ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યોહાન 17

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગ તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે.
2કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે.
3અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે.
4જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે.
5હવે, ઓ પિતા, સૃષ્ટિની ઉત્પત્તિ અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તેથી તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.
6માનવજગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે; તેઓ તમારાં હતાં, તેઓને તમે મને આપ્યાં છે; અને તેઓએ તમારાં વચન પાળ્યા છે.
7હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી જ છે.
8કેમ કે જે વાતો તમે મને કહેલી હતી તે મેં તેઓને કહી છે; અને તેઓએ તે સ્વીકારી છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું છે, તમે મને મોકલ્યો છે, એવો વિશ્વાસ તેઓએ કર્યો છે.
9જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું; માનવજગતને સારું હું પ્રાર્થના કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે;
10જે બધા મારાં તે તમારા છે અને જે તમારા તે મારાં છે; હું તેઓમાં મહિમાવાન થયો છું.
11હું લાંબા સમય સુધી દુનિયામાં નથી, પણ તેઓ આ દુનિયામાં છે અને હું તમારી પાસે આવું છું. ઓ પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તેમાં તેઓને પણ આપણા જેવા એક થવા માટે સંભાળી રાખો.
12હું તેઓની સાથે જગતમાં હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્રવચનો પૂરા થાય માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો વિનાશ થયો નહિ.
13હવે હું તમારી પાસે આવું છું; ‘તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,’ માટે હું આ બાબતો દુનિયામાં કહું છું.
14તમારાં વચનો મેં તેઓને આપ્યાં છે; માનવજગતે તેઓનો દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ આ જગતના નથી.
15તમે તેઓને દુનિયામાંથી લઈ લો એવી પ્રાર્થના હું કરતો નથી, પણ તમે તેઓને દુષ્ટથી દૂર રાખો.
16જેમ હું જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી.
17સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.
18જેમ તમે મને દુનિયામાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને દુનિયામાં મોકલ્યા છે.
19તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું.
20વળી હું એકલો તેઓને માટે નહિ, પણ તેઓની વાતથી જેઓ મારા પર વિશ્વાસ કરશે, તેઓને માટે પણ પ્રાર્થના કરું છું કે,
21તેઓ બધા એક થાય. ઓ પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી માનવજગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.
22જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેવા આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય;
23એટલે હું તેઓમાં અને તમે મારામાં થાઓ જેથી તેઓ સંપૂર્ણ રીતે એક કરાય, એ સારું કે માનવજગત સમજે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારા પર પ્રેમ કર્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ કર્યો છે.
24હે પિતા, હું એવું ઇચ્છું છું કે, જ્યાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે, જેથી તેઓ મારો મહિમા જુએ, કે જે તમે મને આપ્યો છે; કેમ કે સૃષ્ટિનો પાયો નંખાયા અગાઉ તમે મારા પર પ્રેમ કર્યો હતો.
25ઓ ન્યાયી પિતા, માનવજગતે તો તમને ઓળખ્યા નથી; પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે;
26મેં તેઓને તમારું નામ જણાવ્યું છે; અને જણાવીશ; એ માટે કે, જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું.’ ”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.