ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યશાયા 16

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1અરણ્યને માર્ગે સેલાથી સિયોનની દીકરીના પર્વતની પાસે દેશના અમલદારને માટે હલવાન મોકલો.
2માળા તોડી પાડ્યાને લીધે ભટકતા પક્ષી જેવી મોઆબની સ્ત્રીઓ આર્નોન નદીના કિનારા પર આવશે.
3“સલાહ આપો, ઇનસાફ કરો; બપોરે તારી છાયા રાતના જેવી કર; કાઢી મૂકેલાઓને સંતાડ; ભટકનારાઓનો વિશ્વાસઘાત કરીશ નહિ.
4મોઆબના કાઢી મૂકેલાઓને તારી પાસે રહેવા દે, તેઓનો વિનાશ કરનારાઓથી તેઓનું સંતાવાનું સ્થાન થા.” કેમ કે જુલમનો અંત આવશે અને વિનાશ બંધ થઈ જશે, જેઓ દેશને પગતળે છૂંદી નાખનારા હતા તેઓ દેશમાંથી ચાલ્યા ગયા હશે.
5ત્યારે કૃપામાં એક સિંહાસન સ્થાપિત કરવામાં આવશે; અને દાઉદના તંબુમાંથી તે પર એક સત્યનિષ્ઠ પુરુષ વિશ્વાસુપણે બિરાજશે. જેમ તે ન્યાય ચાહે છે તેમ તે ઇનસાફ કરશે અને પ્રામાણિકપણે વર્તશે.
6અમે મોઆબના ઘમંડ, તેના અહંકાર, તેની બડાઈ અને તેના ક્રોધ વિષે સાંભળ્યું છે. પણ તેની બડાશો ખાલી બકવાસ જ છે.
7તેથી મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેઓમાંના દરેક વિલાપ કરશે. ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષવાડીઓને માટે તમે શોક કરશો.
8કેમ કે હેશ્બોનનાં ખેતરો અને સિબ્માહની દ્રાક્ષવાડીઓ કસ વગરની થઈ ગઈ છે. દેશના અધિપતિઓએ ઉત્તમ દ્રાક્ષાને પગ તળે ખૂંદી નાખી છે, તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં ફેલાવો પામતી. તેની ડાળીઓ વિદેશમાં પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી.
9તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માહની દ્રાક્ષવાડીને માટે રડીશ; હે હેશ્બોન તથા એલઆલેહ, હું તને મારાં આંસુઓથી સિંચીશ. કેમ કે તારા ઉનાળાંનાં ફળ પર તથા તારી ફસલ પર હર્ષનાદ થયો છે.
10ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતાં રહ્યાં છે; દ્રાક્ષવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ. દ્રાક્ષકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ; મેં હર્ષનાં ગાયન બંધ કર્યાં છે.
11તેથી મારું હૃદય મોઆબને માટે વીણાની જેમ વાગે છે અને કીર-હેરેસને માટે મારી આંતરડી કકળે છે.
12જ્યારે મોઆબ દેખાશે અને ઉચ્ચસ્થાનો પર ચઢતાં થાકી જશે, અને પોતાના સભાસ્થાનમાં પ્રાર્થના કરવા માટે જશે, ત્યારે તેની પ્રાર્થનાથી કંઈ પ્રાપ્ત થશે નહિ.
13યહોવાહે મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે.
14ફરીથી યહોવાહે આ પ્રમાણે કહ્યું, “ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ અદ્રશ્ય થઈ જશે; તેના ઘણા લોકો તુચ્છ ગણાશે અને તેનો શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.