ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ન્યાયાધીશો 1

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1હવે યહોશુઆના મરણ પછી, ઇઝરાયલના લોકોએ ઈશ્વરને પૂછ્યું, “કનાનીઓની સામે લડવાને અમારી તરફથી કોણે આગેવાની કરવી?”
2ઈશ્વરે કહ્યું, “યહૂદા તમને આગેવાની આપશે. જુઓ, આ દેશને, મેં તેના હાથમાં સોંપ્યો છે.
3યહૂદાએ પોતાના ભાઈ શિમયોનને તથા તેના માણસોને કહ્યું, “જે પ્રદેશ અમને સોંપવામાં આવ્યો છે તેમાં તમે આવો, જેથી આપણે સાથે મળીને કનાનીઓની સામે લડાઈ કરીએ. તેવી જ રીતે જે પ્રદેશ તમને સોંપવામાં આવ્યો હતો, તેમાં અમે તમારી સાથે આવીશું.” તેથી શિમયોનનું કુળ તેની સાથે ગયું.
4યહૂદાના પુત્રોએ ચઢાઈ કરી અને ઈશ્વરે કનાનીઓ તથા પરિઝીઓની ઉપર તેને વિજય આપ્યો. બેઝેકમાં તેઓએ તેઓના દસ હજાર માણસોનો સંહાર કર્યો.
5બેઝેકમાં તેઓને, અદોની-બેઝેક સામે મળ્યો. તેઓએ તેની સામે લડાઈ કરીને કનાનીઓને તથા પરિઝીઓને હરાવ્યા.
6પણ અદોની-બેઝેક નાસવા લાગ્યો ત્યારે તેઓએ તેની પાછળ પડીને તેને પકડયો અને તેના હાથનાં તથા પગના અંગૂઠા કાપી નાખ્યા.
7અદોની-બેઝેકે કહ્યું, “સિત્તેર રાજાઓ, જેઓનાં હાથ તથા પગના અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા, તેઓ ભોજનના મારા ટેબલ નીચેનો ખોરાક વીણીને ખાતા હતા. જેવું મેં કર્યું તેવું જ ઈશ્વરે મને કર્યું છે.” તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા અને ત્યાં તે મૃત્યુ પામ્યો.
8યહૂદા કુળના પુરુષોએ યરુશાલેમ સામે લડાઈ કરીને તેને જીતી લીધું. તેઓએ તલવારની ધારથી હુમલો કર્યો હતો અને તે નગરને બાળી મૂક્યું.
9ત્યાર પછી યહૂદા કુળના પુરુષો પહાડી પ્રદેશમાં, નેગેબમાં જે કનાનીઓ રહેતા હતા તેઓની સાથે લડાઈ કરવાને ગયા.
10હેબ્રોનમાં રહેતા કનાનીઓ સામે યહૂદા આગળ વધ્યા અગાઉ હેબ્રોનનું નામ કિર્યાથ-આર્બા હતું, તેઓએ શેશાય, અહીમાન તથા તાલ્માયને નષ્ટ કર્યા.
11ત્યાંથી યહૂદા કુળના પુરુષો દબીરના રહેવાસીઓની વિરુદ્ધ આગળ વધ્યા અગાઉ દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું.
12કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેર પર આક્રમણ કરીને તેને જીતી લેશે તેની સાથે હું મારી દીકરી આખ્સાહનાં લગ્ન કરાવીશ.”
13કાલેબના નાના ભાઈ, કનાઝના દીકરા, ઓથ્નીએલે દબીરા જીતી લીધું, તેથી કાલેબે પોતાની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યા.
14હવે ઓથ્નીએલને આસ્ખાએ સમજાવ્યો કે તે, તેના આખ્સાનાં પિતાને કહે કે તે તેને ખેતર આપે. આખ્સાહ પોતાના ગધેડા પરથી ઊતરતી જ હતી ત્યારે કાલેબે તેને પૂછ્યું, “દીકરી તારા માટે હું શું કરું?”
15તેણે તેને કહ્યું, “મને એક આશીર્વાદ આપ. જો તેં મને નેગેબની ભૂમિમાં સ્થાપિત કરી છે તો મને પાણીના ઝરા પણ આપ.” અને કાલેબે તેને ઉપરના તેમ જ નીચેના ઝરણાં આપ્યાં.
16મૂસાના સાળા કેનીના વંશજો, યહૂદાના લોકો સાથે ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના અરણ્યમાં જે નેગેબમાં છે, અરાદ નજીક જઈને યહૂદાના લોકો સાથે રહેવા માટે ગયા.
17અને યહૂદાના પુરુષો, તેમના ભાઈ શિમયોનના પુરુષો સાથે ગયા અને સફાથમાં વસતા કનાનીઓ પર હુમલો કરી તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. તે નગરનું નામ હોર્મા કહેવાતું હતું.
