને બોલાવું છું પણ તે મને ઉત્તર આપતો નથી જો કે હું મદદ માટે આજીજી કરું છું તોપણ તે જવાબ આપતો નથી.
17મારો શ્વાસ મારી પત્નીને ધિક્કારજનક લાગે છે; મારા સગા ભાઈઓ અને બહેનોમારે આજીજી કરવી પડે છે.
18નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે; જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મારી વિરુદ્ધ બોલે છે.
19મારા ગાઢ મિત્રો જેમને હું પ્રેમ કરતો હતો મારો તિરસ્કાર કરે છે; મારા સૌ પ્રિયજનો મારી વિરુદ્ધ થઈ ગયા છે.
20મારું માંસ તથા ચામડી મારા હાડકાંને ચોંટી ગયા છે. માંડમાંડ મારો જીવ બચ્યો છે.
21હે મારા મિત્રો, મારા પર દયા કરો, કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે.
22શા માટે ઈશ્વરની જેમ તમે મને સતાવો છો; મારા શરીરથી પણ તમને સંતોષ નથી થતો શું?
23અરે, મારા શબ્દો હમણાં જ લખવામાં આવે! અરે, પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું!
24અરે, તે લોખંડની કલમથી તથા સીસાથી, સદાને માટે ખડક પર કોતરવામાં આવે તો તે કેવું સારું!
25હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. અને આખરે તે પૃથ્વી પર ઊભા રહેશે;
26મારા શરીરનો આવી રીતે નાશ થયા પછી પણ, હું મારા ઈશ્વરને જોઈશ.
27તેમને હું પોતાની જાતે જોઈશ; મારી આંખો તેમને જોશે, અજાણ્યાની નહિ મારું હૃદય નિર્બળ થાય છે.
28જો તમે કહો, ‘અમે તેને કેવો સતાવીશું,’ કેમ કે તેનામાં આ બાબતનું મૂળ મળ્યું છે,’
29તો તલવારથી તમે બીહો, કેમ કે કોપ તલવારની શિક્ષા લાવે છે, તેથી તમને ખબર પડશે કે ત્યાં ન્યાય છે.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.