ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ન્યાયાધીશો 9

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યરુબાલનો દીકરો અબીમેલેખ શખેમમાં પોતાની માતાના સંબંધીઓ પાસે ગયો અને તેણે પોતાના મોસાળના આખા કુટુંબનાં લોકોને કહ્યું,
2“કૃપા કરીને શખેમના સર્વ આગેવાનો સાંભળે તે રીતે કહો ‘યરુબાલના સર્વ સિત્તેર દીકરા, તમારા પર રાજ કરે અથવા એક જણ તમારા પર રાજ કરે, એ બેમાંથી તમારે માટે વધારે સારું શું છે? યાદ રાખો કે હું તમારાં હાડકાંનો તથા તમારાં માંસનો છું.”
3તેના મામાઓએ શખેમના સર્વ આગેવાનોને એ વાતો કહી અને તેઓ અબીમેલેખનું પાલન કરવાને સંમત થયા, માટે તેઓએ કહ્યું કે, “તે આપણો ભાણેજ છે.”
4તેઓએ બઆલ-બરીથના મંદિરમાંથી તેને ચાંદીના સિત્તેર રૂપિયા આપ્યાં અને અબીમેલેખે તે વડે પોતાની સરદારી નીચે રહેવા સારુ હલકા અને અધમ માણસો, જેઓ તેની પાછળ ગયા તેઓને રાખ્યા.
5ઓફ્રામાં તે પોતાના પિતાના ઘરે ગયો અને એક પથ્થર પર પોતાના સિત્તેર ભાઈઓને મારી નાખ્યા હતા, પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો હતો, કેમ કે તે સંતાઈ ગયો હતો.
6શખેમના તથા બેથ-મિલ્લોના સર્વ આગેવાનો સાથે આવ્યા અને તેઓએ જઈને અબીમેલેખને, શખેમમાં જે સ્તંભ હતો તેની પાસેના એલોન વૃક્ષ આગળ રાજા બનાવ્યો.
7જયારે યોથામને આ કહેવામાં આવ્યું, ત્યારે તે જઈને ગરીઝીમ પર્વતના શિખર પર ઊભો રહ્યો. તેણે ઊંચા અવાજે તેઓને પોકારીને કહ્યું, “ઓ શખેમના આગેવાનો, મારું સાંભળો, કે જેથી ઈશ્વર તમારું સાંભળે.
8એકવાર અંજીરના વૃક્ષો એક રાજાને અભિષેક વડે તેઓના પોતાના પર નીમવાને ગયાં. અને તેઓએ જૈતૂનવૃક્ષને કહ્યું, ‘અમારા પર રાજ કર.’ ”
9પણ જૈતૂનવૃક્ષે તેઓને કહ્યું, ‘હું તો ઈશ્વરના અને માણસના સન્માનને માટે વપરાઉં છું, તે પડતું મૂકીને હું શા માટે અન્ય વૃક્ષો પર પ્રભાવ પાડવા જાઉં?’
10પછી વૃક્ષોએ અંજીરીને કહ્યું, ‘આવીને અમારા પર રાજ કર.’
11પણ અંજીરીના વૃક્ષે તેઓને કહ્યું, ‘મારી મીઠાશ તથા મારાં સારાં ફળ મૂકી દેવા જોઈએ, જેથી બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે હું શા માટે આવું?’ ”
12વૃક્ષોએ દ્રાક્ષવેલાને કહ્યું, ‘આવીને અમારા પર રાજ કર.’
13દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, ‘શું મારે મારો નવો દ્રાક્ષારસ જે ઈશ્વરને તથા માણસને આનંદિત કરે છે તે મૂકીને, બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે શા માટે જવું જોઈએ?’
14પછી સર્વ વૃક્ષોએ ઝાંખરાંને કહ્યું, ‘આવીને અમારા પર રાજ કર.’ ”
15ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, ‘જો તમારે ખરેખર તમારા પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય, તો આવો અને મારી છાયા પર ભરોસો રાખો. જો એમ નહિ, તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનનાં દેવદાર વૃક્ષોને બાળી નાખો.’