18યહૂદાના લોકોએ ગાઝા અને તેની ચારેબાજુની ભૂમિ, આશ્કલોન અને તેની ચારેબાજુની ભૂમિ તથા એક્રોન અને તેની ચારેબાજુની ભૂમિ જીતી લીધી.
19ઈશ્વર, યહૂદાના લોકોની સાથે હતા અને તેઓએ પહાડી પ્રદેશ કબજે કર્યો પણ તે નીચાણમાં રહેનારાઓને કાઢી મૂકી શક્યા નહિ કેમ કે તેઓની પાસે લોખંડના રથો હતા.
20જેમ મૂસાના કહેવા પ્રમાણે હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું અને તેણે અનાકના ત્રણ દીકરાઓને ત્યાંથી કાઢી મૂક્યા.
21પણ બિન્યામીનના લોકો યરુશાલેમમાં રહેતા યબૂસીઓને કાઢી મૂકી શક્યા નહિ. જેથી આજ દિવસ સુધી યબૂસીઓ બિન્યામીનના લોકો સાથે યરુશાલેમમાં રહેતા આવ્યા છે.
22યૂસફના વંશજોએ બેથેલ પર આક્રમણ કર્યું. ઈશ્વર તેઓની સાથે હતા.
23તેઓએ બેથેલની જાસૂસી કરવા પુરુષો મોકલ્યા. અગાઉ તે નગરનું નામ લૂઝ હતું.
24જાસૂસોએ એક માણસને તે નગરમાંથી બહાર આવતો જોયો અને તેઓએ તેને કહ્યું કે, “કૃપા કરીને અમને નગરમાં પ્રવેશવાનો માર્ગ બતાવ અને અમે તારી એ સહાયને યાદ રાખીશું.”
25તેણે તેઓને નગરનો માર્ગ બતાવ્યો. અને તેઓએ તલવારથી તે નગર પર આક્રમણ કર્યું અને તેનો નાશ કર્યો, પણ પેલા માણસને તથા તેના આખા પરિવારને બચાવ્યાં.
26તે માણસે હિત્તીઓના દેશમાં જઈને નગર બાંધ્યું, તેનું નામ લૂઝ પાડ્યું. આજ સુધી તેનું નામ તે જ છે.
27મનાશ્શાના લોકોએ બેથ-શેઆન અને તેના ગામોના, તાનાખના તથા તેના ગામોના, દોર તથા તેના ગામોના, યિબ્લામ તથા તેના ગામોના અને મગિદ્દો તથા તેના ગામોના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; કારણ કે કનાનીઓએ તે દેશમાં રહેવાને ઇચ્છતા હતા.
28પણ જયારે ઇઝરાયલીઓ બળવાન થયા, ત્યારે તેઓએ કનાનીઓ પાસે મજૂરી કરાવી, પણ તેઓએ તેમને સંપૂર્ણ રીતે કાઢી મૂક્યા નહિ.
29ગેઝેરમાં રહેતા કનાનીઓને એફ્રાઇમે કાઢી મૂક્યા નહિ; તેથી કનાનીઓ ગેઝેરમાં તેઓની મધ્યે જ રહ્યા.
30વળી ઝબુલોને કિટ્રોનમાં તથા નાહલોલમાં રહેતા લોકોને કાઢી મૂક્યા નહિ; એટલે કનાનીઓ તેઓની મધ્યે રહ્યા, પણ ઝબુલોનીઓએ કનાનીઓની પાસે ભારે મજૂરી કરાવીને સેવા કરવાને મજબૂર કર્યા.
31આશેરે આક્કો, સિદોન, અહલાબ, આખ્ઝીબ, હેલ્બા, અફીક તથા રહોબના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ.
32તેથી આશેરનું કુળ કનાનીઓની સાથે રહ્યું જેઓ તે દેશમાં રહ્યા કેમ કે તેણે તેઓને દૂર કર્યા નહિ.
33નફતાલીએ બેથ-શેમેશના અને બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. તેથી નફતાલીનું કુળ કનાનીઓ મધ્યે રહ્યું. જો કે, બેથ-શેમેશના તથા બેથ-અનાથના રહેવાસીઓને નફતાલીઓએ પોતાના ગુલામ બનાવ્યાં.
34અમોરીઓએ દાનના પુત્રોને પહાડી પ્રદેશમાં રહેવાને મજબૂર કર્યા અને તેઓને સપાટ પ્રદેશમાં આવવા દીધા નહિ;
35અમોરીઓ હેરેસ પહાડ, આયાલોન અને શાલ્બીમમાં રહેવા ઇચ્છતા હતા, પણ યૂસફના કુળની લશ્કરી તાકાતે તેઓને તાબે કર્યા અને પોતાના ગુલામ બનાવ્યાં.
36અમોરીઓની સરહદ સેલાના આક્રાબ્બીમના ઘાટથી શરૂ થઈ પર્વતીય પ્રદેશ સુધી હતી.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.