ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ન્યાયાધીશો 11

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1ગિલ્યાદી યિફતા બળવાન લડવૈયો હતો, પણ તે જાતીય કાર્યકરનો દીકરો હતો. ગિલ્યાદ તેનો પિતા હતો.
2ગિલ્યાદની પત્નીએ પણ દીકરાઓને જન્મ આપ્યો હતો. જયારે તે દીકરાઓ મોટા થયા, ત્યારે તેઓએ યિફતાને ઘર છોડી દેવા બળજબરી કરી અને તેને કહ્યું, “અમારા ઘરમાંથી તને કોઈપણ પ્રકારનો વારસો મળશે નહિ. કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે.”
3તેથી યિફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોબ દેશમાં રહ્યો. ત્યાં કેટલાક રખડું લોકો યિફતાની સાથે જોડાયાં, તેઓ તેની સાથે બહાર જતા.
4કેટલાક દિવસો પછી, આમ્મોનીઓના લોકોએ ઇઝરાયલની વિરુદ્ધ યુદ્ધ કર્યું.
5જયારે આમ્મોની લોકો ઇઝરાયલની સાથે યુદ્ધ કરતા હતા, ત્યારે ગિલ્યાદના વડીલો યિફતાને ટોબ દેશમાંથી તેડી લાવવા સારુ ગયા.
6તેઓએ યિફતાને કહ્યું કે, “તું આવીને અમારો આગેવાન થા જેથી અમે આમ્મોનીઓની સામે લડીએ.”
7યિફતાએ ગિલ્યાદના આગેવાનોને કહ્યું કે, “તમે શું મને ધિક્કાર્યો નહોતો? અને મારા પિતાના ઘરમાંથી મને કાઢી મૂક્યો ન હતો? હવે જયારે તમે સંકટમાં આવી પડ્યા છો ત્યારે મારી પાસે કેમ આવ્યા છો?”
8ગિલ્યાદના વડીલોએ યિફતાને કહ્યું, “અમે એટલા માટે તારી પાસે પાછા આવ્યા છીએ; કે તું અમારી સાથે આવે અને આમ્મોનીઓ સાથે લડાઈ કરે અને તું ગિલ્યાદમાં રહેનારા સર્વનો આગેવાન થાય.”
9યિફતાએ ગિલ્યાદના વડીલોને કહ્યું, “જો આમ્મોનના સૈનિકો સામે લડવાને તમે ફરી મને સ્વદેશ તેડી જાઓ અને જો મારા હાથથી ઈશ્વર તેઓ પર વિજય અપાવે તો શું હું તમારો આગેવાન થાઉં.”
10ગિલ્યાદના વડીલોએ યિફતાને કહ્યું, “ઈશ્વર આપણી વચમાં સાક્ષી થાઓ! નિશ્ચે અમે તારા કહ્યા પ્રમાણે કરીશું.”
11તેથી યિફતા ગિલ્યાદના વડીલોની સાથે ગયો અને લોકોએ તેને પોતાનો આગેવાન તથા સેનાપતિ બનાવ્યો. અને યિફતાએ મિસ્પામાં ઈશ્વરની આગળ પોતાની સર્વ બાબતો કહી જણાવી.
12પછી યિફતાએ આમ્મોનીઓના લોકોના રાજાની પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “આપણી વચ્ચે કઈ બાબતની લડાઈ છે? તું શા માટે અમારા દેશની વિરુદ્ધ લડવા માટે આવ્યો છે?”
13આમ્મોનીઓના રાજાએ યિફતાના સંદેશવાહકોને ઉત્તર આપ્યો, “જયારે ઇઝરાયલીઓ મિસરમાંથી બહાર નીકળી આવ્યા ત્યારે આર્નોનથી યાબ્બોક તથા યર્દન સુધી તેઓએ અમારો દેશ લઈ લીધો હતો; માટે હવે શાંતિથી તે અમને પાછો આપ.
