ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

હોશિયા 4

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1હે ઇઝરાયલી લોકો, યહોવાહનું વચન સાંભળો. આ દેશના રહેવાસીઓ સામે યહોવાહ દલીલ કરવાના છે, કેમ કે દેશમાં સત્ય કે વિશ્વાસુપણું કે ઈશ્વરનું ડહાપણ નથી.
2શાપ આપવો, જૂઠું બોલવું, ખૂન કરવું, ચોરી કરવી અને વ્યભિચાર કરવો તે સિવાય બીજું કંઈ જ ચાલતું નથી. લોકો સીમાઓ તોડે છે અને રક્તપાત પાછળ રક્તપાત છે.
3તેથી દેશ વિલાપ કરશે, તેમાં રહેનાર દરેક નિર્બળ થઈ જશે જંગલી પશુઓ, આકાશમાંના બધાં પક્ષીઓ સમુદ્રમાંનાં માછલાં સુદ્ધાં મરતાં જાય છે.
4પણ કોઈએ દલીલ કરવી નહિ; તેમ કોઈએ બીજા માણસ પર આરોપ કરવો નહિ. હે યાજકો, મારી દલીલ તમારી સામે છે.
5હે યાજક તું દિવસે ઠોકર ખાઈને પડશે; તારી સાથે પ્રબોધકો પણ રાત્રે ઠોકર ખાઈને પડશે, હું તારી માતાનો નાશ કરીશ.
6મારા લોકો ડહાપણને અભાવે નાશ પામતા જાય છે, કેમ કે તમે ડહાપણનો અનાદર કર્યો છે તેથી હું પણ તને મારા યાજકપદથી દૂર કરી દઈશ. કેમ કે તું, તારા ઈશ્વરના નિયમ ભૂલી ગયો છે, એટલે હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.
7જેમ જેમ યાજકોની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપો કરતા ગયા. હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ.
8તેઓ મારા લોકોનાં પાપ પર નિર્વાહ કરે છે; તેઓ દુષ્ટતા કરવામાં મન લગાડે છે.
9લોકો સાથે તથા યાજકો સાથે એવું જ થશે. હું તેઓને તેઓનાં દુષ્ટ કૃત્યો માટે સજા કરીશ તેઓનાં કામનો બદલો આપીશ.
10તેઓ ખાશે પણ ધરાશે નહિ, તેઓ વ્યભિચાર કરશે પણ તેઓનો વિસ્તાર વધશે નહિ, કેમ કે તેઓ મારાથી એટલે યહોવાહથી દૂર ગયા છે અને તેઓએ મને તજી દીધો છે.
11વ્યભિચાર, દ્રાક્ષારસ તથા નવો દ્રાક્ષારસ તેમની સમજને નષ્ટ કરે છે.
12મારા લોકો લાકડાંની મૂર્તિઓની સલાહ પૂછે છે, તેઓની લાકડીઓ તેઓને ભવિષ્યવાણીઓ કહે છે. કેમ કે અનિચ્છનીય સંગતે તેઓને અવળે માર્ગે દોર્યા છે, તેઓએ પોતાના ઈશ્વરને છોડી દીધા છે.
13તેઓ પર્વતોનાં શિખરો પર બલિદાન કરે છે; ડુંગરો પર, એલોન વૃક્ષો, પીપળ વૃક્ષો તથા એલાહ વૃક્ષોની નીચે ધૂપ બાળે છે. તેથી તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.
14જ્યારે તમારી દીકરીઓ વ્યભિચાર કરશે, કે તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ. કેમ કે પુરુષો પોતે જ ગણિકાઓ સાથે વ્યવહાર રાખે છે, દેવદાસીઓની સાથે મંદિરમાં યજ્ઞો કરે છે. આ રીતે જે લોકો સમજતા નથી તેઓનો વિનાશ થશે.
15હે ઇઝરાયલ, જોકે તું વ્યભિચાર કરે, પણ યહૂદિયાને દોષિત થવા દઈશ નહિ. તમે લોકો ગિલ્ગાલ જશો નહિ; બેથ-આવેન પર ચઢશો નહિ. અને “જીવતા યહોવાહના સમ” ખાશો નહિ.
16કેમ કે ઇઝરાયલ અડિયલે વાછરડીની જેમ હઠીલાઈ કરી છે. પછી લીલા બીડમાં હલવાનની જેમ યહોવાહ તેઓને ચારશે.
17એફ્રાઇમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે. તેને રહેવા દો.
18મદ્યપાન કરી રહ્યા પછી, તેઓ વ્યભિચાર કરવાનું ચાલુ રાખે છે; તેના અધિકારીઓ મોહમાં અંધ થઈ ગયા છે.
19પવને તેને પોતાની પાંખોમાં વીંટી દીધી છે; તેઓ પોતાનાં બલિદાનોને કારણે શરમાશે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.