16તેથી હવે, જયારે તમે અબીમેલેખને રાજા બનાવ્યો, ત્યારે તમે જો સત્યતાથી તથા પ્રામાણિકપણે વર્ત્યા હોય અને જો તમે યરુબાલ તથા તેના ઘરનાંની સાથે સારી રીતે વર્ત્યા હોય, જો જેવો તે યોગ્ય હોય તેવી જ તમે તેને સજા કરી હોય.
17અને તમે વિચારો છો કે મારા પિતાએ તમારે સારુ લડાઈ કરી છે, પોતાનો જીવ જોખમમાં નાખીને તમને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ્યાં.
18પણ આજે તમે મારા પિતાના ઘરની વિરુદ્ધ ઊભા થયા છો અને તેના સિત્તેર પુત્રોને એક પથ્થર પર મારી નાખ્યા છે. અને તમે તેની દાસીના પુત્ર અબીમેલેખને શખેમનાં આગેવાનો પર રાજા બનાવ્યો, કેમ કે તે તમારો સંબંધી છે.
19ત્યારે જો તમે યરુબાલની તથા તેના ઘરનાંની સાથે પ્રામાણિકતાથી તથા સત્યનિષ્ઠતાથી વર્ત્યા હોય, તો તમે અબીમેલેખમાં આનંદ કરો અને તેને પણ તમારામાં આનંદ કરવા દો.
20પણ જો તેમ નહિ, તો અબીમેલેખમાંથી અગ્નિ નીકળો અને શખેમના માણસોને તથા મિલ્લોના ઘરનાઓને બાળી નાખો. અને શખેમના માણસોમાંથી તથા બેથ-મિલ્લોમાંથી અગ્નિ નીકળો અને અબીમેલેખને બાળી નાખો.”
21યોથામ ભાગીને દૂર ચાલ્યો ગયો અને બેરમાં જઈને તે ત્યાં રહ્યો. કેમ કે તે તેના ભાઈ, અબીમેલેખથી ઘણું દૂર હતું.
22અબીમેલેખે ઇઝરાયલ પર ત્રણ વર્ષ રાજ કર્યું.
23ઈશ્વરે અબીમેલેખ તથા શખેમના આગેવાનો વચ્ચે દુષ્ટ આત્મા મોકલ્યો. શખેમના આગેવાનોએ અબીમેલેખનો વિશ્વાસઘાત કર્યો.
24ઈશ્વરે આ કર્યું જેથી યરુબાલના સિત્તેર દીકરા પર જે જુલમ ગુજારાયો હતો તેનો બદલો લેવાય અને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અબીમેલેખ પર મૂકાય; આમાં શખેમના માણસો પણ જવાબદાર હતા કેમ કે તેઓએ તેને તેના ભાઈઓનું ખૂન કરવામાં મદદ કરી હતી.
25જેથી શખેમના આગેવાનોએ પર્વતના શિખર પર લાગ તાકીને તેના પર છાપો મારનારાઓને બેસાડ્યા અને જે સર્વ તેઓની પાસે થઈને તે માર્ગે જતા હતા તે સર્વને તેઓ લૂંટી લેતાં હતા. આ બાબત અબીમેલેખને જણાવવાંમાં આવી.
26એબેદનો દીકરો ગાઆલ પોતાના સંબંધીઓની સાથે આવ્યો અને તેઓ શખેમમાં ગયા. શખેમના આગેવાનોને તેના પર વિશ્વાસ હતો.
27તેઓ ખેતરમાં ગયા અને પોતાની દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષો ભેગી કરીને તેને નિચોવીને મિજબાની કરી. તેઓએ પોતાના દેવના મંદિરમાં પર્વનું આયોજન કર્યું, જ્યાં તેઓએ ખાઈ પીને અબીમેલેખને શાપ આપ્યો.