14યિફતાએ આમ્મોનીઓના રાજા પાસે ફરી સંદેશવાહકો મોકલ્યા,
15તેણે તેને કહેવડાવ્યું, “યિફતા એમ કહે છે કે: ‘મોઆબનો દેશ તથા આમ્મોનીઓનો દેશ ઇઝરાયલે લઈ લીધો ન હતો;
16પણ જયારે તેઓ મિસરમાંથી આવ્યા ત્યારે ઇઝરાયલીઓ અરણ્યમાંથી લાલ સમુદ્ર અને અરણ્યની એક બાજુથી બીજી બાજુ સુધી ફરીને કાદેશમાં પહોંચ્યા.
17ત્યારે ઇઝરાયલે અદોમના રાજા પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું હતું કે, “કૃપા કરીને તમારા દેશમાં થઈને અમને જવા દે,” પણ અદોમના રાજાએ તેઓનું સાંભળ્યું નહિ. અને તે જ પ્રમાણે તેઓએ મોઆબના રાજાને કહેવડાવ્યું; તે પણ જવા દેવા ઇચ્છતો નહોતો. તેથી ઇઝરાયલીઓ કાદેશમાં રહ્યા.
18પછી તેઓ અરણ્યમાં થઈને ચાલ્યા અને અદોમ દેશ તથા મોઆબ દેશની સરહદ ઉપર ચકરાવો ખાઈને, મોઆબ દેશની પૂર્વ બાજુએ થઈને, આર્નોનને પેલે પાર આવીને તેઓએ મુકામ કર્યો; પણ તેઓ મોઆબ પ્રદેશની અંદર આવ્યા ન હતા, કેમ કે આર્નોન મોઆબની સરહદ હતી.
19ઇઝરાયલે અમોરીઓના રાજા સીહોન, જેણે હેશ્બોન પર રાજ કર્યું હતું તેને સંદેશો મોકલાવ્યો; ઇઝરાયલે તેને કહ્યું, “કૃપા કરીને, તારા દેશમાં થઈને અમને અમારા પ્રદેશમાં જવા દે.”
20પણ સીહોનને ઇઝરાયલ પર ભરોસો ન રાખ્યો. તેથી તેણે તેઓને તેમના પ્રદેશમાં થઈને જવા દીધા નહિ. પણ સીહોનને પોતાના સર્વ લોકોને એકત્ર કરીને યાહસામાં છાવણી કરી અને ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું.
21અને ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરે, ઇઝરાયલને વિજય અપાવીને સીહોનને તથા તેના સર્વ લોકોને તેમના હાથમાં સોંપ્યાં. તેથી ઇઝરાયલે અમોરીઓના આખા દેશ અને તેમા રેહતાં સર્વ જેઓ તે દેશમાં રહેતા હતા તેમનો કબજો લીધો.
22આર્નોનથી યાબ્બોક અને અરણ્યથી યર્દન સુધી અમોરીઓના પ્રદેશનું સર્વ તેઓએ પોતાના કબજા માં લઈ લીધું.
23હવે ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર પોતાના લોકોને અમોરીઓ આગળથી બહાર કાઢી લાવ્યા, ઇઝરાયલને અમોરીઓનું વતન આપી દીધું, તેઓ વતન વગરના થયા.
24તારો દેવ કમોશ જે વતન તને આપે છે, તે વતન શું તું નહિ લેશે? એટલે જે વતન અમારા પ્રભુ ઈશ્વરે અમને આપ્યું છે તે અમે લઈશું.
25હવે તું સિપ્પોરના દીકરા મોઆબના રાજા બાલાક કરતાં શ્રેષ્ઠ છે? શું તેણે ઇઝરાયલની સામે કદી ટક્કર લીધી કે તેણે તેઓની સામે કદી યુદ્ધ કર્યું?
26જયારે ઇઝરાયલ હેશ્બોનમાં તથા તેનાં ગામોમાં, અરોએરમાં તથા તેનાં ગામોમાં અને આર્નોનના કાંઠા પરના સઘળાં નગરમાં, ત્રણસો વર્ષ સુધી રહ્યા હતા, તો તે સમય દરમિયાન તે તમે પાછાં કેમ ન લીધાં?
