ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યોહાન 9

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો.
2તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, ‘ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જનમ્યો, તે પાપ કોણે કર્યું? તેણે કે તેનાં માતાપિતાએ?’ ”
3ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તેણે કે તેનાં માતાપિતાએ તે પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું.
4જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમના કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જયારે કોઈથી કામ કરી શકાતું નથી.
5જયારે હું દુનિયામાં છું ત્યારે હું માનવજગતનું અજવાળું છું.’ ”
6આ પ્રમાણે બોલીને ઈસુ જમીન પર થૂંક્યાં અને થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તેની આંખો પર લગાડીને
7તેને કહ્યું કે, “તું જઈને આંખોને શિલોઆહ એટલે ‘મોકલેલાના’ હોજમાં ધો.” તે ગયો અને આંખોને ધોઈને દેખતો થઈને ઘરે આવ્યો.
8પછી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે, ‘જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?’ ”
9કેટલાકે કહ્યું, ‘હા તે એ જ છે;’ બીજાઓએ કહ્યું, ‘ના, પણ તે તેના જેવો છે;’ પણ તેણે પોતે કહ્યું, ‘હું તે જ છું.’ ”
10તેઓએ તેને કહ્યું કે, ‘ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી?’ ”
11તેણે ઉત્તર આપ્યો કે, ‘જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ બનાવ્યો અને મારી આંખો પર લગાવીને મને કહ્યું કે, તું શિલોઆહમાં જઈને ધો; તેથી હું ગયો અને આંખો ધોઈને દેખતો થયો.’ ”
12તેઓએ તેને કહ્યું કે, ‘તે ક્યાં છે?’ તેણે કહ્યું, ‘હું જાણતો નથી.’ ”
13જે અગાઉ અંધ હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લાવ્યા.
14હવે જે દિવસે ઈસુએ કાદવ બનાવીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસ વિશ્રામવાર હતો.
15માટે ફરોશીઓએ ફરીથી તેને પૂછ્યું કે, ‘તું શી રીતે દેખતો થયો?’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમણે મારી આંખો પર કાદવ લગાડ્યો અને હું આંખો ધોઈને દેખતો થયો છું.’ ”
16ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી;’ પણ બીજાઓએ કહ્યું કે, ‘પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શી રીતે કરી શકે?’ એમ તેઓમાં બે ભાગલા પડ્યા.
17ત્યારે તેઓએ ફરીથી તે અંધને પૂછ્યું કે, ‘તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?’ ત્યારે તેણે કહ્યું કે, ‘તે પ્રબોધક છે.’ ”
18પણ યહૂદીઓએ તે દેખતા થયેલાનાં માતાપિતાને બોલાવ્યા ત્યાં સુધી તેઓ તેને વિષે માનતા ન હતા કે, તે અંધ હતો અને દેખતો થયો છે.
19તેઓએ તેમને પૂછ્યું કે, ‘શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?’ ”
20તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો કે, ‘તે અમારો દીકરો છે અને જન્મથી અંધ હતો, તે અમે જાણીએ છીએ.
21પણ હમણાં તે કેવી રીતે દેખતો થયો છે, તે અમે જાણતા નથી; અને તેની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતા નથી; તે પુખ્તવયનો છે; તેને પૂછો, તે પોતે કહેશે.’ ”
22તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.
23માટે તેનાં માતાપિતાએ કહ્યું કે, ‘તે પુખ્તવયનો છે, તેને પૂછો.’ ”
24તેથી અગાઉ જે અંધ હતો, તેને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, ‘ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે તે માણસ તો પાપી છે.’ ”
25ત્યારે તેણે ઉત્તર આપ્યો, ‘તે પાપી છે કે નહિ, તે હું જાણતો નથી; પણ એક વાત હું જાણું છું કે, હું અંધ હતો અને હવે હું દેખતો થયો છું.’ ”
26ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?’ ”
27તેણે તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ; તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો?’ ”
28ત્યારે તેઓએ તેની નિંદા કરતાં કહ્યું કે, ‘તું તેમનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ.
29ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, તે અમે જાણીએ છીએ; પણ અમે નથી જાણતા કે, તે માણસ તો ક્યાંનાં છે.’ ”
30તે માણસે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘એ તો અજાયબ જેવું છે કે, તેમણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનાં છે, તે તમે જાણતા નથી.
31આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતાં નથી; પણ જો કોઈ ઈશ્વરને ભજનાર હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તે તેમનું સાંભળે છે.
32સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય.
33જો તે મનુષ્ય ઈશ્વરની પાસેથી આવ્યા ન હોય, તો તે કંઈ કરી શકતા નથી.’ ”
34તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?’ પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો.
35તેઓએ તેને બહાર કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધીને કહ્યું કે, ‘તું શું માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?’ ”
36તેણે ઉત્તર આપ્યો કે, ‘હે પ્રભુ, તે કોણ છે કે, હું તેમના પર વિશ્વાસ કરું?’ ”
37ઈસુએ તેને કહ્યું કે, ‘તેં તેમને જોયા છે અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.’ ”
38તેણે કહ્યું કે, ‘પ્રભુ, હું વિશ્વાસ કરું છું.’ પછી તેણે તેમનું ભજન કર્યું.
39ઈસુએ કહ્યું કે, ‘જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ અંધ થાય, માટે ન્યાયને સારુ હું આ દુનિયામાં આવ્યો છું.’ ”
40જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ તે વાતો સાંભળીને તેમને પૂછ્યું, ‘તો શું અમે પણ અંધ છીએ?’ ”
41ઈસુએ તેઓને કહ્યું કે, “જો તમે અંધ હોત તો તમને પાપ ન લાગત; પણ હવે તમે કહો છો કે, ‘અમે દેખતા છીએ,’ માટે તમારું પાપ કાયમ રહે છે.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.