ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ન્યાયાધીશો 5

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1તે દિવસે દબોરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે આ ગીત ગાયું:
2“જયારે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની આપી, ત્યારે લોકો યુદ્ધ માટે રાજીખુશીથી સમર્પિત થયા, અમે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ!
3‘રાજાઓ, તમે સાંભળો! ઓ આગેવાનો, ધ્યાન આપો! હું ઈશ્વર માટે ગાઈશ; હું ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
4ઈશ્વર, જયારે તમે સેઈરમાંથી આવ્યા, જયારે તમારી સવારી અદોમમાંથી નીકળી, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી અને વાદળોમાંથી પાણી પણ પડ્યું.
5ઈશ્વરની આગળ પર્વતો કાંપવા લાગ્યા; સિનાઈનો પર્વત પણ ઈશ્વરની આગળ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરથી કાંપવા લાગ્યો.
6અનાથના દીકરા શામ્ગારના દિવસોમાં, યાએલના દિવસોમાં, રાજમાર્ગો સૂના પડ્યા હતા અને વટેમાર્ગુઓ ગલીકૂંચીને માર્ગે ચાલતા હતા.
7ઇઝરાયલનાં ગામો ઉજ્જડ થયાં, તે નિર્જન થયાં, જ્યાં સુધી કે હું દબોરા ઊઠી, હું ઇઝરાયલમાં માતા જેવી ઊભી થઈ, ત્યાં સુધી.
8તેઓએ નવા દેવોને પસંદ કર્યા અને ત્યાં શહેરના રસ્તાઓમાં લડાઈ થતી હતી; ઇઝરાયલમાં ચાળીસ હજાર મધ્યે ન તો ઢાલ કે ભાલો જોવા મળતો હતો.
9મારું હૃદય ઇઝરાયલના અધિકારીઓ માટે છે, રાજીખુશીથી લોકો સમર્પિત થયા. તેઓને માટે ઈશ્વરને સ્તુત્ય માનો!
10તમે જેઓ ઊજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગાદલાઓ પર બેસનારા તથા માર્ગોમાં પગે ચાલનારાં, તમે તેનાં ગુણગાન ગાઓ.
11તીરંદાજોના અવાજથી દૂર, પાણી ભરવાની જગ્યાઓમાં, ત્યાં તેઓ ફરીથી ઈશ્વરના ન્યાયકૃત્યો અને ઇઝરાયલમાં તેમના રાજ્યનાં ન્યાયકૃત્યો, પ્રગટ કરશે. “ત્યારે ઈશ્વરના લોકો શહેરના ભાગળો પાસે આવ્યા.
12જાગ, જાગ, હે દબોરા; જાગ, જાગ, ગીત ગા! હે બારાક, તું ઊઠ અને હે અબીનોઆમના દીકરા, તને ગુલામ બનાવનારાઓને તું ગુલામ કરી લઈ જા.
13પછી અમીરોમાંથી તથા લોકોમાંથી બચેલા આવ્યા; ઈશ્વર મારે માટે પરાક્રમીઓની વિરુદ્ધ ઊતરી આવ્યા.
14તેઓ એફ્રાઇમમાંથી ઊતરી આવ્યા; જેઓની જડ અમાલેકમાં છે; તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન આવ્યો; માખીરમાંથી અધિકારીઓ અને ઝબુલોનમાંથી અમલદારની છડી ધારણ કરનાર ઊતરી આવ્યા.
15અને ઇસ્સાખારના સરદારો દબોરાની સાથે હતા; ઇસ્સાખાર હતો તેવો જ બારાક પણ હતો; તેની આજ્ઞાથી તેના પગ પાછળ તેઓ ખીણમાં ઘસી ગયા. રુબેનની ખીણ પાસે તેઓએ લાંબી મસલત કરી.
16ટોળાંને બોલાવવાના વાંસળીના નાદ સાંભળવાને તું શા માટે ઘેટાંના વાડામાં બેઠો? રુબેનની ખીણ પાસે લાંબી વિચારણા થઈ.