28એબેદના દીકરા ગાઆલે કહ્યું, “અબીમેલેખ કોણ છે અને શખેમ કોણ છે, કે અમે તેની સેવા કરીએ? શું તે યરુબાલનો દીકરો નથી? અને શું ઝબુલ તેનો અધિકારી નથી? તમે ભલે શખેમના પિતા, હમોરના લોકોની સેવા કરો! શા માટે અમે તેની સેવા કરીએ?
29હું ઇચ્છા રાખું છું કે આ લોકો મારી આજ્ઞા પ્રમાણે કરે! તો હું અબીમેલેખને દૂર કરીશ. હું અબીમેલેખને કહીશ અને મોકલીશ, ‘તારા સૈન્યને બહાર બોલાવી લાવ.’ ”
30જયારે નગરના અધિકારી ઝબુલે, એબેદના દીકરા ગાઆલનાં શબ્દો સાંભળ્યાં, ત્યારે તે ક્રોધે ભરાયો.
31તેણે અબીમેલેખને છેતરવા સંદેશવાહકોને મોકલીને કહેવડાવ્યું, “જો, એબેદનો દીકરો ગાઆલ અને તેના સંબંધીઓ શખેમમાં આવે છે અને તેઓ નગરને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે.
32હવે રાત્રે તું તથા તારી સાથેના સૈનિકો ઊઠો અને મેદાનમાં છાપા મારવાની તૈયારી કરો.
33પછી સવારમાં સૂર્ય ઊગે તે પહેલાં, તું વહેલો ઊઠીને નગર પર હુમલો કર. અને જયારે તે તથા તેની સાથેના લોક તારી વિરુદ્ધ ચઢાઈ કરે, ત્યારે તું જે કરી શકે તે તેમને કરજે.”
34તેથી અબીમેલેખ તથા તેની સાથેના સર્વ માણસો ઊઠ્યા અને તેઓ શખેમ વિરુદ્ધ તેમની ચાર ટુકડીઓ બનાવીને સંતાઈ રહ્યા.
35એબેદના દીકરો ગાઆલ બહાર જઈને નગરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો. અબીમેલેખ અને તેની સાથેના લોક તેમની સંતાવાની જગ્યાએથી બહાર આવ્યા.
36જયારે ગાઆલે તે માણસોને જોયા, ત્યારે તેણે ઝબુલને કહ્યું, “જો, પર્વતના શિખર ઉપરથી માણસો ઊતરી આવે છે!” ઝબુલે તેને કહ્યું, “તને પર્વતોના ઓળા માણસો જેવા દેખાય છે.”
37ગાઆલે ફરી તેને કહ્યું, “જો, માણસો દેશની મધ્યમાં થઈને નીચે ઊતરી આવે છે અને બીજું એક ટોળું એલોન વૃક્ષને માર્ગે થઈને આવે છે.”
38ત્યારે ઝબુલે તેને કહ્યું, “હવે તારા અભિમાની શબ્દો ક્યાં ગયા, તેં હમણાં જે કહ્યું હતું, “અબીમેલેખ કોણ છે કે અમે તેની સેવા કરીએ?’ જે લોકોને તેં ધિક્કાર્યા છે તે શું એ નથી? હવે બહાર જઈને તેઓની વિરુદ્ધ લડાઈ કર.”
39ગાઆલ બહાર જઈને શખેમના માણસોની આગેવાની કરી અને અબીમેલેખની સાથે લડાઈ કરી.
40અબીમેલેખે તેને નસાડ્યો અને ગાઆલ તેની આગળથી નાસી ગયો. નગરના દરવાજાના પ્રવેશદ્વાર પાસે ઘણાં માણસો ઘાયલ થઈને પડ્યા.
41અબીમેલેખ અરુમામાં રહ્યો. ઝબુલે ગાઆલ તથા તેના સંબંધીઓને શખેમમાંથી બહાર કાઢી મૂક્યા.
42બીજે દિવસે શખેમના લોકો મેદાનમાં ગયા અને અબીમેલેખને તેઓએ આ સમાચાર કહ્યા.