27મેં તારું કશું બગાડ્યું નથી, પણ તું મારી સામે યુદ્ધ કરવાથી મારું ખોટું કરી રહ્યો છે. ઈશ્વર જે ન્યાયાધીશ છે, તે ઇઝરાયલ તથા આમ્મોનપુત્રોની વચ્ચે ન્યાય કરશે.’
28પણ જે સંદેશો યિફતાએ આમ્મોનીઓના રાજાને કહેવડાવ્યો હતો તે તેણે નકાર કર્યો.
29અને ઈશ્વરનો આત્મા યિફતા પર આવ્યો અને તે ગિલ્યાદ તથા મનાશ્શામાં થઈને ગિલ્યાદના મિસ્પામાં ગયો. પછી મિસ્પામાંથી આમ્મોનીઓની પાસે ગયો.
30યિફતાએ ઈશ્વરની આગળ માનતા માનીને કહ્યું, “જો તમે મને આમ્મોનીઓ પર વિજય અપાવશો,
31તો પછી જયારે હું આમ્મોનીઓ પાસેથી નિરાંતે પાછો આવીશ ત્યારે મને મળવા સારુ જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે ઈશ્વરનું થશે અને હું તેનું દહનીયાર્પણ કરીશ.”
32યિફતા આમ્મોનીઓની વિરુદ્ધ યુદ્ધ કરવા સારુ ગયો ઈશ્વરે તેઓને વિજય અપાવ્યો.
33તેણે તેઓ પર હુમલો કર્યો. અરોએરથી મિન્નીથ સુધીનાં વીસ નગરોનો તથા આબેલ-કરામીમ સુધીના લોકોનો મોટો સંહાર કર્યો. તેથી આમ્મોનીઓ ઇઝરાયલ લોકોના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા.
34યિફતા પોતાને ઘરે મિસ્પામાં આવ્યો. ત્યાં તેની દીકરી તેને મળવાને ખંજરી વગાડતા તથા નૃત્ય કરતાં કરતાં બહાર આવી. તે તેનું એક માત્ર સંતાન હતું, તેના પછી તેને અન્ય દીકરો કે દીકરી ન હતાં.
35જયારે તેણે તેને જોઈ, ત્યારે તે દુઃખમાં ગરકાવ થઈ ગયો અને કહ્યું, “અરે! મારી દીકરી! તેં મને પીડામાં કચડી નાખ્યો છે. જેઓ મને દુઃખ દેનારા છે તેઓમાંની તું પણ થઈ! કેમ કે મેં ઈશ્વરના સોગન લીધા છે અને એ મારા સોગનથી મારાથી પાછા ફરી શકાય એવું નથી.”
36તેણે તેને કહ્યું, “મારા પિતા, તમે ઈશ્વરને સોગનપૂર્વક જે વચન આપ્યું છે, તે પ્રમાણે મને થાઓ, કેમ કે ઈશ્વરે તારું વેર તારા વેરીઓ પર, એટલે આમ્મોનીઓ પર વાળ્યું છે.”
37તેણે પોતાના પિતાને કહ્યું, “મારી આટલી વિનંતી છે કે મને બે મહિના સુધી એકલી રહેવા દે કે, હું નીચે પર્વતોમાં જાઉં અને ત્યાં મારી સખીઓએ મારા કૌમાર્યનો શોક કર્યો.”
38તેણે કહ્યું, “જા.” તેણે તેને બે મહિના માટે જવા દીધી. તેણે વિદાય લીધી. તેણે તથા તેની સહિયરોએ પર્વતો ઉપર પોતાના કૌમાર્યનો શોક કર્યો.
39બે મહિના પછી તે પોતાના પિતાની પાસે પાછી આવી. યિફતાએ પોતે આપેલા વચનનું પાલન કર્યું. હવે યિફતાની દીકરી કુંવારી રહેલી હતી તેથી ઇઝરાયલમાં એવો રિવાજ પડ્યો કે
40વર્ષમાં ચાર દિવસ ગિલ્યાદી યિફતાની દીકરીનો શોક પાળવા માટે ઇઝરાયલની દીકરીઓ દર વર્ષે પર્વતો પર જતી હતી.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.