ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

હિબ્રૂઓને પત્ર 7

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા અને પરાત્પર ઈશ્વરનો યાજક હતો, જયારે ઇબ્રાહિમ રાજાઓની હત્યા કરીને પાછો આવ્યો, ત્યારે તેણે તેને મળીને આશીર્વાદ આપ્યો;
2અને ઇબ્રાહિમે લડાઈમાં જે મેળવ્યું હતું તેનો દસમો ભાગ તેને આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ‘ન્યાયીપણાનો રાજા,’ પછી ‘શાલેમનો રાજા,’ એટલે ‘શાંતિનો રાજા’ છે.
3તે પિતા વગરનો, માતા વગરનો અને વંશાવળી વગરનો હતો, તેના આરંભનો સમય કે આયુષ્યનો અંત ન હતો, પણ તે ઈશ્વરના પુત્રના જેવો સદા યાજક રહે છે.
4તો જેને આદિપિતા ઇબ્રાહિમે લૂટમાંનો દસમો ભાગ આપ્યો, તે કેવો મહાન હશે એનો વિચાર કરો.
5અને ખરેખર, લેવીના સંતાનમાંના જેઓ યાજકપદ પામે છે, તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહિમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી, નિયમશાસ્ત્ર પ્રમાણે દસમો ભાગ લેવાની આજ્ઞા છે ખરી;
6પણ જે તેઓની વંશવાળીનો ન હતો, તેણે ઇબ્રાહિમની પાસેથી દસમો ભાગ લીધો અને જેને વચનો મળ્યાં હતાં તેને તેણે આશીર્વાદ આપ્યો.
7હવે, મોટો નાનાને આશીર્વાદ આપે છે તેમાં તો કંઈ પણ વાંધો નથી.
8અહીંયાં યહૂદી યાજકો જેઓ મૃત્યુપાત્ર છે તે આ દસમો ભાગ લે છે; પણ ત્યાં જેનાં સંબંધી સાક્ષી આપેલી છે, કે તે જીવંત છે, તે લે છે.
9અને એમ પણ કહેવાય છે કે, જે લેવી દસમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દસમો ભાગ આપ્યો;
10કેમ કે જયારે મેલ્ખીસેદેક તેના પિતાને મળ્યો, ત્યારે તે પોતાના પિતાનાં અંગમાં હતો.
11એ માટે જો લેવીના યાજકપણાથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારુનના નિયમ પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના નિયમ અનુસાર ઉત્પન્ન થાય એની શી અગત્ય હતી?
12કેમ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલાવાની જરૂર છે.
13કેમ કે જે સંબંધી એ વાતો કહેવાયેલી છે, તે અન્ય કુળનો છે, તેઓમાંના કોઈએ યજ્ઞવેદીની સેવા કરી નથી.
14કેમ કે એ સ્પષ્ટ છે, કે યહૂદાના કુળમાં આપણા પ્રભુનો જન્મ થયો, તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કશું કહ્યું નથી.
15હવે જે મેલ્ખીસેદેકના જેવો, એટલે કે જગિક આજ્ઞાના ધારા ધોરણ પ્રમાણે નહિ પણ અવિનાશી જીવનનાં સામર્થ્ય પ્રમાણે;
16બીજો એક યાજક ઊભો થયો છે, તો આ બાબત વિષે સ્પષ્ટ થાય છે.
17કેમ કે એવી સાક્ષી આપવામાં આવેલી છે કે, મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે ‘તમે સનાતન યાજક છો.’ ”
18કેમ કે અગાઉની આજ્ઞા અશક્ત તથા નિરુપયોગી હતી તે માટે તે રદ કરવામાં આવે છે.
19કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી, અને જેને બદલે જેનાંથી આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ, એવી વધારે સારી આશાનો ઉદભવ થાય છે.
20પણ આ તો સમ વગર આપવામાં આવ્યું નહોતું. બીજા તો સમ વગર યાજક થયા છે તે વિશેષ સારું છે કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું,
21પણ આ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું કે, ‘પ્રભુએ સમ ખાધા, અને તે પસ્તાવો કરનાર નથી, કે તું સનાતન યાજક છે, આવી રીતે તે તેમનાંથી યાજક થયા.’ ”
22તે જ પ્રમાણે ઈસુ સારા કરારની ખાતરી થયા છે.
23જેઓ યાજક થયા તેઓ પુષ્કળ પ્રમાણમાં હતા ખરા, કેમ કે મૃત્યુને લીધે તેઓ સદા રહી શક્યા ન હતા.
24પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજકપદ અવિકારી છે.
25માટે જેઓ તેમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કરવાને ઈસુ સમર્થ છે. કેમ કે દરેકને માટે મધ્યસ્થી કરવાને તેઓ સદા જીવંત રહે છે.
26તેમના જેવા પ્રમુખ યાજકની આપણને જરૂર હતી, તે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી તદ્દન અલગ છે, અને તેમને આકાશ કરતાં વધારે ઉચ્ચસ્થાને બિરાજવામાં આવેલા છે.
27પ્રથમ પ્રમુખ યાજકોની માફક તે પોતાના પાપોને સારુ, પછી લોકોના પાપોને સારુ નિત્ય બલિદાન આપવાની તેમને અગત્ય નથી; કેમ કે તેમણે, પોતાનું અર્પણ કરીને એક જ વખતમાં એ કાર્ય પૂર્ણ કર્યું છે.
28કેમ કે નિયમશાસ્ત્ર નબળા માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે; પણ નિયમશાસ્ત્ર પછી જે સમનું વચન છે તે તો સદાને માટે સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.