ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યર્મિયા 52

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્નાહના યર્મિયાની દીકરી હતી.
2સિદકિયાએ યહોયાકીમની જેમ જ યહોવાહની દ્રષ્ટિમાં ભૂંડું હતું તે કર્યું.
3યહોવાહના કોપને લીધે યરુશાલેમમાં અને યહૂદિયામાં આ સર્વ ઘટનાઓ બનતી રહી, છેવટે તેમણે તેઓને પોતાના સાન્નિધ્યમાંથી નસાડી મૂક્યા. અને સિદકિયાએ બાબિલના રાજા સામે બંડ કર્યું.
4સિદકિયાના રાજ્યકાળમાં નવમા વર્ષના દસમા મહિનાના દસમાં દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના આખા સૈન્ય સહિત આવીને યરુશાલેમ પર હુમલો કર્યો. તેઓએ તેને ઘેરો ઘાલી અને તેની ચારેતરફ મોરચા બાંધ્યાં.
5સિદકિયા રાજાના શાસનના અગિયારમા વર્ષ સુધી આમ ચાલ્યું.
6ચોથા મહિનાના નવમે દિવસે નગરમાં અન્નની ભારે તંગી વર્તાઈ અને લોકોને માટે ખાવાને બિલકુલ અન્ન નહોતું.
7પછી નગરની દીવાલમાં એક બાકોરું પાડવામાં આવ્યું. અને સઘળા લડવૈયા નાસી ગયા. બે દીવાલો વચ્ચે રાજાની વાડીની પાસે જે ભાગળ હતી તેમાં થઈને રાતોરાત નગરમાંથી નીકળીને નાસી ગયા. તે દરમ્યાન ખાલદીઓએ નગરને ઘેરી લીધું હતું તેમ છતાં તેઓ અરાબાને માર્ગે આગળ વધ્યા.
8પરંતુ ખાલદીઓના સૈન્યએ રાજાનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો. અને તેનું આખું સૈન્ય તેને છોડીને વેરવિખેર થઈ ગયું.
9બાબિલનો રાજા હમાથ રાજ્યના રિબ્લાહ નગરમાં હતો. તેઓ સિદકિયાને ત્યાં લઈ ગયા અને રાજા આગળ રજૂ કર્યો. અને તેણે તેનો ઇનસાફ કર્યો.
10બાબિલના રાજાએ સિદકિયાની નજર આગળ તેના દીકરાઓને મારી નાખ્યા અને યહૂદિયાના બધા સરદારોને પણ રિબ્લાહમાં મારી નાખ્યા.
11ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને બાબિલનો રાજા તેને સાંકળોથી બાંધીને બાબિલ લઈ ગયો. અને તેને આજીવન કેદ કરવામાં આવ્યો.
12હવે પાંચમા મહિનાના દસમા દિવસે એટલે કે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના શાસનના ઓગણીસમા વર્ષમાં રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાનને જે બાબિલના રાજાની તહેનાતમાં રહેતો હતો તે યરુશાલેમમાં આવ્યો.
13તેણે યહોવાહના સભાસ્થાનને, રાજાના મહેલને અને યરુશાલેમના દરેક ઘરને બાળી નાખ્યાં; વળી તેણે દરેક મોટી ઇમારતો બાળી નાખી.
14વળી રક્ષક ટુકડીના સરદાર સાથે ખાલદીઓનું જે સર્વ સૈન્ય હતું તેણે યરુશાલેમની આસપાસની દીવાલોને તોડી પાડી.
15લોકોમાંના કેટલાક ગરીબ માણસોને તથા નગરના બાકી રહી ગયેલા લોકોને જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેઓને અને બાકી રહી ગયેલા કારીગરોને, રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાન બંદીવાસમાં લઈ ગયો.
16પરંતુ રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને મજૂરી કરવા માટે ખેતરો અને દ્રાક્ષનીવાડીઓ આપી.
17યહોવાહના સભાસ્થાનમાંના પિત્તળના સ્તંભો, પાયાઓ, પિત્તળના સમુદ્રને ખાલદીઓએ ભાગીને ટુકડેટુકડા કરી નાખ્યા. અને તેઓનું બધું પિત્તળ બાબિલ લઈ ગયા.
18વળી કુંડાંઓ, પાવડીઓ, દીવાની કાતરો, વાટકા અને જે સર્વ પિત્તળના પાત્રો વડે યાજકો ઘરમાં સેવા કરતા હતા તે સર્વ ખાલદીઓ લઈ ગયા.
