ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યશાયા 51

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1તમે જેઓ ન્યાયીપણાને અનુસરો છો, તમે જેઓ યહોવાહને શોધો છો, તમે મારું સાંભળો: જે ખડકમાંથી તમને કોતરી કાઢવામાં આવ્યા છે અને જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે તેની તરફ જુઓ.
2તમારા પિતા ઇબ્રાહિમને અને તમારી જનેતા સારાને નિહાળો; તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો, મેં તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી.
3હા, યહોવાહ સિયોનને દિલાસો આપશે; તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપશે; તેના અરણ્યને એદન સરખું અને રણને યર્દન નદીની ખીણની બાજુમાં યહોવાહના ઉપવન સરખું કર્યું છે; આનંદ અને ઉત્સવ તેનામાં મળી આવશે, ત્યાં આભારસ્તુતિ તથા ગીતોનો અવાજ સંભળાશે.
4“હે મારા લોકો, મારી વાત પર ધ્યાન આપો; હે મારી પ્રજા, મારી વાત સાંભળો! કેમ કે નિયમ મારી પાસેથી નીકળશે અને હું મારો ન્યાયચુકાદો દેશોના અજવાળાંને માટે સ્થાપિત કરીશ.
5મારું ન્યાયીપણું પાસે છે; હું જે ઉદ્ધાર કરવાનો છું તે બહાર પ્રગટ થશે અને મારા ભુજ દેશોનો ન્યાય કરશે; દ્વીપો મારી પ્રતિક્ષા કરશે, મારા ભુજની તેઓ આતુરતાથી રાહ જોશે.
6તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો અને નીચે પૃથ્વી તરફ નજર કરો, કેમ કે આકાશ ધુમાડાની જેમ જતું રહેશે, પૃથ્વી વસ્ત્રની જેમ જીર્ણ થશે અને તેના રહેવાસીઓ માખીઓની જેમ મરણ પામશે. પણ મેં કરેલો ઉદ્ધાર સદાકાળ રહેશે અને મારું ન્યાયીપણું ક્યારેય કામ કરવાનું બંધ કરશે નહિ.
7જેઓ જાણે છે કે સાચું શું છે અને જેઓના હૃદયમાં મારો નિયમ છે, તેઓ મારું સાંભળો: માણસોની નિંદાથી બીશો નહિ કે તેઓના મહેણાંથી ડરશો નહિ.
8કેમ કે ઉધાઈ તેઓને વસ્ત્રની જેમ ખાઈ જશે અને કીડા તેઓને ઊનને જેમ કોતરી ખાશે; પણ મારું ન્યાયીપણું સદાકાળ ટકશે અને મેં કરેલો ઉદ્ધાર પેઢી દરપેઢી રહેશે.”
9હે યહોવાહના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યના વસ્ત્રો પહેરી લો. પૂર્વકાળની જેમ, પુરાતન કાળની પેઢીઓમાં થયું તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તમે નથી?
10જેણે સમુદ્રને, તેનાં અતિ ઊંડાં પાણીને સૂકવી નાખ્યાં અને ઉદ્ધાર પામેલાઓને પાર ઉતારવાને અર્થે સમુદ્રનાં ઊંડાણોમાં થઈને માર્ગ કરી આપ્યો, તે જ તમે નથી?
11યહોવાહથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાદસહિત સિયોન પહોંચશે અને તેઓના માથે સદાકાળ આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે અને દુ:ખ તથા શોક જતાં રહેશે.
12હું, હું જ છું, હું તને દિલાસો આપું છું. જે માણસ મરનાર છે તે, મનુષ્યના સંતાનોને, ઘાસની જેમ બનાવવામાં આવ્યાં છે, તું શા માટે માણસની બીક રાખે છે?
13તું કેમ તારા કર્તા યહોવાહને ભૂલી ગયો, તેમણે આકાશો પ્રસાર્યાં છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે? જુલમગાર વિનાશ કરવાને તૈયારી કરે છે ત્યારે તું આખો દિવસ તેના ક્રોધને લીધે બીએ છે. જુલમીનો ક્રોધ ક્યાં છે?
14જે દબાયેલા છે તે જલદીથી મુકત થશે, યહોવાહ ઉતાવળે તેને છોડાવશે; તે મરશે નહિ અને કબરમાં ઊતરશે નહિ, વળી તેનું અન્ન ખૂટશે નહિ.
15કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું, જે સમુદ્રને ખળભળાવે છે, તેથી તેનાં મોજાંઓ ગર્જના કરે છે; સૈન્યોના ઈશ્વર યહોવાહ તેમનું નામ છે.
16મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે અને મારા હાથની છાયામાં તને ઢાંક્યો છે, જેથી હું આકાશોને સ્થાપું, પૃથ્વીનો પાયો નાખું અને સિયોનને કહું કે, ‘તું મારી પ્રજા છે.’ ”
17હે યરુશાલેમ જાગૃત થા, જાગૃત થા, ઊભું થા, તેં યહોવાહના હાથથી તેમના કોપનો કટોરો પીધો છે; તેં એ કટોરો પીધો છે, તેં લથડિયાં ખવડાવનારો કટોરો પીને ખાલી કર્યો છે.
18જે સર્વ દીકરાઓને તેણે જન્મ આપ્યો છે તેઓમાંનો કોઈ તેને દોરી લઈ જનાર નથી; જે સર્વ દીકરાઓને તેણે મોટા કર્યા છે તેઓમાંનો કોઈ તેનો હાથ પકડીને લઈ જાય એવો નથી.
19તારા પર આ બે દુઃખ આવી પડશે - કોણ તારે લીધે શોક કરશે? - પાયમાલી તથા વિનાશ, દુકાળ તથા તલવાર. કોણ તને સાંત્વના આપશે?
20તારા દીકરાઓ બેહોશ થઈ ગયા છે; તેઓ જાળમાં ફસાયેલા હરણની જેમ, ગલીના દરેક ખૂણામાં પડી રહે છે. તેઓ યહોવાહના કોપથી અને તારા ઈશ્વરના ઠપકાથી ભરપૂર.
21માટે હે દુઃખી તથા પીધેલી, પરંતુ દ્રાક્ષારસથી નહિ, તું આ સાંભળ:
22તમારા પ્રભુ યહોવાહ, તમારા ઈશ્વર, જે પોતાના લોકો માટે વાદ કરનાર છે, તે એવું કહે છે: “જો, લથડિયાં ખવડાવનારો પ્યાલો મેં તારા હાથમાંથી લઈ લીધો છે, મારા કોપનો કટોરો હવે પછી તું કદી પીનાર નથી.
23હું તેને તારા પર જુલમ કરનારાઓનાં હાથમાં મૂકીશ, જેઓ તને કહેતાં હતાં કે, ‘ઊંધો પડ કે, અમે તારા ઉપર થઈને ચાલીએ;’ તેં તારી પીઠ જમીન જેવી અને તેઓને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.