ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યશાયા 47

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ; હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વિના જમીન પર બેસ. તું હવે પછી ઉમદા અને કોમળ કહેવાશે નહિ.
2ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો ઉતાર, તારી સુરવાલ ઊંચી કર, પગ ઉઘાડા કર, નદીઓ ઓળંગીને જા.
3તારી કાયા ઉઘાડી થશે, હા, તારી લાજ પણ જશે: હું વેર લઈશ અને કોઈને છોડીશ નહિ.
4આપણો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના પવિત્ર છે.
5હે ખાલદીઓની દીકરી, મૌન રહીને બેસ અને અંધારામાં જા; કેમ કે હવે પછી તું રાજ્યોની રાણી કહેવાઈશ નહિ.
6હું મારા લોકો ઉપર કોપાયમાન થયો; મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો અને તેઓને તારા હાથમાં સોંપ્યા, પરંતુ તેઁ તેઓના પ્રત્યે દયા રાખી નહિ; તેઁ વૃદ્ધો ઉપર તારી અતિ ભારે ઝૂંસરી મૂકી.
7તેં કહ્યું, “હું સર્વકાળ સુધી રાણી તરીકે શાસન કરીશ.” તેં કદી એ વાત ધ્યાનમાં લીધી નહિ અને તેનું પરિણામ શું આવશે એ લક્ષમાં લીધું નહિ.
8તેથી હવે આ સાંભળ, હે એશઆરામમાં નિશ્ચિંત થઈને બેસી રહેનારી, તું તારા હૃદયમાં કહે છે, “હું અસ્તિત્વમાં છું અને મારા જેવું બીજું કોઈ નથી; હું વિધવા તરીકે ક્યારેય બેસીશ નહિ, કે કદી બાળકો ગુમાવવાનો અનુભવ કરીશ નહિ.”
9પરંતુ આ બન્ને વિપત્તિઓ તારી ઉપર એક જ દિવસે એક જ ક્ષણે આવશે એટલે કે બાળકો ગુમાવવાં અને વિધવાવસ્થા; આ સંપૂર્ણ વિપત્તિઓ એક જ દિવસે તારા પર આવશે. પુષ્કળ જાદુ અને જંતરમંતર તથા તાવીજ હોવા છતાં તે તારા પર આવશે.
10તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું કે, “મને કોઈ જોનાર નથી;” તારી બુદ્ધિ અને તારું ડહાપણ તમને ગેરમાર્ગે દોરી જાય છે, પરંતુ તું તારા હૃદયમાં કહે છે, “હજી હું અસ્તિત્વ ધરાવું છું અને મારા જેવું બીજું કોઈ નથી.”
11તારા પર આફત આવશે; તેને તું જંતરમંતરથી ટાળી શકીશ નહિ. વિનાશ તારા પર આવી પડશે; તે સંકટને તમે દૂર કરી શકશો નહિ. તમને ખબર પડે તે અગાઉ જ આપત્તિ તારા પર ત્રાટકશે.
12તેં બાળપણથી વિશ્વાસુપણે જે પઠન કર્યું છે તે તારા મંત્રો અને પુષ્કળ જાદુને ચાલુ રાખજે; કદાચ તું સફળ થશે, કદાચ તું વિનાશને ભય પમાડી શકે.
13અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તે માણસોને ઊભા થવા દો અને તને બચાવવા દો - જેઓ નક્ષત્રો અને તારાઓ પર નજર રાખે છે, જેઓ નવો ચંદ્ર સૂચવે છે - તારા પર જે આવનાર છે તેમાંથી તારો બચાવ થાય એવું તું માનતી હશે.
14જુઓ, તેઓ ખૂપરા જેવા થશે, અગ્નિ તેઓને બાળી નાખશે; તેઓ અગ્નિની જ્વાળાઓથી પોતાને બચાવી શકશે નહિ; ત્યાં તેઓને તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ.
15જે લોકોની સાથે તેં તારી યુવાનીના સમયથી વેપાર કર્યો છે, તેઓ તારા માટે પરિશ્રમ સિવાય બીજું કશું જ નહિ હોય; તેઓ દરેક પોતપોતાના માર્ગે ભટકતા રહેશે; તને બચાવનાર કોઈ હશે નહિ.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.