ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યર્મિયા 38

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1આ સર્વ વચનો માત્તાનના દીકરા શફાટયાએ, પાશહૂરના દીકરા ગદાલ્યાએ, શેલેમ્યાના દીકરા યુકાલે અને માલ્કિયાના દીકરા પાશહૂરે સાંભળ્યા. યર્મિયાએ લોકોને કહ્યું કે,
2“યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘જે કોઈ આ નગરમાં રહેશે તે તલવાર, દુકાળ કે મરકીથી મૃત્યુ પામશે, પણ જે કોઈ ખાલદીઓને શરણે જશે તે બચવા પામશે, અને તેનો જીવ લૂંટ તરીકે ગણાશે.
3વળી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; આ નગર બાબિલના રાજાના સૈન્યના હાથમાં જશે, અને તેઓ તેને જીતી લેશે.”
4ત્યારે તે અધિકારીઓએ રાજાને કહ્યું કે, “આ માણસને મારી નાખવો જોઈએ, આવી વાતો કરીને એ આપણા યોદ્ધાઓને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત બનાવી દે છે. તે આ લોકોનું હિત કરવા માગતો નથી પણ વિનાશ કરવા માગે છે.”
5સિદકિયા રાજાએ કહ્યું, જુઓ તે તમારાં હાથમાં છે, કેમ કે રાજા તમારી ઇચ્છાને વિરુદ્ધ કંઈ કરી શકતો નથી.”
6આથી એ લોકોએ યર્મિયાને પકડીને રાજાના દીકરા માલ્ખિયાની ચોકીના ટાંકામાં નાખ્યો, તેઓએ તેને દોરડા વડે નીચે ઉતાર્યો. તે ટાંકામાં પાણી નહોતું, પણ ફક્ત કાદવ હતો અને યર્મિયા કાદવમાં ખૂંપી ગયો.
7હવે રાજાના મહેલમાં એક કૂશ દેશના ખોજા, એબેદ-મેલેખે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ટાંકામાં નાખ્યો છે. અને રાજા બિન્યામીનના દરવાજા આગળ બેઠો છે.
8એવામાં એબેદ-મેલેખે રાજાના મહેલમાંથી નીકળીને રાજાની પાસે આવી તેને કહ્યું કે,
9મારા માલિક, મારા રાજા, આ લોકોએ પ્રબોધક યર્મિયા સાથે જે કર્યુ છે તે ઘણું અનિષ્ટ થયું છે; એ લોકોએ તેને પાણીના ટાંકામાં નાખ્યો છે અને નગરમાં ખોરાક તો છે નહિ એટલે તે કદાચ ભૂખે મરી જશે.”
10આ સાંભળીને રાજાએ કૂશી એબેદ-મેલેખેને આજ્ઞા કરી કે “તું અહીંથી ત્રીસ માણસને તારી સાથે લઈને જા. અને પ્રબોધક યર્મિયા મૃત્યુ પામે તે પહેલાં તેને ટાંકામાંથી બહાર ખેંચી કાઢ.”
11તેથી એબેદ-મેલેખ પોતાની સાથે માણસો લઈને રાજાના મહેલના ભંડારમાં ગયો. અને પોતાની સાથે કેટલાક જૂનાં ફાટેલાં લૂગડાં તથા ચીંથરાં લઈને દોરડા વડે બાંધીને ટાંકામાં યર્મિયાને પહોંચાડ્યાં.
12પછી કૂશી એબેદ-મેલેખે યર્મિયાને કહ્યું; આ જૂના ફાટેલાં વસ્ત્રો તથા સડેલાં ચીથરાં તારી બગલમાં મૂક.” એટલે યર્મિયા એ તેમ કર્યું.
13પછી તેઓએ યર્મિયાને દોરડા વડે ટાંકામાંથી બહાર ખેંચી કાઢયો ત્યાર પછી યર્મિયા ચોકીમાં રહ્યો.
14પછી સિદકિયા રાજાએ પ્રબોધક યર્મિયાને યહોવાહના ઘરમાં ત્રીજા દરવાજે તેડાવી મંગાવ્યો અને તેને કહ્યું, “મારે તને એક વાત પૂછવી છે; “મારાથી કશું છુપાવીશ નહિ.”
