ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યર્મિયા 18

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યહોવાહનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ છે કે,
2“તું ઊઠીને કુંભારને ઘરે જા અને ત્યાં હું મારાં વચનો તને કહી સભળાવીશ.”
3પછી હું કુંભારને ઘરે ગયો. અને જુઓ, તે ચાકડા પર કામ કરતો હતો.
4પરંતુ માટીનું જે વાસણ તે ઘડતો હતો તે તેના હાથમાં બગડી ગયું, તેથી તેણે તેને સારું લાગે તેવા ઘાટનું એક બીજું વાસણ બનાવ્યું.
5પછી યહોવાહનું વચન મારી પાસે એવું આવ્યું કે,
6યહોવાહ એમ કહે છે કે, “હે ઇઝરાયલનાં સંતાનો આ કુંભાર જેમ કરે છે તેવું શું હું તમારી સાથે ન કરી શકું?” હે ઇઝરાયલના વંશજો “જુઓ, કુંભારના હાથમાં જેવો ગારો છે તેવા તમે મારા હાથમાં છો.
7જે સમયે હું કોઈ પ્રજા વિષે કે રાજય વિષે તેને ઉખેડી નાખવા, તોડી પાડવા કે નાશ કરવાને કહું,
8તે સમયે જે પ્રજાની વિરુદ્ધ હું બોલ્યો હોઉં તે જો પોતાની દુષ્ટતાથી ફરે તો તેના પર આફત ઉતારવાનું મેં વિચાર્યું હતું તે વિષે હું પસ્તાઈશ.
9વળી જે વખતે હું કોઈ પ્રજાને કે રાજ્યને મજબૂત અને સ્થિર કરવાનું વિચારું.
10પણ પછી તે પ્રજા મારું કહ્યું ન માનીને દુષ્ટતા કરે, તો મેં કહ્યું હતું તે પ્રમાણે તેઓનું હિત કરીશ નહિ.
11તો હવે, યહૂદિયાના લોકોને અને યરુશાલેમના રહેવાસીઓને કહે કે, ‘યહોવાહ કહે છે કે; “જુઓ, હું તમારે માટે આફત લાવવાની તૈયારી કરી રહ્યો છું. અને હું તમારી વિરુદ્ધ યોજના ઘડી રહ્યો છું. માટે તમે દરેક પોતાના દુષ્ટ માર્ગેથી ફરો. અને પોતાનાં આચરણ અને કરણીઓ સુધારો.”
12પણ તેઓ કહે છે કે, ‘હવે કોઈ આશા રહી નથી. તારો સમય વેડફીશ નહિ. તો હવે અમે પોતાની યોજના મુજબ ચાલીશું. અને અમે દરેક પોતપોતાના દુષ્ટ હૃદયના દુરાગ્રહ મુજબ વર્તીશું.’ ”
13તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “બધી પ્રજાઓમાં પૂછો, કોઈએ કદી આવું સાંભળ્યું છે? કે, ઇઝરાયલની કુમારીએ અતિશય ભયંકર કૃત્ય કર્યું છે.
14શું લબાનોન પરનો બરફ ખેતરના ખડકો પર પડતો બંધ થશે? શું પર્વતમાંથી વહેતા ઠંડા પાણીના ઝરાઓ ખૂટી જશે.?
15પણ મારા લોકો મને ભૂલી ગયા છે. તેઓ મૂર્તિઓને નિરર્થક ધૂપ ચઢાવે છે. અને તેઓના માર્ગોમાં ઠોકર ખાધી છે; પગદંડી વગરના ગંદા રસ્તાઓ પર ચાલવા તેઓએ પોતાના પૂર્વજોના માર્ગોનો ત્યાગ કર્યો છે.
16તેઓના દેશના હાલ ભયંકર થશે, લોકો સદા તેનો તિરસ્કાર કરશે. જે કોઈ તેની પાસે થઈને જશે તે તેની દશા જોઈને વિસ્મય પામી માથું ધુણાવશે.
17પૂર્વના પવનની જેમ વિખેરાઇ જતા હોય તેમ હું તેઓને શત્રુઓની આગળ વિખેરી નાખીશ.”
18પછી લોકોએ કહ્યું, “આવો આપણે યર્મિયાની વિરુદ્ધ ઘાટ ઘડીએ, કેમ કે યાજકો પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાની પાસે સલાહ તથા પ્રબોધકો પાસે પ્રબોધ ખૂટવાનો નથી. આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યર્મિયાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઈએ. જેથી તે આપણી વિરુદ્ધ કંઈ પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”
19હે યહોવાહ, મને ધ્યાનથી સાંભળો મારા શત્રુઓની વાણી સાંભળો.
20ભલાઈનો બદલો બૂરાઈથી કરાય? તેમ છતાં, એ લોકોએ મારે માટે ખાડો ખોદ્યો છે. તેઓના લાભમાં ભલું બોલવા માટે તારી સમક્ષ ઊભો રહ્યો તે યાદ કર.
21તે માટે તેઓના સંતાનોને દુકાળથી નાશ પામવા દે. અને તેઓને તલવારથી મરવા દો. તેઓની સ્ત્રીઓ નિ:સંતાન અને વિધવાઓ થાય. તેઓના પુરુષો માર્યા જાય. અને તેઓના જુવાન પુરુષો લડાઈમાં તલવારથી માર્યા જાય.
22જ્યારે તું તેઓ પર અચાનક સૈન્ય લાવીશ. ત્યારે તેઓના ઘરોમાંથી ચીસો સાંભળવામાં આવશે, કેમ કે મને પકડવા માટે તેઓએ ખાડો ખોદ્યો છે. અને મારા પગમાં તેઓએ ફાંસો નાખ્યો છે.
23પણ હે યહોવાહ, મારો જીવ લેવા માટે તેઓનાં તમામ કાવતરાંઓ તમે જાણો છો. તમે તેઓના અન્યાય માફ કરશો નહિ, તમારી દ્રષ્ટિથી તેઓનું પાપ ભૂંસી ન નાખો. પણ તેઓને તમારી નજર સમક્ષ ઠોકર ખાઈને પાડી નાખો. તમે તમારા રોષમાં એમને સજા કરો.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.