17ગિલ્યાદ યર્દનને પેલે પાર રહ્યો; અને દાન કેમ તે વહાણોમાં રહ્યો? આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો અને પોતાની ખાડીઓની પાસે રહ્યો.
18ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનનાં ઉચ્ચસ્થાનોમાં, પોતાના જીવોને મોત સુધી જોખમમાં નાખ્યા.
19રાજાઓ આવીને લડ્યા, ત્યારે મગિદ્દોનાં પાણીની પાસેના તાનાખમાં, કનાનના રાજાઓએ યુદ્ધ કર્યું; તેઓએ ધનનો કંઈ લાભ લીધો નહિ.
20આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું, તારાઓએ પોતાની કક્ષામાં સીસરાની સામે યુદ્ધ કર્યું.
21કીશોન નદી તેઓને ઘસડી લઈ ગઈ, એટલે પેલી પ્રાચીન નદી, કીશોન નદી. રે મારા જીવ, તું પરાક્રમી થા અને આગળ ચાલ!
22ત્યારે કૂદવાથી, એટલે બળવાન ઘોડાઓનાં કૂદવાથી તેઓની ખરીઓના ધબકારા વાગ્યા.
23ઈશ્વરના દૂતે કહ્યું, ‘મેરોઝને શાપ દો!’ ‘તેના રહેવાસીઓને સખત શાપ દો; કેમ કે તેઓ ઈશ્વરની મદદે, એટલે બળવાનની વિરુદ્ધ ઈશ્વરની મદદે આવ્યા નહિ.’
24હેબેર કેનીની પત્ની યાએલ અન્ય સ્ત્રીઓ કરતાં વધારે આશીર્વાદિત છે; તે તંબુમાંની સ્ત્રીઓ કરતાં તે વિશેષ આશીર્વાદિત છે.
25તે માણસે પાણી માગ્યું, ત્યારે યાએલે તેને દૂધ આપ્યું; બહુ મૂલ્યવાન થાળીમાં તેને માટે તે માખણ લાવી.
26તેણે પોતાના હાથમાં મેખ લીધી અને પોતાના જમણાં હાથમાં મજૂરની હથોડી લીધી; અને તે હથોડીથી તેણીએ સીસરાને માર્યો; તેણે તેનું માથું કચડી નાખ્યું, તેણે તેનું માથું વીંધ્યું અને તેની આરપાર ખીલો ઘુસાડી દીધો.
27તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો, તે ત્યાં સૂતો; તેના ચરણ આગળ તે નમ્યો, તે જ્યાં નમ્યો, ત્યાં તે મારી નંખાયો.
28સીસરાની માતાએ બારીમાંથી જોયું, જાળીમાંથી દુઃખી થઈને પોક મૂકીને કહ્યું, ‘તેના રથને આવતાં આટલી બધી વાર કેમ લાગી? તેના રથોનાં પૈડાં કેમ વિલંબ કરે છે?’
29તેની શાણી સખીઓએ તેને ઉત્તર આપ્યો, હા, તેણે પોતે પણ પોતાને ઉત્તર આપીને કહ્યું,
30‘શું તેઓને લૂંટ તો મળી નહિ હોય? શું, તેઓએ તે વહેંચી તો લીધી નહિ હોય? પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક કે બે કુંમારિકા મળી હશે; શું, સીસરાને રંગબેરંગી વસ્ત્રનો હિસ્સો તથા રંગબેરંગી ભરતકામનો હિસ્સો, એટલે મારા ગળાની બન્ને બાજુએ રંગબેરંગી ભરત ભરેલો વસ્ત્રનો હિસ્સો મળ્યો હશે?’
31હે ઈશ્વર, તમારા સર્વ વૈરીઓ એ જ રીતે નાશ પામે, પણ જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ પ્રકાશથી ઊગે છે તેના જેવા થાઓ. ત્યારે ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.