ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યર્મિયા 11

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યહોવાહ તરફથી યર્મિયાની પાસે આ વચન આવ્યું. તે આ છે;
2“આ કરારનાં વચન ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરુશાલેમના રહેવાસીઓને કહી સંભળાવ.
3તેઓને કહે કે, યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; જે માણસ આ કરારનું પાલન કરતો નથી તે શાપિત થાઓ.
4જે દિવસે હું તમારા પિતૃઓને મિસરમાંથી લોખંડની ભઠ્ઠીમાંથી બહાર લઈ આવ્યો, ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે, “મારું વચન સાંભળો અને જે વાત વિષે હું આજ્ઞા આપું છું તે સર્વનું પાલન કરશો તો તમે મારા લોક થશો અને હું તમારો ઈશ્વર થઈશ.”
5મારી આજ્ઞાનું પાલન કરો જેથી દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ જે તમારા પૂર્વજોને આપવાના મેં તેઓની આગળ સમ ખાધા હતા તે હું આપીશ. ત્યારે મેં ઉત્તર આપી અને કહ્યું, ‘હે યહોવાહ આમીન!’ ”
6યહોવાહે મને કહ્યું, ‘યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં આ સર્વ વચન પોકારો. કહો કે, “આ કરારનાં વચન સાંભળો તથા તેઓને પાળો.” તમારા પિતૃઓએ જે જે કરવાનું વચન ઈશ્વરને આપ્યું હતું તે બધું તમે કરો.
7કેમ કે જ્યારે હું તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો, ત્યારથી તે આજ સુધી હું પ્રાત:કાળે ઊઠીને તેઓને ખંતથી ચેતવણી આપતો આવ્યો છું કે, “મારું કહ્યું સાંભળો.”
8પણ તેમણે માન્યું નહિ કે ધ્યાન આપ્યું નહિ. પણ તેઓ પોતાના દુષ્ટ દુરાગ્રહ મુજબ ચાલ્યા. તેથી મેં આ કરાર પાળવાની તેમને આજ્ઞા આપી હતી. પણ તેનું તેઓએ પાલન કર્યું નહિ. તેથી તેઓનાં સર્વ વચન મુજબ હું તેઓના પર વિપત્તિ લાવ્યો.’ ”
9પછી યહોવાહે મને કહ્યું, “યહૂદિયાના અને યરુશાલેમના લોકોમાં મને કાવતરું માલૂમ પડ્યું છે.
10તેઓ પોતાના પિતૃઓના પાપ ભણી પાછા ફર્યા છે, તેઓએ મારું કહ્યું સાંભળવાની ના પાડી હતી. અને અન્ય દેવોની પૂજા કરવા માટે તેઓની પાછળ ગયા છે. ઇઝરાયલ અને યહૂદિયાના વંશજોએ તેઓના પિતૃઓ સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.”
11તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; “જુઓ, હું તેઓ પર વિપત્તિ લાવનાર છું અને તેમાંથી તેઓ બચી શકશે નહિ. તેઓ દયાની યાચના કરશે ત્યારે હું તેઓનું સાંભળીશ નહિ.
12યહૂદિયાનાં નગરોના અને યરુશાલેમના વતનીઓ જઈને જે દેવોની આગળ તેઓ ધૂપ બાળે છે તેઓને મદદ માટે હાંક મારશે. પણ તેઓ તેમની વિપત્તિ વેળાએ તેઓને જરા પણ બચાવશે નહિ.
13હે યહૂદિયા તારાં જેટલાં નગરો છે તેટલાં તમારા દેવો છે. અને તમે ઘૃણાસ્પદ વસ્તુઓને નામે યરુશાલેમના મહોલ્લા જેટલી વેદીઓ બાંધી છે. એટલે બઆલની આગળ ધૂપ બાળવા સારુ વેદીઓ બાંધી છે.
14તેથી તું, હે યર્મિયા, આ લોકો માટે વિનંતી કરીશ નહિ. તેઓના માટે કાલાવાલા કે પ્રાર્થના કરીશ નહિ. કેમ કે જ્યારે તેઓ પોતાના સંકટના સમયે મને હાંક મારશે ત્યારે હું તેઓનું સાંભળવાનો નથી.
15હે મારી પ્રિય પ્રજા, જેણે ઘણાં દુષ્ટ મનસૂબા મારા ઘરમાં કર્યા છે તેનું શું કામ છે? તારી પાસેથી બલિદાન માટે માંસ ગયું છે, કેમ કે તમે ભૂંડું કર્યું છતાં આનંદ કરો છો.
16પાછલા સમયમાં, યહોવાહે ‘તમને લીલું મનોહર, તથા ફળ આપનાર જૈતૂનવૃક્ષ કહીને બોલાવ્યા.’ પણ મોટા અવાજ સાથે તેમણે તેની પર અગ્નિ સળગાવ્યો છે. અને તેની ડાળીઓ ભાંગી નાખી છે.
17ઇઝરાયલના લોકોએ અને યહૂદાના લોકોએ મને રોષ ચઢાવવા માટે બઆલની આગળ ધૂપ બાળીને પોતાના હિતની વિરુદ્ધ દુષ્ટતા કરી છે અને તેથી સૈન્યોના ઈશ્વર યહોવાહ તારા પર વિનાશ લાવ્યા છે.
18યહોવાહે તે વિષે મને જણાવ્યું છે, જેથી હું સમજી શકું ત્યારે તેમણે મને તેઓનાં કામ બતાવ્યાં.
19ગરીબ ઘેટાંને કતલખાને દોરી જવામાં આવે તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી અને માંહોમાંહે કહેતા હતા કે, વૃક્ષો અને તેના ફળ સુદ્ધાં કાપી નાખીએ. અને તેના નામનું સ્મરણ ન રહે માટે તેને સજીવોની ભૂમિમાંથી કાપી નાખીએ. એ મેં જાણ્યું નહિ.
20પણ હે સૈન્યોના ઈશ્વર યહોવાહ અદલ ન્યાયાધીશ અંત:કરણ તથા હૃદયને પારખનાર, તેમની પર તમે વાળેલો બદલો મને જોવા દો કેમ કે તમારી આગળ મેં મારી ફરિયાદ રજૂ કરી છે.
21તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે તને મારી નાખવાનું ષડયંત્ર કરનાર અનાથોથના જે માણસો કહે છે ‘જો તું યહોવાહના નામે પ્રબોધ ન કરે, તો તું અમારે હાથે માર્યો નહિ જાય.’
22તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; જુઓ, હું તેઓને સજા કરીશ. તેઓના યુવાનો તલવારથી મરશે અને તેઓનાં દીકરાદીકરીઓ દુકાળમાં મરશે.
23પરંતુ તેઓમાં કોઈ પણ બાકી રહેશે નહિ. કેમ કે હું અનાથોથના માણસો પર આફત લાવીશ. એટલે તેઓ પર શિક્ષાનું વર્ષ લાવીશ.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.