15યર્મિયાએ સિદકિયાને કહ્યું, “હું તમને સત્ય હકીકત જણાવીશ તો તમે મને ખરેખર મારી તો નહિ નાખો ને? અને જો હું સલાહ આપું તો પણ તમે મારું સાંભળવાના નથી.”
16ત્યારે સિદકિયા રાજાએ ગુપ્તમાં યર્મિયાને એવું વચન આપ્યું કે, “આપણને જીવન બક્ષનાર સૈન્યોના યહોવાહના સમ ખાઈને કહું છું કે, હું તને મારી નાખીશ નહિ કે તારો જીવ લેવા શોધે છે તેઓના હાથમાં તને સોંપીશ નહિ.”
17એટલે યર્મિયાએ સિદકિયાને કહ્યું, “સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જો તમે બાબિલના રાજાના અધિકારીઓની શરણે જશો, તો તમે જીવતા રહેશો અને આ નગરને અગ્નિથી બાળી નાખવામાં આવશે નહિ.
18પરંતુ જો તમે બાબિલના રાજાના અધિકારીઓનાં શરણે નહિ જાઓ, તો આ નગર ખાલદીઓની હાથમાં સોંપાશે. તેઓનું સૈન્ય આ નગરને આગ લગાડશે અને તમે તેઓના હાથમાંથી બચવા નહિ પામો.”
19એટલે સિદકિયા રાજાએ યર્મિયાને કહ્યું, “પણ જે યહૂદીઓ ખાલદીઓ પાસે જતા રહ્યા છે તેઓની મને બીક લાગે છે. કદાચ મને તેઓનાં હાથમાં સોંપી દેવામાં આવે અને તેઓ મારી મશ્કરી કરે.”
20યર્મિયાએ પ્રત્યુત્તર આપ્યો કે, “તમને તેમના હાથમાં સોંપવામાં નહિ આવે. જો તમે કેવળ યહોવાહને આધીન થશો તો તમારો જીવ બચી જશે અને તમારું હિત થશે.
21પરંતુ જો તમે ત્યાં જવાની ના પાડશો, તો યહોવાહે જે વચન મને જણાવ્યું તે આ છે.
22યહૂદિયાના રાજમહેલમાં જે સ્ત્રીઓ બાકી રહી છે તેઓને બાબિલના રાજાના સરદારો પાસે પકડીને લઈ જવામાં આવશે. તેઓ કહેશે કે, તારા મિત્રોએ તને છેતર્યો છે; તેઓ તારા પર ફાવી ગયા છે. તમારા પગ કાદવમાં ફસાઈ ગયા છે. અને તેઓ તમને છોડીને ભાગી ગયા છે.
23તેઓ તમારી સ્ત્રીઓને અને તમારાં બાળકોને ખાલદીઓ સમક્ષ લઈ જશે. અને તમે પોતે પણ બચવા નહિ પામો; પણ બાબિલના રાજાના હાથમાં પકડાઈ જશો. અને તું આ નગરને બાળી નંખાવીશ.”
24એટલે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “આ વચનો કોઈને કહીશ નહિ જેથી તું મરણ ન પામે.
25જો અધિકારીઓને ખબર પડે કે, મેં તારી સાથે વાત કરી છે અને તેઓ તને આવીને પૂછે કે, અમને કહે કે તેં રાજા સાથે શી વાત કરી છે. અમારાથી તે ગુપ્ત નહિ રાખશે, તો અમે તને મારી નાખીશું નહિ.’
26છતાં તું કેવળ એટલું જ કહેજે કે, રાજા મને યહોનાથાનના ઘરમાં મરવાને પાછો મોકલે નહિ તેવી દીન વિનંતી મેં રાજાને કરી હતી.”
27પછી સર્વ અધિકારીઓએ યર્મિયા પાસે આવીને તેને પૂછ્યું અને જે સર્વ વચનો કહેવાનું રાજાએ તેને ફરમાવ્યું હતું તે પ્રમાણે જ બરાબર તેઓને કહ્યું. તેઓએ તેને પૂછવાનું બંધ કર્યું. કેમ કે તેઓએ રાજા તથા યર્મિયાની વાતચીત સાંભળી નહોતી.
28તેથી યરુશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યાં સુધી યર્મિયા ચોકીમાં રહ્યો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.