43તે તેના લોકોને લઈને, તેઓને ત્રણ ટોળકીઓમાં વહેંચીને મેદાનમાં સંતાઈ રહ્યો. તેણે જોયું કે, લોકો નગરમાંથી બહાર આવી રહ્યા હતા અને તેણે તેઓ પર હુમલો કરીને તેઓને મારી નાખ્યા.
44અબીમેલેખ તથા તેની સાથેની ટોળીઓએ આગળ ધસીને નગરના દરવાજાના પ્રવેશદ્વારને બંધ કરી દીધો. બીજી બે ટોળીઓએ જે લોકો મેદાનમાં હતા તે સર્વ ઊપર હુમલો કરીને તેઓને મારી નાખ્યા.
45અબીમેલેખે આખો દિવસ નગરની સામે લડાઈ કરી. તેણે નગરને કબજે કર્યું અને તેમાં જે લોકો હતા તેઓને મારી નાખ્યા. તેણે નગર તોડી પાડ્યું અને તેમાં મીઠું વેર્યું.
46જયારે શખેમના કિલ્લાના સર્વ આગેવાનોએ સાંભળ્યું, ત્યારે તેઓ એલ-બરીથના ઘરના ભોંયરામાં પ્રવેશ્યા.
47અબીમેલેખને ખબર મળી કે શખેમના કિલ્લાના સર્વ આગેવાનો એકત્ર થયા છે.
48અબીમેલેખ તથા તેની સાથેના સર્વ લોકો સાલ્મોન પર્વત પર ગયા. અબીમેલેખે પોતાના હાથમાં એક કુહાડી લઈને વૃક્ષની ડાળીઓ કાપી. તેણે પોતાના ખભા પર મૂકીને તેની સાથેના લોકોને હુકમ કર્યો, “તમે મને જે કરતાં જોયો છે તે પ્રમાણે તમે પણ જલ્દીથી કરો.”
49તેથી સર્વ લોકો પણ ડાળીઓ કાપીને અબીમેલેખની પાછળ ચાલ્યા. અને તે ડાળીઓ કિલ્લાને લગાડીને તે વડે કિલ્લાને સળગાવી દીધો અને તેથી શખેમના કિલ્લાનાં સર્વ માણસો આશરે હજારેક પુરુષ તથા સ્ત્રીઓ મરણ પામ્યાં.
50પછી અબીમેલેખ તેબેસ ગયો અને તેબેસની સામે છાવણી નાખીને તે કબજે કર્યું.
51પણ તે નગરમાં એક મજબૂત કિલ્લો હતો અને તેમાં નગરનાં સર્વ પુરુષ, સ્ત્રીઓ તથા નગરના સઘળા આગેવાનો નાસી ગયા અને અંદરથી કિલ્લાનું બારણું બંધ કર્યું. પછી તેઓ કિલ્લાની છત પર ચઢી ગયા.
52અબીમેલેખે કિલ્લા આગળ આવીને તેની સામે લડાઈ કરી અને આગ લગાડવા માટે કિલ્લાના બારણાની નજીક આવ્યો.
53પણ એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખના માથા પર ફેંકીને તેની ખોપરી ફોડી નાખી.
54પછી તેણે તરત એક જુવાનને બોલાવીને એટલે જે તેનો શસ્ત્રવાહક હતો તેને કહ્યું, “તારી તલવાર કાઢીને મને મારી નાખ, કે કોઈ મારા વિષે એમ ન કહે, ‘એક સ્ત્રીએ મને મારી નાખ્યો.’ તેથી તે જુવાને તેને તલવારથી મારી નાખ્યો અને તે મરણ પામ્યો.
55જયારે ઇઝરાયલના માણસોએ જોયું કે અબીમેલેખ મરણ પામ્યો છે, ત્યારે તેઓ પોતાના ઘરે પાછા ગયા.
56અને આમ ઈશ્વરે અબીમેલેખના દુરાચાર પ્રમાણે તેને બદલો આપ્યો, તેણે પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરેલી હતી.
57શખેમના લોકોની બધી દુષ્ટતાનો બદલો ઈશ્વરે તેઓને આપ્યો અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓ પર આવ્યો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.