ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યર્મિયા 14

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1સુકવણા વિષે યહોવાહનું જે વચન, યર્મિયા પાસે આવ્યું તે આ છે;
2“યહૂદિયા શોક કરે છે, તેનાં નગરોમાં શોક ફેલાયેલો છે. તેઓ ભૂમિ પર ઢળી પડ્યા છે; યરુશાલેમમાંથી મદદ માટે પોકાર ઊઠે છે.
3ધનવાનો પોતાના ચાકરોને પાણી લાવવા મોકલે છે. જ્યારે તેઓ ટાંકા પાસે જાય છે તો તેમાં પાણી હોતું નથી. તેઓ ખાલી ઘડા લઈને પાછા ફરે છે; તેઓ લજવાઈ અને શરમિંદા થઈ પોતાના માથાં ઢાંકે છે.
4ભૂમિમાં તિરાડો પડી છે, વરસાદ વિના ધરતી સુકાઈ ગઈ છે. ખેડૂતો હેબતાઈ ગયા છે. તેઓ પોતાનાં માથાં છુપાવે છે.
5ઘાસની અછતને કારણે હરણી પણ પોતાના નવજાત બચ્ચાંનો ત્યાગ કરે છે.
6જંગલી ગધેડાઓ ઉજ્જડ ટેકરા પર ઊભાં રહીને શિયાળવાની જેમ હવાને માટે હાંફે છે. તેમની આંખે અંધારાં આવે છે. કારણ કે, તેઓને ખાવા માટે ઘાસ નથી.”
7જોકે, અમારાં પાપો અમારી વિમુખ સાક્ષી પૂરે છે, તેમ છતાં, હે યહોવાહ, તમારા નામ ખાતર કામ કરો. અમે અનેકવાર તમારો ત્યાગ કર્યો છે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.
8હે ઇઝરાયલની આશા, સંકટના સમયે તારણહાર, દેશમાં પ્રવાસી જેવા, અથવા રાત્રે મુકામ કરતા મુસાફર જેવા તારે શા માટે થવું જોઈએ?
9મૂંઝવણમાં પડેલા માણસ જેવા, જે પરાક્રમી છતાં બચાવ કરવા નિ:સહાય હોય તેવા તમે કેમ છો? હે યહોવાહ! તમે અહીં અમારી મધ્યે છો અને અમે તમારા નામથી ઓળખાયા છીએ. અમારો ત્યાગ કરશો નહિ.
10હે યહોવાહ આ લોકોને કહો કે; આમ જ તેઓએ ભટકવા ચાહ્યું છે. તેઓ આવું કરવામાં પોતાના પગને કાબૂમાં રાખી શક્યા નહિ.” આથી હું તેઓના પર પ્રસન્ન નથી. હું હમણાં તેઓના અપરાધો અને તેઓનાં પાપોની સજા કરનાર છું.
11ત્યારબાદ યહોવાહે મને કહ્યું, આ લોકના હિતને અર્થે પ્રાર્થના ન કર.
12જ્યારે એ લોકો ઉપવાસ કરશે, ત્યારે હું એમની વિનંતી સાંભળનાર નથી. જ્યારે તેઓ મને દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ ચઢાવે, ત્યારે હું તેઓનો અંગીકાર કરીશ નહિ. પણ હું તલવાર, દુકાળ અને મરકીથી તેઓનો અંત લાવીશ.”
13પણ મેં કહ્યું, “અરે મારા પ્રભુ યહોવાહ! જુઓ! પ્રબોધકો તો તેઓને કહે છે કે, તમે તલવાર જોશો નહિ કે દુકાળ વેઠવો નહિ પડે. કેમ કે આ દેશમાં હું તમને ખરા શાંતિ આપીશ,”
14ત્યારે યહોવાહે મને કહ્યું, “પ્રબોધકો મારે નામે કપટી વાતો બોલે છે. મેં તેમને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા આપી નથી. હું તેઓની સાથે બોલ્યો નથી. તેઓએ ખોટાં સંદર્શનો, નકામી શકુનો અને પોતાના ભ્રામક દીવાસ્વપ્નો તમને પ્રબોધ તરીકે સંભળાવે છે.
15તેથી યહોવાહ કહે છે; “મેં મોકલ્યા નહોતાં છતાં જે જૂઠાં પ્રબોધકો મારા નામે પ્રબોધ કરે છે અને કહે છે કે, તલવાર તથા દુકાળ આ દેશમાં આવશે નહિ; એ પ્રબોધકો તલવારથી અને દુકાળથી નાશ પામશે.
16જે લોકોને તેઓ પ્રબોધ કરે છે, તેઓને તલવાર તથા દુકાળથી યરુશાલેમના મહોલ્લામાં નાખી દેવામાં આવશે. તેઓને તેમની પત્નીઓ, દીકરીઓ અને દીકરાઓને દફનાવવા કોઈ પણ નહિ હોય. કેમ કે હું તેઓ પર તેઓની દુષ્ટતા રેડી દઈશ.
17તેઓને આ પ્રમાણે કહે કે; મારી આંખોમાંથી દિનરાત આંસુઓ વહી જાઓ. અને બંધ ન થાઓ, કેમ કે મારા લોકની દીકરી મોટા ઘાથી અતિ ભારે ઝખમથી ઘાયલ થઈ છે.
18જો હું ખેતરોમાં બહાર જાઉં છું, તો ત્યાં તલવારથી માર્યા ગયેલાઓના મૃતદેહો જોઉં છું. જો હું નગરમાં જાઉં છું, તો જુઓ, ત્યાં દુકાળથી પીડાતા લોકને જોઉં છું. પ્રબોધકો અને યાજકો સુદ્ધાં આમ તેમ ભટક્યા કરે છે. શું કરવું તે તેમને સૂઝતું નથી.’ ”
19શું તમે યહૂદિયાને સંપૂર્ણપણે તજી દીધું છે? શું તમે સિયોનને ધિક્કારો છો? અમને રૂઝ વળે નહિ એવી રીતે તમે અમને શા માટે માર્યા છે? અમે શાંતિની આશા રાખતા હતા. પરંતુ શાંતિ સ્થપાઈ નહિ અને સાજા થવાના સમયની આશા રાખતા હતા પણ તેના બદલામાં ત્રાસ જ જોવા મળ્યો છે.
20હે યહોવાહ, અમે અમારી દુષ્ટતા અને અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; અમે પોતે પણ તમારી વિરુદ્ધ પાપો આચર્યા છે.
21તમારા નામની ખાતર, અમારો ત્યાગ ના કરશો! તમારા મહિમામય સિંહાસનનું અપમાન ન કરશો. અમારી સાથેના તમારા કરારનું સ્મરણ કરો, તેનો ભંગ કરશો નહિ.
22પ્રજાઓની વ્યર્થ વસ્તુઓમાંથી કોઈ પણ વરસાદ લાવી શકે શું? હે યહોવાહ શું તમે અમારા ઈશ્વર નથી? તેને લીધે અમે તમારી આશા રાખીશું. કેમ કે તમે જ આ સર્વ ઉત્પન્ન કર્યું છે.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.