ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યર્મિયા 1

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1હિલ્કિયાનો દીકરો યર્મિયા, જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો, તેના આ વચન;
2યહૂદિયાના રાજા આમોનના દીકરા યોશિયાના શાસનકાળના સમયમાં એટલે તેની કારકિર્દીને તેરમે વર્ષે યહોવાહનું વચન તેની પાસે આવ્યું,
3યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન, તેમ જ તે પછી યહૂદિયાના રાજા યોશિયાના દીકરા સિદકિયાના અગિયારમા વર્ષના અંત સુધી, એટલે તે વર્ષના પાંચમા મહિનામાં યરુશાલેમનો બંદીવાસ થતાં સુધી તે વચન આવ્યું.
4યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે;
5“ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલાં, મેં તને પસંદ કર્યો હતો; અને ગર્ભસ્થાનમાંથી બહાર આવતા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને સારુ મેં તને પ્રબોધક થવા માટે નીમ્યો છે.”
6“મેં કહ્યું, હે પ્રભુ યહોવાહ!” “મને તો બોલતાં આવડતું નથી, કેમ કે હું તો હજી બાળક છું!”
7પરંતુ યહોવાહે મને કહ્યું કે, “હું હજી બાળક છું, એમ કહીશ નહિ’ તને જે સર્વ લોકો પાસે મોકલું ત્યાં તું જા. અને જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહેજે.
8તે લોકોથી બીશ નહિ, કેમ કે તેઓથી તારો છુટકારો કરવા હું તારી સાથે છું. એવું યહોવાહ કહે છે.”
9પછી યહોવાહે પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કર્યો. અને તેમણે મને કહ્યું, “જો, મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!
10ઉખેડી નાખવા તથા પાડી નાખવા, વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમ જ બાંધવા તથા રોપવા સારુ, મેં આજે તને પ્રજાઓ અને રાજ્યો પર નીમ્યો છે.”
11પછી યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું; “હે યર્મિયા તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું બદામડીનો ફણગો જોઉં છું.”
12ત્યારે યહોવાહે મને કહ્યું, “તેં બરાબર જોયું છે, કેમ કે મારું વચન પૂર્ણ કરવા સંબંધી હું જાગૃત છું.”
13બીજીવાર યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું એક ઊકળતું હાંડલું જોઉં છું, તેનું મુખ ઉત્તર તરફ વળેલું છે.”
14યહોવાહે મને કહ્યું કે, “ઉત્તરમાંથી દેશના રહેવાસીઓ પર આફત ઊતરશે.
15કેમ કે યહોવાહ કહે છે, જો, હું ઉત્તરનાં સર્વ કુળોને બોલાવીશ તેઓ આવશે, પછી યરુશાલેમની ભાગળો પાસે તથા આસપાસ તેના સર્વ કોટની સામે, તેમ જ યહૂદિયાનાં બધાં નગરોની સામે તેઓ પોતપોતાનું સિંહાસન ઊભું કરશે.
16જેઓએ મને છોડીને બીજા દેવોની આગળ ધૂપ બાળ્યો છે તથા પોતે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે. તેઓની સર્વ દુષ્ટતાને લીધે હું તેઓની વિરુદ્ધ મારાં ન્યાયશાસન પ્રગટ કરીશ.
17તેથી તું તારી કમર બાંધીને ઊઠ. અને જે કંઈ હું તને ફરમાવુ તે તું તેઓને કહે. તેઓથી તું ગભરાઈશ નહિ, રખેને હું તને તેઓની આગળ ભયગ્રસ્ત કરું.
18અને જો, આખા દેશની સામે, યહૂદિયાના રાજાઓની સામે, તેના અધિકારીઓની સામે, તેના યાજકોની સામે તથા દેશના સર્વ રહેવાસીઓની સામે મેં આજે તને કિલ્લેબંધ નગર, લોખંડી સ્તંભ અને પિત્તળના કોટ જેવો કર્યો છે.
19તેઓ તારી સામે યુદ્ધ કરશે, પણ તને હરાવી શકશે નહિ, કેમ કે હું તારે પડખે રહી તારો બચાવ કરીશ.” એવું યહોવાહ કહે છે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.