19પ્યાલાઓ, ધૂપદાનીઓ, કટોરા, ઘડાઓ, દીવીઓ, તપેલાંઓ, વાટકાઓ એટલે જે સોનાનું બનેલું હતું તે અને જે રૂપાનું બનેલું હતું તે, રક્ષક ટુકડીનો સરદાર લઈ ગયો.
20જે બે સ્તંભો તથા એક સમુદ્ર તથા પાયાની નીચે પિત્તળના બાર બળદ સુલેમાન રાજાએ યહોવાહના મંદિરને સારુ બનાવ્યા હતા તેઓને પણ તેઓ લઈ ગયા.
21દરેક સ્તંભ અઢાર હાથ ઊંચો અને બાર હાથની દોરી જેટલે પરિઘવાળો હતો; તે પોલો હતો અને તેનું પતરું ચાર આંગળ જાડું હતું.
22વળી દરેક પર પિત્તળનો કળશ હતો. દરેક કળશ પાંચ હાથ ઊંચો હતો. તેની ચારે બાજુ જાળીદાર નકશી તથા દાડમો હતાં. તે સર્વ પિત્તળના હતાં. વળી બીજો સ્તંભ તથા તે પરનાં દાડમો પહેલાંના જેવાં જ હતાં.
23ચારેબાજુ છન્નું દાડમ હતાં. અને જાળીદાર નકશી પર ચોતરફ જડેલાં એકંદરે સો દાડમ હતાં.
24રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને મુખ્ય યાજક સરાયાને, તેના મદદનીશ સફાન્યાને અને ત્રણ મુખ્ય રક્ષકોને પકડી લીધા.
25નગરમાંથી તેણે કેદીઓનો અધિકારી જે સૈનિકોનો ઉપરી હતો તેને અને રાજાની હજૂરમાં રહેનારા સાત માણસો લીધા. વળી તેઓને, સેનાપતિનો લહિયો, જે સૈન્યમાં દાખલ થનારની નોંધ રાખતો હતો તેને અને દેશના લોકોમાંના જે સાઠ નામાંકિત માણસો હાથ આવ્યા તેઓને તેણે પકડી લીધા.
26રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન એ બધાને રિબ્લાહમાં બાબિલના રાજા આગળ લઈ ગયો.
27અને હમાથ દેશના રિબ્લાહમાં બાબિલના રાજાએ તેમને મારી નંખાવ્યા. આમ, યહૂદિયાના લોકો પોતાના દેશમાંથી બંદીવાસમાં લઈ જવામાં આવ્યા.
28જે લોકોને નબૂખાદનેસ્સારને બંદીવાસમાં લઈ ગયો તેઓની સંખ્યા નીચે મુજબ હતી; સાતમા વર્ષમાં ત્રણ હજાર ત્રેવીસ યહૂદીઓ.
29અને નબૂખાદનેસ્સારના અઢારમા વર્ષમાં તે યરુશાલેમમાંથી આઠસો બત્રીસ લોકોને કેદ કરીને લઈ ગયો.
30નબૂખાદનેસ્સારના ત્રેવીસમા વર્ષમાં રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન સાતસો પિસ્તાળીસ યહૂદીઓને કેદ કરીને બંદીવાસમાં લઈ ગયો હતો. આમ કુલ ચાર હજાર છસો લોકો હતા.
31યહૂદિયાના રાજા યહોયાખીનના બંદીવાસના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના પચીસમે દિવસે બાબિલના રાજા એવીલ-મેરોદાખે પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં યહૂદિયાના રાજા યહોયાકીમને માફી આપી અને તેને કારાવાસમાંથી મુકત કર્યો.
32તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતાં ઊંચે આસને બેસાડ્યો.
33આથી યહોયાકીમે કારાવાસનાં વસ્ત્રો ઉતારી નાખીને, તેણે આપેલાં નવાં વસ્ત્રો પહેર્યા. અને શેષજીવન રાજાના આશ્રિત તરીકે ગાળ્યું.
34અને તે જીવ્યો ત્યાં સુધી રાજાએ તેના નિર્વાહ માટે કાયમી ભથ્થું બાંધી આપ્યું. જે તેને મૃત્યુ સુધી નિયમિત રીતે આપવામાં આવ્યું.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.